કેન્દ્ર – રાજ્ય સરકાર વચ્ચે સંકલનના સરતાજ

2013 થી કે.કૈલાશનાથનને એક્સટેન્શન: આ વખતે માત્ર એક વર્ષનો ઉલ્લેખ હોય લોકસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપાય તેવી અટકળો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનની મુખ્ય કડી, ગુજરાતની સામાન્યથી લઇ મસમોટી રાજકીય ગતીવિધીઓથી દિલ્હી દરબારને સતત વાફેક રાખનાર, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના વિશ્ર્વાસુ કે.કૈલાશનાથનની ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ચિફ પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. તેઓને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

લોકસભાની આગામી ચૂંટણીમાં તેઓને ખૂબ જ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે.

1979 બેચના સનધી અધિકારી કે.કૈલાશનાથન વર્ષ-2013માં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ ચૂક્યા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેઓને સતત એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી તેઓને એક્સટેન્શન આપવામાં આવતું હતું અને મુખ્યમંત્રીના ચિફ પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવતી હતી ત્યારે એવો ઉલ્લેખ કરવામાં આવતો હતો કે મુખ્યમંત્રીની સમયાવધિ સુધી પદ પર ચાલુ રહેશે.

કે.કૈલાશનાથન ગત 12 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. દરમિયાન ગઇકાલે તેઓને રાજ્ય સરકાર દ્વારા વધુ એક વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જો કે, આ વખતે સૌથી મોટી વાતએ છે કે, કૈલાશનાથનને મુખ્યમંત્રીની સમયાવધિ સુધી એક્સટેન્શન આપવાના બદલે એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ વાત પરથી એવું પણ ફલીત થાય છે કે 2024માં માર્ચ-એપ્રિલમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં કે.કૈલાશનાથનને કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે.

તેઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનની એક મહત્વપૂર્ણ કડી રહ્યા છે. સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવી તેનું માર્કેટીંગ કરવામાં તેઓ માહિર છે. વહિવટી પકડ સાથે તેઓ રાજનૈતિક ગતિવિધીઓ પર નજર રાખવામાં પણ માહિર છે. ગુજરાતના રાજકારણમાં નાનામાં નાની ઘટનાથી નેતૃત્વ પરિવર્તન સુધીની ઘટનામાં તેઓનો રોલ હમેંશા મહત્વપૂર્ણ રહ્યો છે. કે.કૈલાશનાથન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના ખૂબ જ વિશ્ર્વાસ અને નજીકના માનવામાં આવી રહ્યાં છે. તેઓની એક વર્ષ માટે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અગ્ર સચિવ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.