ગુજરાત સંગીત નાટક અકાદમી પ્રેરિત લોકસંગીતના કાર્યક્રમનો કણસાગરા મહિલા કોલેજની ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો: નીલેશ પંડ્યા અને સાથી કલાકારો વરસ્યા: વિદ્યાર્થિનીઓએ પણ લલકર્યાં લોકગીતો,ભજનો…
આપણું યુવાધન સાત્વિક ગુજરાતી લોકસંગીતમાં રસ લેતું થાય એવા સઘન અને સફળ પ્રયાસો જાણીતા લોકગાયક નીલેશ પંડ્યા દ્વારા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર પ્રેરિત આવો જ એક કાર્યક્રમ લોકસાગરનાં મોતી રાજકોટની સુપ્રસિદ્ધ શ્રીમતી કે.એસ.એન.કણસાગરા મહિલા કોલેજમાં યોજાઈ ગયો,જેનો ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ.ડો.રાજેશ કાલરિયાએ ભૂમિકા બાંધતાં કહ્યું કે આજના યુગમાં પરંપરાગત લોકસંગીતમાં રુચિ વધે એવા પ્રયાસો જરૂરી છે.નીલેશ પંડ્યા આ માટે વર્ષોથી સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે તેનાં પરિણામો હવે જોવા મળી રહ્યાં છે. પ્રો.યશવંત ગોસ્વામી,પ્રો.સંજય કામદાર અને પ્રો.પ્રેરણા બૂચે સ્વાગત,કલાકાર પરિચય વગેરે જવાબદારી નિભાવી હતી.આ તકે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ ઉપસ્થિતિ દાખવી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપ્યું હતું તો સંગીત નાટક અકાદમીના ચેરમેન અને સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજ ભટ્ટે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
નીલેશ પંડ્યાએ કહ્યું કે અમે અત્યાર સુધીમાં ગુજરાતની અડધો ડઝન યુનિવર્સિટીઓ અને સંલગ્ન ૧૦૦થી વધુ કોલેજોના દોઢેક લાખ યુવા ભાઈ-બહેનો સમક્ષ આપણું સંસ્કારપૂર્ણ લોકસંગીત પ્રસ્તુત કરી ચુક્યા છીએ.નીલેશ પંડ્યા અને મિત્તલબેન પટેલે લોકગીતો,દુહા-છંદ,લગ્નગીતો અને મેઘાણી ગીતો દ્વારા શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધો હતો.
લોકગાયક શાંતિલાલ રાણીંગાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે વિગતે વાતો કરી વિવિધ પ્રસંગો વર્ણવ્યા હતા જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.કાર્યક્રમમાં મગન વાળા,ડો.હરેશ વ્યાસ,રવિ યાદવ,હેમાંગ ધામેચા અને જયરામ બાપુએ વાદ્યસંગત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન કોલેજની ૭ વિદ્યાર્થીનીઓએ પણ લોકગીતો, ભજન રજૂ કરી નવી પેઢી આપણા લોકસંગીતમાં રસ લેતી થઈ છે એ સાબિત કરી દીધું હતું.