ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દિપક મીશ્રા વિરુદ્ધ બળવો કરીને પ્રેસ કોન્ફરન્સ કરનાર ચાર જજમાં સામેલ સુપ્રીમ કોર્ટના અગ્રણી જસ્ટિસ ચેલમેશ્વર આજે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. ચેલમેશ્વર સુપ્રીમ કોર્ટમાં અંદાજે સાત વર્ષથી કાર્યરત હતા.ચેલમેશ્વરના નિવૃત્ત થયા પછી સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે.
નિવૃત્ત થતાં જ જસ્ટિસ ચેલમેશ્વર કોલેજિયમમાંથી બહાર થશે અને તેમની જગ્યાએ જસ્ટિસ એ કે સિકરી સામેલ થશે. નોંધનીય છે કે, જસ્ટિસ સિકરીની આગેવાનીવાળી બેન્ચે તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યમાં ઉભી થયેલી સરકારી ઉથલપાથલ દરમિયાન 24 કલાકમાં જ ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો.
તેમના સિવાય કોલેજિયમમાં ચીફ જસ્ટિસ દિપક મીશ્રા, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ છે. માનાવમાં આવે છે કે, જસ્ટિસ એકે સિકરી ચીફ જસ્ટિસ દિપક મીશ્રાના ખૂબ વિશ્વાસુ છે. આ સંજોગોમાં કોલેજિયમમાં તેમનો સાથ મજબૂત થઈ શકે છે.