કેન્દ્ર સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત બિલ લાવવાની તૈયારી કરી રહી છે. લોકસભામાં એકલા ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી છે. લોકસભામાં નંબર ગેમ ભાજપની તરફેણમાં છે અને નીચલા ગૃહમાં બિલ પસાર થવામાં કોઈ અડચણ નથી, પરંતુ રાજ્યસભામાં શુ થશે તેના ઉપર સૌની નજર છે. જો કે ભાજપ માટે ખાલી આ કાયદો લાવવાનો પ્રયાસ પણ ફાયદારૂપ નિવડવાનો છે.
લોકસભામાં એકલા ભાજપના 300થી વધુ સાંસદો છે. જો એનડીએના ઘટક પક્ષોને પણ સામેલ કરવામાં આવે તો આંકડો 350 સીટોની આસપાસ પહોંચે છે. લોકસભામાં બિલ પાસ કરાવવામાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે. લોકસભામાં આંકડાની રમત સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં છે, પરંતુ રાજ્યસભામાં ચિત્ર અલગ છે.
રાજ્યસભાની સંખ્યાની રમતની વાત કરીએ તો, હાલમાં ઉપલા ગૃહમાં આઠ બેઠકો ખાલી છે અને કુલ સભ્યોની સંખ્યા 237 છે. આવી સ્થિતિમાં, વર્તમાન સંખ્યાબળના આધારે બિલને રાજ્યસભામાં પાસ કરાવવા માટે 119 સભ્યોના સમર્થનની જરૂર પડશે. બીજેપી સાંસદ હરદ્વાર દુબેનું તાજેતરમાં નિધન થયું છે, ત્યારબાદ રાજ્યસભામાં પાર્ટીના 91 સાંસદો બાકી છે. જો ભાજપના સહયોગી પક્ષોની બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવે તો સંખ્યાબળ 108 પર પહોંચે છે.
આવી સ્થિતિમાં ભાજપને ઉપલા ગૃહમાંથી બિલ પાસ કરાવવા માટે વધુ 11 સાંસદોના સમર્થનની જરૂર પડશે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદો છે અને પાર્ટીએ પણ યુસીસીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શિવસેના યુબિટી પણ યુસીસીના મુદ્દે સરકારના સમર્થનમાં છે. જો શિવસેના યુબીટી અને આમ આદમી પાર્ટી બંને યુસીસીની તરફેણમાં વોટ કરશે તો ભાજપનો રસ્તો સરળ થઈ જશે.
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ માહિતી આપી છે. પ્રહલાદ જોશીએ ટ્વિટ કરીને તમામ પક્ષોને ચોમાસુ સત્ર દરમિયાન ઉત્પાદક ચર્ચા અને કાયદાકીય કાર્યને સમર્થન આપવા અપીલ કરી હતી. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. સંસદનું ચોમાસુ સત્ર સંસદભવનના નવા બિલ્ડીંગમાં યોજાઈ શકે છે. જો કે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 23 દિવસ ચાલશે અને આ દરમિયાન 17 બેઠકો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાયદા પંચ પણ આ અંગે અભિપ્રાય લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. ચોમાસુ સત્ર દરમિયાન દિલ્હી માટે લાવવામાં આવેલા કેન્દ્ર સરકારના સંશોધન બિલ પર પણ ચર્ચા થઈ શકે છે. જણાવી દઈએ કે આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લાવવામાં આવ્યું છે, જેમાં કોર્ટે દિલ્હીમાં વહીવટ માટે દિલ્હી સરકારને અધિકૃત કરી છે. આમ આદમી પાર્ટી આ મુદ્દે ખૂબ જ અવાજ ઉઠાવે છે અને વિવિધ પક્ષોના સમર્થનને એકત્ર કરીને કેન્દ્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ભારે હોબાળો જોવા મળી શકે છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે વિપક્ષી પાર્ટીઓ પણ કેન્દ્ર સરકારને ઘેરી શકે છે.