અબતક, દર્શન જોશી
જુનાગઢ
નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કોરોના રસીકરણમાં અભિયાનમાં જૂનાગઢ જિલ્લો રાજયમાં પ્રથમ સ્થાને રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 56000 ના લક્ષ્યાંક સાથે 59161 સામે લોકોને રસી આપી 104.25 ટકા અને જૂનાગઢ શહેરમાં 8800 લક્ષ્યાંક સામે 13332 લોકો નું રસીકરણ કરી 151.50 ટકા કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં 1200થી વધુ કર્મચારીઓ વેક્સિનેશન મેગા ડ્રાઈવ માં સહભાગી થયા હતા. આ કર્મયોગીઓ મોડી રાત્રી ફરજ બજાવી લોકોને કોરોના રસી આપી હતી.
કોરોનાના રામબાણ ઇલાજ માટે રસીકરણ એકમાત્ર ઉપાય હોય ગામડે ગામડે જન-જન સુધી આ સંદેશો પહોંચાડવામાં તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ અને ગામડે ગામડે કાર્યરત આરોગ્ય કર્મીઓ, આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો તથા તમામ ફિલ્ડ સ્ટાફની કાબિલેદાદ કામગીરી રહી હતી.
નાકરા પ્રા.આરોગ્ય કેન્દ્રના કર્મચારી દિવ્યાબેન વઢવાણિયા, લુશાળાના વનીતાબેન કારેથા જેઓ ગોઠણબુડ પાણીમાં અને વાડી વિસ્તારમાં પણ કોઇ વ્યક્તિ રસી લીધા વગર ના રહે તેની તકેદારી લીધી હતી. ચાંદીગઢ, બામણગઢ અને પાદરડીના આરોગ્ય કર્મીઓ પણ ભારે વરસાદથી રસ્તાની મુશ્કેલી હોવા છતા રસીકરણ સેન્ટર ઉપર પહોંચી તેમને સોપેલી કામગીરી નિષ્ઠાપૂર્વક પુરી કરી હતી. આરોગ્ય કર્મીઓની આ નિષ્ઠા જ કોરોનાના ત્રીજા વેવને ખાળવામાં મહત્વની બનશે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લાના 325 જેટલા ગામોમાં સો ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તારીખ 17 સુધીમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 11,79,743 લોકોને કોરોના રસીથી આરક્ષીત કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 83.35 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સૈાથી વધુ 96.81 ટકા મેંદરડા તાલુકામાં રસીકરણ પૂર્ણ કરવામાં આવેલ છે