“ઈતિહાસ મુજબ કચ્છ મહારાવના વફાદાર સેનાપતિ ફતેમામદ ન હોત તો કચ્છ તે સમયે જ પાકિસ્તાન જેવું બની ગયું હોત અથવા કાશ્મીર જેવી હાલત તો થઈ હોત!”
હાં મૈને ભી કચ્છ દેખા !
કચ્છ એક દુર્લભ વિરાસત !
પીઆઈ જયદેવે જે રીતે કચ્છને માણ્યું અને અનુભવ્યું તેના પરથી તે એવા નિષ્કર્ષ ઉપર આવેલો કે કચ્છ એ ભૂતકાળમાં ખૂબ જાજરમાન વીરાસત હતી જે ગુલામીના કાળમાં કાંતો ભુલવાડવામાં આવેલી કાંતો ભૂલાયેલી હતી તે જે હોય તે પરંતુ ગુજરાત પ્રવાસન વિભાગનું સુત્ર ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ એ ખરેખર સત્ય હકિકત છે. કચ્છ એક અલગ જ દૂનિયા છે માયાળુ લોકો ઉપરાંત દેશ અને વિશ્ર્વની પણ ખૂબ જૂની વિરાસત તો છે જ, પરંતુ તે ઉપરાંત ખુમારી, શ્રધ્ધા, સંસ્કારીતાનો ભવ્ય ભૂતકાળ પણ છે. કચ્છને ખરેખર માણવા માટે પ્રથમ કચ્છના બે પુસ્તકો ‘સિંધૂતારા વહેતા પાણી’ દેવશંકર મહેતા અને ‘કચ્છ કલાધર’ દુલેરાય કારાણીને વાંચ્યા બાદ જો કચ્છને જોવામાં માણવામાં આવે તો એ હોથલ પદમણી-ઓઢોજામ, નાગવાળો-નાગમતી, સુંહિણી -મેહારની પ્રેમ કથાઓ, સંત મેકરણ, જેસલ તોરલ, મામૈદેવ, મોડપીર, કંથડનાથ અને ગોરખનાથ જેવા તપસ્વીઓ ભકતો અને અવિસ્મરણીય સંતોની વાતો તેમજ જામલાખીયાવીર જામફુલાણી તેમજ સેનાપતીઓ વીંઝાણના લાખાભા જાડેજા અને સેનાપતી ફતેમામદની સંસ્કૃતિ તથા દેશ માટેની શહાદતની શૌર્યતાસભર યુધ્ધ કથાઓ કચ્છમાં વિવિધ જગ્યાઓ જોતા જ નજર સામે ઘૂમવા લાગે છે. તે સમયની આર્થિક સંપન્નતા અંગે લખપતનો કિલ્લો, રોહાનોગઢ, ભૂજનો આયના મહેલ, માંડવીનો વિજય વિલાસ પેલેસ અને હડપ્પન સંસ્કૃતિનું ધોળાવિરા ખાતે મળી આવેલું નગર તેમજ હાલમાં મુંબઈ, આફ્રિકા અને વિદેશમાં તે સમયથી વેપાર ધંધાર્થે વસેલા કચ્છીઓ ઉપરથી અનુમાન કરી શકાય છે. કે કેવા સમૃધ્ધ અને સાહસિક અહિંના લોકો હશે!
આથી જ કોઈ કવિએ લખ્યું છે કે શિયાળે સોરઠભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડભલો અને કચ્છડો બારે માસ.
કચ્છ અને સૌરાષ્ટ્રની ભૌગોલિક સામ્યતા
કચ્છને ઐતિહાસિક અને ભૌગોલિક રીતે પાંચ વિભાગમાં જૂના સમયથી જ વહેચવામાં આવેલું છે. પ્રથમ અબડાસા બીજુ બન્ની, ત્રીજુ પાવર પટ્ટી, ચોથુ કંઠી અને છેલુ વાગડ એ રીતે કચ્છના જુદા જુદા ભાગો ઓળખાય છે.
