હાઇકોર્ટ ખાતે વર્ચ્યુલી હાજર રહી ન્યાયાધીશો – વકીલો શ્રદ્ધાંજલી પાઠવશે
ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જી આર ઉધવાણીનું શનિવારે કોરોના સંક્રમણને પગલે નિધન થતા રાજ્યની તમામ અદાલતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે જસ્ટિસ ઉધવાણીને આજે હાઇકોર્ટથી માંડી રાજ્યની તમામ અદાલતો બંધ રાખીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યું છે.
રવિવારે હાઇકોર્ટે એક પરિપત્ર જાહેર કરીને સતાવાર રીતે કહ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી આર ઉધવાણીના નિધનને પગલે સોમવારે હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ અદાલતો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જસ્ટિસ ઉધવાણી હાઇકોર્ટના સીટીંગ જજ તરીકેની ફરજ બજાવતા હતા. ૫૯ વર્ષની ઉંમરે ૧૯ નવેમ્બરે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આશરે ૧૬ દિવસની સારવાર બાદ જસ્ટિસ ઉધવાણીએ શનિવારે વહેલી સવારે તેમના અંતિમ શ્વાસ લીધા હતા. તેમને સોમવારે હાઇકોર્ટ ખાતે વર્ચ્યુલી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યું હતું.
જસ્ટિસ ઉધવાણીએ તેમની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીની શરૂઆત અમદાવાદ ખાતે ૧૨ નવેમ્બર ૨૦૧૨ ના રોજથી એડિશનલ જજ તરીકે કરી હતી. જે બાદ ૧૦ જુલાઈ ૨૦૧૪માં તેમને હાઇકોર્ટના કાયમી જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતાં. તે અગાઉ તેમણે ૨૦ જૂન ૨૦૧૧ થી ૧૧ નવેમ્બર ૨૦૧૨ સુધી તેમણે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે ૩ દાયકાની કારકિર્દીમાં અમદાવાદના સીટી સિવિલ જજ તેમજ હાઇકોર્ટના પ્રિવેંશન ઓફ ટેરીરિઝમ એક્ટના એડિશનલ જજ તરીકે પણ ફરજ બજાવી હતી.