બચત યોજના અને ફિકસ ડિપોઝિટના નામે અનેક પરિવાર સાથે છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો’તો
બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને દુધની ડેરી પાસે કે.ડી.આર. ક્રિડિટ સોસાયટી ધરાવતા મુસ્લિમ દંપત્તીએ પોતાના સગા-સંબંધી સહિત અનેક વ્યક્તિઓને પોતાની ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરવા લોભામણી લાલચ દઇ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ફરાર થયેલા દંપત્તી નાટયાત્મક રીત થોરાળા પોલીસમાં હાજર થતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.
બજરંગવાડી વિસ્તારમાં રહેતી અને દુધની ડેરી પાસે કે.ડી.આર. ક્રેડિટ કો.ઓ.સોસાયટી ધરાવતી કરિશ્મા અને તેના પતિ અહેમદ બુડીયા સામે ઇમરાનભાઇ હુસેનભાઇ સોરઠીયા સહિતના સભાસદોએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કર્યા બાદ દંપત્તી સામે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થયા અંગેની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કરિશ્મા અને તેના પતિ અહેમદ બુડીયા લાંબા સમયથી દુધની ડેરી પાસે કે.ડી.આર.ક્રેડિટ સોસાયટી ધરાવે છે. પોતાના સગા સંબંધીઓને પોતાની મંડળીમાં રોકાણ કરે તેઓને આકર્ષક વળતર આપવાની લોભામણી લાલચ આપી હતી.
કરિશ્મા અને તેના પતિ અહેમદ બુડીયાએ ડેઇલી બચત અને ફિકસ ડિપોઝીટ સ્કીમના નામે રાજીવનગર, જંગલેશ્ર્વર, નહેરૂનગર, દુધની ડેરી, ઘાચીવાડ, ખત્રીવાડ અને રામનાથપરા વિસ્તારના રોકાણકારો પાસેથી અંદાજે ૪ કરોડ જેટલી રકમ એકઠી કરી તેઓને પાકતી મુદતે પરત ન કરી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. થોરાળા પોલીસે દંપત્તી સામે ગુનો નોંધતા ફરાર થયેલા કરિશ્મા અને તેનો પતિ અહેમદ બુડીયા થોરાળા પોલીસ મથકમાં હાજર થતા બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.