દેશભરની કોર્ટોમાં કેસોનાં પડેલા ભરાવાને ઓછો કરીને ઝડપી ન્યાય આપવા માટે સ્પર્ધા ઉભી કરવા ‘જસ્ટીસ કલોક’ લગાવવાના વડાપ્રધાન મોદીનું સુચન હવે ચારિતાર્થ થશે
લોકશાહીમાં ત્રીજા સ્તંભ મનાતા ન્યાયતંત્ર પર પણ સમયાંતરે ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે. જેથી ન્યાય પ્રણાલીકાને પારદર્શક બનાવવા તથા જજોની કાર્યક્ષમતા અંગે લોકોને માહિતી મળતી રહે તે માટે મોદી સરકારે કમર કસી છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ૧૫મા નાણાપંચ હેઠળ આગામી વર્ષ ૨૦૨૦-૨૫ વચ્ચે દેશભરની ૩,૩૫૦ કોર્ટોમાં ૪૩૬ કરોડ રૂા.ના ખર્ચે જસ્ટીસ કલોક મુકવા માટે યોજના બનાવી છે. જસ્ટીસ કલોકએ એક ઈલેકટ્રોનીકસ એલઈડી ડીસ્પ્લે મેસેજ બોર્ડ છે. જેમાં હાઈકોર્ટ જિલ્લા અને નીચલી અદાલતોના તમામ જજોના રેન્કીંગ દર્શાવાશે આ રેન્કીંગ જજોએ કરેલા કેસોના નિકાલ અંગેની કામગીરીના આધારે અપાશે.
કાયદા મંત્રાલયે જસ્ટીસ કલોકને સ્થાપિત કરવા દેશની તમામ હાઈકોર્ટોને વિનંતી કરી છે. આ પ્રથમ જસ્ટીસ કલોક કાયદા મંત્રાલયના ન્યાય વિભાગ જયાં આવેલું છે. તે દિલ્હીના જેસલમેર હાઉસમાં મૂકવામાં આવી છે. જેમાં અદાલતોના રેન્કીંગ ઉપરાંત અદાલતોમાં પેન્ડીંગ કેસો અને દૈનિક કેસોના નિકાલ દર સહિતની વિગતો દર્શાવવામાં આવે છે. જસ્ટીસ કલોકએ કેસના નિકાલ, નિવારણ અને ન્યાયક્ષેત્રમાં પ્રગતિ વિશે જાહેર જનતામાં જાગૃતતા લાવવા માટે નિર્માણ કરવામાં આવી છે. દિલ્હીનાં ન્યાય વિભાગમાં ઈલેકટ્રોનીકસ ડીસ્પ્લે બોર્ડ પર સ્થાપિત જસ્ટીસ કલોકમાં નાગરીક કેન્દ્રીત સેવાઓ જેમકે ચાલુ યોજના, ઈ કોર્ટસ, ટોચની જિલ્લા અને નીચલી અદાલતો સંબંધીત યોજના અને માહિતી મૂકવામાં આવે છે.
જસ્ટીસ કલોકમાં કેસોના નિકાલ દરની ટકાવારી ૦ થી ૨ વર્ષમાં, ૨ થી ૫ વર્ષમાં ૧૦ વર્ષથી ઉપરના પેન્ડીંગ કેસો અંગેની વિગતો મૂકવામાં આવે છે. જસ્ટીસ કલોકનો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવ્યો હતો. મોદીએ દેશભરની કોર્ટો અને નીચલી કોર્ટોના પ્રદર્શનને ક્રમ આપવા માટે ઈલેકટ્રોનિકસ સિસ્ટમનો ઉપયોગ કરીને કોર્ટોમાં ઉચ્ચ ક્રમાંક માટે સ્પર્ધા ઉભી કરવા સુચન કર્યું હતુ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮માં યોજાયેલી સુપ્રીમ કોર્ટની ઈ કમિટીની બેઠકમાં દેશભરની તમામ હાઈકોર્ટોમાં જસ્ટીસ કલોક મુકવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.
નકટાને નાક ન હોય!!
‘વિલફુલ ડીફોલ્ટર’ નરેશ ગોયલે દુબઇ જઇ પૈસા ‘ઉસેડવા’ પરવાનગી માંગી!: હાઇકોર્ટે રૂા. ૧૮ હજાર કરોડની બેન્ક ગેરેન્ટી માંગી!!
જેટ એરવેઝના સપક અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઈકોર્ટથી પણ મંજૂરી મળી શકી નથી. લુકઆઉટ સર્ક્યુલર વિરુદ્ધ ગોયલની અરજી પર મંગળવારે સુનાવણી કરતા જસ્ટિસ સુરેશ કૈતે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં વચગાળાની રાહત આપી શકાય નહીં. ગોયલ જો વિદેશ જવા માગતા હોય તો તેમણે ૧૮ હજાર કરોડની ગેરંટી આપવી પડશે. નોંધનીય છે કે, એક સમયે સૌથી મોટી ખાનગી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ગોયલની અરજી પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. વધુ સુનાવણી હવે ૨૩ ઓગસ્ટે થશે. ગોયલે લુકઆઉટ સર્ક્યુલર રદ કરવાની અપીલ કરી હતી.
નરેશ ગોયલ અને પત્ની અનીતાને ૨૫ મે ના રોજ મુંબઈ એરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે જેટ એરવેઝની નાણાકિય અનિયમીતતાઓના કારણે નરેશ ગોયલની શંકાસ્પદ ભૂમિકા વિશે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. ગયા મહિને ન્યૂઝ એજન્સીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જેટ એરવેઝની લોનની રકમ અન્ય ફર્મમાં ડાઈવર્ટ કરવાના મામલે એસએફઆઈઓ તપાસ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આરોપોની તપાસ થઈ રહી છે ત્યાં સુધી ગોયલ દેશમાં જ રહે. નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજ્ય માલ્યા જેવા ભાગેડુ લોકોના કેસમાં નિંદાનો સામનો કરી રહેલી સરકાર અને ઈન્ટેલિજન્સ એજન્સી હવે અન્ય આરોપીઓ વિશે સતર્ક રહેવા માંગે છે.