સંજય ડાંગર, ધ્રોલ
અફઘાનિસ્તાન પર ફરી એકવાર તાલીબાનોએ કબજો કરી લેતાં ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતા ફેલાઈ છે. ત્યારે ભારતે હાલ તો અફઘાનિસ્તામાં રહેતા અને કામ કરતા નાગરિકોને પરત લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે આજે ઈન્ડિયન એરફોર્સનું વધુ એક વિમાન કાબુલથી ભારતીય નાગરિકોને લઈ વતન પરત ફર્યું હતું. ઈંધણ ભરાવવા માટે જામનગર એરફોર્સના એરબેઝ પર વિમાન ઉતર્યું હતું. આ સમયે ભારત પરત ફરેલા ભારતીયોએ રાહતની લાગણી અનુભવી હતી અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસની સુરક્ષાની જવાબદારી સંભાળતા ITBPના કમાન્ડો પણ આજે વતન પરત ફર્યા . તેમણે કહ્યું હતું કે ત્યાંની સ્થિતિ બહુ ખરાબ છે, એનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે.અફઘાનિસ્તામાં સ્થિતિ એટલી ઝડપથી પલટાઈ, જેની ખુદ અફઘાનિસ્તાન સરકારને પણ કલ્પના ન હતી. અચાનક બદલાયેલી સ્થિતિને કારણે હાલ ભારત સરકાર દ્વારા ત્યાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતા લોકોને સલામત રીતે લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. ત્યારે આજે જામનગર એરફોર્સ સ્ટેશન પર આવેલા C-17 વિમાનમાં અધિકારી અને વિવિધ પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ મળી કુલ 150 વ્યકિત ભારત પહોંચ્યા હતા.
અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂતે એરફોર્સનો આભાર માન્યો
કાબુલથી આજે એરફોર્સનું જે વિમાન ભારત પરત ફર્યું એમાં અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રુદેન્દ્ર ટંડન પણ પરત ફર્યા હતા. જામનગર એરફોર્સ બેઝ પર સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામા આવતાં તેમણે કહ્યું હતું કે તમારા સ્વાગતની અસર આપણા બધા પર પડે છે. અફઘાનિસ્તાનમાં અસામાન્ય સ્થિતિ વચ્ચે ત્યાંથી ભારત પરત લાવવા બદલ ઈન્ડિયન એરફોર્સનો પણ આભાર માન્યો હતો.
કાબૂલથી લઈ ભારત સુધી ITBPના જવાનો ખડેપગે રહ્યા
અફઘાનિસ્તાનમાં આવેલી ભારતી એમ્બેસીની સુરક્ષાની જવાબદારી ITBPની છે. ત્યારે ITBPના કેટલા ચુનંદા જવાનો ત્યાં સુરક્ષા માટે ફરજ બજાવે છે. કાબુલ ઝડપથી સ્થિતિ બદલાતાં જ ITBPના જવાનો સામે પણ ભારતીય દૂતાવાસના કર્મચારીઓની સુરક્ષાનો એક પડકાર ઊભો થયો હતો. જોકે તેમણે ચોક્કસ રણનીતિ ઘડી સલામત રીતે અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓને ત્યાંના એરપોર્ટ સુધી પહોંચાડ્યા હતા અને ત્યાંથી ભારત પરત લાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. ભારત પરત ફરેલા ITBPના કમાન્ડોએ કહ્યું હતું કે ત્યાં એટલી વિસ્ફોટક સ્થિતિ છે કે એનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં.
‘મોદી હૈં તો મુમકીન હૈં’
જામનગર એરફોર્સ સ્ટેશન પર વિમાને ઉતરાણ કરતા વિમાનમાં સવાર લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. કાબુલથી પરત ફરેલા મોટા ભાગના કર્મચારીઓએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે કેટલાક કર્મચારીઓએ કહ્યું હતું કે ‘મોદી હૈં તો મુમકીન હૈં’. સલામત રીતે વતનવાપસી બદલ મોદી સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.