૭૦ જેટલી આરોગ્ય સંસ્થાઓના સઘન સંચાલનમાં દર્દીઓની કરાય છે: ઉત્તમોતમ સારવાર

તંત્ર દ્વારા જિલ્લાની ૩૪ ખાનગી હોસ્પિટલને ૧૮૨૫ બેડ સાથે ૬૦ વેન્ટીલેટર લોન દ્વારા ફાળવાયા

કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી રાજકોટને બહાર લાવવા માટે ૩૫ લોકોના સ્ટાફ સાથે કાબિલે-દાદ કામગીરી કરનાર વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય કચેરી, રાજકોટ ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન હેઠળ ૬ જિલ્લા (રાજકોટ-જામનગર-પોરબંદર-ભુજ-કચ્છ-મોરબી-દેવભુમિ દ્વારકા) અને રાજકોટ-જામનગર એમ બે કોર્પોરેશનનો સમાવેશ થાય છે. જનઆરોગ્ય માટે સંપૂર્ણ પ્રતિબધ્ધતા અને સંબંધિત જિલ્લાના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશ્નર, અગ્ર સચિવ આરોગ્ય અને આરોગ્ય કમિશ્નર સહિતના વડાઓ સાથે સંકલન સાધીને વિભાગીય નાયબ નિયામક આરોગ્ય કચેરી દ્વારા કુલ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થા અને તબીબી સેવાઓનું મોનીટરીંગ અને મેન્ટરીંગ કરવામાં આવી રહ્યું છે.

રોગને મ્હાત આપવા માટે સારવારની સઘન વ્યવસ્થા કેન્દ્ર સ્થાન પર હોય છે. તેથી કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે સમય સુચકતા અને સઘન વ્યવસ્થા સાથે કરેલી કામગીરી અંગે વિગતો આપતા આરોગ્યના વિભાગીય નાયબ નિયામક ડો.મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ કલેકટરની સુચના અન્વયે રાજકોટમાં બે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે, તે માટે રાજકોટ જિલ્લા ગ્રામ્ય તથા કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ૩૪ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલને ૧૮૨૫ બેડ સાથે કોવીડ-૧૯ સારવાર અર્થે નિયુક્ત કરવામાં આવી છે. જેમાં આશરે ૬૦ જેટલા વેન્ટીલેટર લોન ઉપર કોવીડ-૧૯ દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. અન્ય જિલ્લાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે પોરબંદર, દ્વારકા અને મોરબી જિલ્લાકક્ષાની હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. સહિતની ૧૦૦ થી ૧૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

કુદરતી આફતને એકતાની શક્તિ વડે ખતમ કરવા રાજકોટ અને અન્ય છ જિલ્લાનો મેડીકલ સ્ટાફ પણ તંત્રની પડખે ઉભો રહ્યો છે. જે અન્વયે અન્ય જિલ્લાઓમાંથી એક તબીબી અધિકારી, પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર અને એમ્બ્યુલન્સ વાહન સાથે કુલ ૭૨ ટીમ અને ૨૧૬ કર્મચારીઓને કોવીડ-૧૯ કામગીરી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટેશન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં વડી કચેરી ગાંધીનગરના સંકલન સાથે આશરે ૧૦૦ સ્ટાફ નર્સને પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે ફરજ પર મુકવામાં આવ્યા છે. તેમજ કર્મયોગી બનીને ૩ ફિઝિયોથેરાપીસ્ટો સિવિલ ખાતે રોટેશન મુજબ અન્ય આદેશ ન થાય ત્યાં સુધી એનેસ્થેસિયા વિભાગ હેઠળ પ્રતિનિયુક્તિથી ફરજો નિભાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.