વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં નાગરિકોના મૂળભૂત અધિકારો સવિશેષ ધ્યાન રાખવામાં આવે છે. માનવ અધિકારોમાં દરેકને ન્યાય મેળવવાનો અધિકાર શિરમોર રાખવામાં આવ્યો છે. ન્યાયમાં દેર છે પણ અંધેર નથી. અદાલતમાં પહોંચેલી કોઇપણ સમસ્યાનો ન્યાય પૂર્વક ઉકેલ આવે જ છે. તેવું આત્મવિશ્ર્વાસ દેશના તમામ નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે. તે જ આપણાં દેશના લોકતંત્રની સાચી શક્તિ ગણવામાં આવે છે. ન્યાયતંત્ર ક્યારેય સત્તા કે નાણાંને આધીન રહ્યું જ નથી.
દેશની કાનૂની વ્યવસ્થામાં નીચેથી લઇને ઉપર સુધીની વ્યવસ્થામાં સાંગોપાંગ ઉતરવા માટે કોઇપણ પ્રકારની વગ કે નાણાંની જરાય પણ જરૂર પડતી નથી. ગરીબીને કારણે કોઇ કેસ ન લડી શકે એવું ક્યારેય ન થાય તેવી ન્યાયતંત્રની પ્રાથમિકતા રહે છે. એ વાત અલગ છે કે ન્યાય મેળવવા માટે ધીરજ અને વિશ્ર્વાસની મૂડી આવશ્યક છે. કોઇપણને કોઇપણ અન્યાય સામે ન્યાય મેળવવાનો પૂરો અધિકાર છે. ન્યાયતંત્રની સાથે પૂરક માળખું અને સંલગ્ન સત્તામંડળ ન્યાય વાચ્છુઓને તમામ રીતે મદદરૂપ થાય છે.
કોઇપણ વ્યક્તિને મફ્ત કાનૂની સહાય મળી જાય તેવી વ્યવસ્થા આપણી ન્યાય પ્રણાલીની આદર્શ કાનૂની વ્યવસ્થા છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા રાજ્ય કાનૂની સત્તામંડળ અને ભારતના ન્યાયતંત્રમાં સુદ્રઢ વ્યવસ્થાનું એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે કે કોઇપણ નાગરિક પછી તે આરોપી જ કેમ ન હોય? તેને આર્થિક અસમર્થતતાના કારણે જરાપણ ન્યાયથી વંચિત રહેવું ન પડે તે માટે વકિલથી લઇ કાનૂની ખર્ચસુદ્વા મેળવવાનો અધિકાર છે.
આપણા દેશનું સંવિધાન અને ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વાવલંબી અને લોકાભિમુખ અભિગમથી ચાલતું એક સ્વાયત અને સંપૂર્ણપણે સમર્થ તંત્ર છે. પ્રતિકાત્મક રીતે ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું અને આંખે પાટા બાંધેલા દર્શાવે છે. આ એ વાતનું જ પ્રતિક છે કે ન્યાયની દેવીની આંખે ક્યાંય ભેદભાવ નથી. કોઇપણ વ્યક્તિ વગ કે નાંણાના અભાવે ન્યાય પ્રક્રિયામાં અટકે નહીં તેવી વ્યવસ્થા જ ભારતના ન્યાયતંત્રને વિશ્વનું શ્રેષ્ઠ ન્યાયતંત્રનું ગરીમા અપાવે છે. દેશમાં ક્યારેય કાનૂની સજાગતા અને કાનૂની જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવે છે.
સરકાર દ્વારા દેશભરમાં વિનામૂલ્યે કાનૂની જાગૃતિ ચલાવીને ગરીબીના કારણે કોઇ વ્યક્તિ કેસ લડી ના શકે તેવું ક્યાં ન બને તેવો સિદ્વાંત સાર્થક કરવા માટે સમગ્ર દેશમાં સામાજીક જાગૃતિના અભિયાનમાં મોટા શહેરોથી લઇ નાના ગામડાંઓ સુધી દરેક વ્યક્તિ પોતાના કાનૂની અધિકાર અને મફ્ત ન્યાય માટેની જાગૃતિ કેળવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ભારતમાં ન્યાય ક્યારેય નાણાં અને આધિન થયું નથી એ જ આપણી લોકતાંત્રીક શક્તિ બની રહી છે.