પડધરીના ધૂના ગામે અંતિમ શ્ર્વાસ લીધા: કવિદાદની કાવ્ય રચનાના 8 પુસ્તકો બહાર પાડયા હતા:15 ગુજરાતી ફિલ્મોમાં ગીત ગવાયા હતા: કવિ દાદ બાપુના ચાહક વર્ગોએ અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી
સોરઠી સાહિત્યના ઘરેણા સમાન અને જૂનાગઢનું ગૌરવ એવા પદ્મશ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી ઉર્ફે કવિ દાદે ગઈકાલે મોડી સાંજે ઓચિંતી વિદાય લીધી હતી, તેના દુ:ખદ અવસાનની જાણ થતા તેમના ચાહક વર્ગ, કલાકાર જગત અને સમગ્ર ચારણ સમાજમાં ગમગીની છવાઇ ગઇ છે.સાંભળનારની આંખોમાં અશ્રુની ધારા વહેતી રહે તેવા “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો” જેવી અમર રચનાના રચીયતા એવા કવિ દાદે આઠ દાયકાની જીવન સફર અને 6 દાયકાની સાહિત્ય સેવા કરી ગુજરાતી સાહિત્યને અનેક અણમોલ લોકગીત, ભજનો અને ગીતોનું અમર નજરાણું આપી, ગઈકાલે સોમવારે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં દુ:ખદ વિદાય લીધી હતી. ત્યારે તેમના ચાહક વર્ગની આંખો ભીની થયા વગર રહી ન હતી.
તા. 11/8/41 ના રોજ વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે જન્મેલ દાદુદાન પ્રતાપદાન ગઢવી માત્ર ચાર ચોપડી ભણેલા જ હતા પરંતુ તેઓ કવિની સાથે સારા લેખક, વકતા અને સુરીલી કંઠના ગાયક હતા, અને સૌરાષ્ટ્ર યુનિ.માં ગુજરાતી સાહિત્યમાં તેમના પર પી.એચ. ડી. પણ થઈ ચૂકી છે, તેવા સાહિત્ય રત્ન કવિ દાદની ચારણી લઢણ અને ગુજરાતી સાહિત્ય તથા સંસ્કૃતિ માટેના અણમોલ યોગદાનને લઈને એ કવિ દાદને માત્ર જુનાગઢ, ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં આદરભર્યું માન સન્માન મળ્યું હતું. અને ગુજરાત ગૌરવ એવોર્ડ, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, મોરારીબાપુ દ્વારા સાહિત્ય રત્ન અને છેલ્લે 2021 માં ભારત સરકારના સર્વોચ્ચ એવોર્ડ એવા પદ્મશ્રી એવોર્ડ માટે કવિ દાદની પસંદગી થઈ હતી. પરંતુ એવોર્ડ વિતરણ સમારોહ હજુ સુધી થઈ શકેલ નહિ, અને ગઈકાલે કવિ શ્રી દાદ એ ઓચિંતા વિદાય લઈ લેતા, દાદ માટે પદ્મશ્રી એવોર્ડ લેવાનો બાકી રહી ગયો.
કવિ દાદના 80 વર્ષની આયુ દરમિયાન 8 જેટલા કવિતા સંગ્રહો પ્રસિધ્ધ થયા છે આ ઉપરાંત 15 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં તેમના ગીતો પર ફિલ્માંકન થયું હતું, તો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું અને કૈલાશ કે નિવાસી, મોગલ આવો નવરાતામાં કેવા કેવા વેશે, અને લખમણ ઘડીક તો ઊભા રીઓ મારા વીર જેવા તેમના ભજનો આજે પણ તમામ પ્રસિદ્ધ કલાકારો સ્ટેજ ઉપરથી પ્રસ્તુત કરે છે, આ સિવાય કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો એ ફિલ્મ ગીત આજે પણ લગ્ન પ્રસંગોમાં બહેનો દ્વારા વિદાય સમયે ગવાય છે.કવિ દાદ જૂનાગઢની કૃષિ યુનિ. સામે આવેલ રાજમોતી સોસાયટીમાં રહેતા હતા.
સને 80 ના દશકામાં કવિ દાદ પોતાના વતન ઇશ્વરીયા ગીર થી જૂનાગઢ રહેવા માટે આવ્યા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી તેઓ રાજકોટના પડધરી તાલુકાના ધુનાના ગામે રહેતા હતા, અને તબિયત ના તાંદુરસ્ત હતી, અને ગત સાંજે અનેક અમર રચનાઓના રચિયતા અને જૂનાગઢ સહિત સમગ્ર સોરઠનું ઘરેણું અને ગુજરાતી લોક સાહિત્ય, લોકગીતને વિશ્વભરમાં પ્રચલિત અને પ્રસિદ્ધ કરનારા એવા કવિ દાદ એ આજે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધો ત્યારે તેમના ચાહક વર્ગ દ્વારા “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો” ના શબ્દો સાથે અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માં આવી રહી છે.