કર્ણાટકના લોકાયુક્ત જસ્ટિસ પી. વિશ્વનાથ શેટ્ટી પર બુધવારે એક શખ્સે ઓફિસમાં જ ચાકુથી હુમલો કર્યો હતો. જસ્ટિસ શેટ્ટીને માલ્યા હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોર એની ફરિયાદ અંગે લોકાયુક્તની ઓફિસે આવ્યો હતો, ત્યારે એણે જસ્ટિસ શેટ્ટી પર ત્રણ વાર ચાકુના ઘા કર્યા હતા. બેંગલુરૂ પોલીસે આરોપી તેજસ શર્માની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે. જસ્ટિસ શેટ્ટી ગયા વરસે જાન્યુઆરી મહિનામાં જ લોકાયુક્ત પદે નિયુક્ત થયા હતા.
એવું કહેવાય છે કે આરોપીએ લોકાયુક્ત ઓફિસના રજિસ્ટરમાં વકીલ તરીકે એન્ટ્રી કર્યા બાદ અંદર ગયો હતો. ત્યાં જસ્ટિસ શેટ્ટીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. જજને ત્રણ વાર ચાકુ મારતાં તેઓ જમીન પર ઢળી પડયા. જસ્ટિસ પર હુમલો થતાં ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી.
ગયા વરસે લોકાયુક્ત બન્યા હતા જસ્ટિસ શેટ્ટી
જાન્યુઆરી ૨૦૧૭માં જસ્ટિસ શેટ્ટીએ કર્ણાટકના લોકાયુક્તનો પદભાર સંભાળ્યો હતો. તેમના અગાઉ જસ્ટિસ વાય. ભાસ્કર રાવ લોકાયુક્ત હતા, પરંતુ ડિસેમ્બર ૨૦૧૫માં રાવના દીકરા પર ગોટાળાનો આક્ષેપ થયા બાદ તેમણે સરકાર અને લોકોના દબાણને કારણે રાજીનામું આપવું પડયું.