બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે દત્તક લેવા મુદ્દે સીમાચિહ્ન ચુકાદો આપ્યો છે કે, દત્તક લીધેલ અનાથ, ત્યજી દેવાયેલા અને આત્મસમર્પણ કરેલા બાળકો કાયદાના સંઘર્ષમાં હોય અથવા સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા હોય તો તેને દત્તક લેવામાં જુવેનાઈલ એકટ અવરોધ બની શકે નહીં.
પુખ્ત ઉમરનો થતાં જ ‘અનાથ’ નાથ બની જાય!!
જુવેનાઈલ જસ્ટિસ એકટ ક્યાં લાગુ પડે અને ક્યાં નહીં તેને ધ્યાને લેવું અતિજરૂરી: કોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે, જ્યાં સુધી બાળક પુખ્ત ન થાય ત્યાં સુધી જ તેનો સમાવેશ જુવેલાઈન એકટમાં કરી શકાય છે. એકવાર પુખ્ત થયા બાદ તો બાળક પોતે જ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. જુવેનાઈલ જસ્ટિસ એકટના વિસ્તરણ બાદ અનેક નવી જોગવાઈઓ અમલી બની છે. જેમાં બાળકની સ્થિતિને ધ્યાને રાખીને દત્તક પ્રક્રિયા અંગે નિર્ણય લઈ શકાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
અંશત એક બાળકીના બાયોલોજીકલ અને દત્તક લેનારા માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીને મંજૂરી આપતી વખતે ન્યાયમૂર્તિ મનીષ પિતલે યવતમાલ જિલ્લા અદાલત દ્વારા દત્તક લેવાની અરજીને નકારી કાઢવાના આદેશને નાગપુર બેંચે રદ્દ કર્યો હતો. જિલ્લા અદાલતે જણાવ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ની જોગવાઈઓ આ કિસ્સામાં લાગુ થઈ શકે નહીં કેમ કે, બાળકને ત્યજી દેવામાં આવ્યું ન હતું, અનાથ અથવા શરણાગતિ આપવામાં ન હતી, કાયદાના સંઘર્ષમાં ન હતો અને સંભાળ અને સંરક્ષણની આવશ્યકતા હતી.
જુવેનાઈલ જસ્ટિસ એક્ટ સૂચવે છે કે, સંબંધીઓ દ્વારા બાળકને દત્તક લેવા માટે એક વિસ્તૃત પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે. જેને આ કાયદા હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો દત્તક લેવાનો નિર્ણય ફક્ત કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને અથવા સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો માટે જ લાગુ કરવામાં આવતો હોય તો સંબંધીઓ અથવા સાવકી માતા-પિતા દ્વારા દત્તક લેવાની પ્રક્રિયાને સંચાલિત કરવાની આ પ્રકારની વિસ્તૃત જોગવાઈઓ પૂરી પાડવામાં આવી ન હોત તેવું જણાવ્યું હતું.
કાયદાની નવી જોગવાઈઓને ધ્યાનમાં લેતા જસ્ટિસ પીતાલે યવતમાલના ન્યાયાધીશને ફરી એક વખત અરજીની સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
માતા-પિતા તરફે સલાહકાર ઇરા ખ્રિસ્તી દ્વારા ન્યાયતંત્રના દરવાજા ખખડાવ્યા પછી હાઇકોર્ટે તેની સહાય માટે ફિરદોસ મિર્ઝાની એમિકસ ક્યુરિ તરીકે નિમણૂક કરી હતી. બાદમાં જણાવાયું હતું કે, જો જેજે એક્ટ, ૨૦૧૫ ની તુલના અગાઉના કાયદા, જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, સાથે કરવામાં આવે તો તે સ્પષ્ટ થાય છે કે, કાયદામાં વિવિધ નવી જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે, જેનાથી આ ક્ષેત્રનો વ્યાપ વધે છે.
જુવેનાઈલ જસ્ટિસ એકટના વિસ્તરણમાં અનેક નવી જોગવાઈઓ
જેજે એક્ટ,૨૦૧૫ના અધ્યાય-૧ માં નિર્દેશ કરતા, તેમણે દલીલ કરી હતી કે, અગાઉના કાયદામાં આવો કોઈ અધ્યાય અસ્તિત્વમાં નથી અને આ એક મહત્વપૂર્ણ પ્રસ્થાન છે. તેમણે તેવું પણ કહ્યું હતું કે, કલમ ૨ (૩) દત્તક નિયમોને વ્યાખ્યાયિત કરે છે, ૨ (૧૨) બાળકની વ્યાખ્યા આપે છે, ૨ (૫૨) સંબંધીની વ્યાખ્યા આપે છે અને ૨ (૫૭) સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સીની વ્યાખ્યા આપે છે.
બાળક પુખ્ત થયા બાદ સ્વતંત્ર નિર્ણય લેવા હકદાર: કોર્ટ
કોર્ટે નોંધ્યું હતું કે, જુવેલાઈન એકટમાં બાળકનો સમાવેશ ત્યાં સુધી જ થાય છે જ્યાં સુધી બાળક પુખ્ત ન થાય. એકવાર પુખ્ત થયા બાદ તો બાળક ખુદ જ તમામ નિર્ણયો લેવા હકદાર થઈ જાય છે. ત્યારબાદ બાળકે કોની સાથે રહેવું તેનો નિર્ણય પણ તે ખુદ જ લઇ શકે છે જેમાં જુવેનાઈલ એકટ અવરોધ ઉભો કરી શકે નહીં. કોર્ટે નોંધ્યું હતું કે, જુવેલાઈન એકટમાં સુધારા બાદ અનેક નવી જોગવાઈ કરવામાં આવી છે જેને ધ્યાને લેવી જરૂરી છે.