કચ્છ દેશનો સૌથી મોટુ ક્ષેત્રફળ ધરાવતો જીલ્લો તો છે જ પરંતુ જયદેવના અનુભવ અને મંતવ્ય પ્રમાણે કચ્છ એ અસ્સલ સૌરાષ્ટ્રની લઘુ આવૃત્તિ સમાન પણ છે. જેમકે સૌરાષ્ટ્રની ઉત્તર પશ્ર્ચિમે વિશાળ દરિયો અને ઓખા મંડળ વિસ્તાર છે. તેમ કચ્છમાં પણ પશ્ર્ચિમે અબડાસા વિસ્તાર દરિયા કાંઠે આવેલો છે. ઓખા મંડળમાં છેક ઉતરે દ્વારકા અને બેટ દ્વારકા આવેલા છે તો અબડાસામાં તેજ પ્રમાણે નારાયણ સરોવર અને કોટેશ્ર્વરના તિર્થ સ્થાનો આવેલા છે.
સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ર્ચિમ વિસ્તાર સમુદ્ર કાંઠે આવેલો માંગરોળ, વેરાવળ, કોડીનાર અને મહુવાનો લીલાનાઘેર તરીકે ઓળખાતો વિસ્તાર છે તો કચ્છમાં દક્ષિણ પશ્ર્ચિમ દિશાએ આવેલો કંઠી પ્રદેશ, માંડવી મુંદ્રા અને અંજાર દરિયા કાંઠે આવેલો બગીચાઓથી ભરપૂર લીલોછમ વિસ્તાર છે.
સૌરાષ્ટ્રની પૂર્વે પછાત પાંચાલ પ્રદેશ અને કચ્છનું નાનુ રણ (સુરેન્દ્રનગર જીલ્લો) મોળી જમીન વાળો છે તો કચ્છની પૂર્વે દિશાએ વાગડ પ્રમાણમાં ઓછો વરસાદ અને રણકાંઠે આવેલો પછાત વિસ્તાર છે.
સૌરાષ્ટ્રનો ઉત્તર વિભાગ એટલે કે હળવદના ટીકર માળીયામીયાણા અને પાટડી બજાણા દસાડાના ઉતર વિસ્તારો કચ્છના નાના રણના કાંઠે આવેલા છે. જયારે કચ્છનો ઉતર ભાગ બન્ની વિસ્તાર ખાવડા ધોરડો વિગેરે પણ કચ્છના મોટા રણના કાંઠે આવેલા છે. અને બંને પછાત છે.
સૌરાષ્ટ્રનો મધ્ય વિભાગ જે હાલાર તરીકે ઓળખાય છે. જેમાં રાજકોટ અને જામનગરનો અમુક ભાગ આવે છે જેમાં સૌરાષ્ટ્રનું મુખ્ય મથક રાજકોટ આવેલું છે તો કચ્છનો મધ્ય ભાગ પાવર પટ્ટી તરીકે ઓળખાય છે. અને તેમાં મધ્યમાં જ ભૂજ સીટી આવેલું છે.
ઐતિહાસિક ભૂજ શહેર
જયદેવે સૌ પ્રથમ ભૂજ શહેરમાં આવેલ સ્થળો ભૂજ શહેર અને સ્થાપત્યો જોવાનું નકકી કર્યું વિધાનસભા ચૂંટણી પૂરી થતા જ જાણકાર ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત શરૂ કરી હવે નીરાંત નો સમય હોય જયારે અનુકુળતા હોય ત્યારે જીપ લઈને નીકળી જવાનું સૌ પ્રથમ ભૂજમાં આવેલા માતા આશાપૂરાના જુના મંદિરમાં દર્શન કર્યા વળતા રસ્તામાં જ આવેલા ભૂતકાળનાં કચ્છના મહારાવની સેનાના સેનાપતી ફતેમામદના ખોરડા જોયા તેની કલાત્મક કબરો જોઈ ઈતિહાસ એવું કહે છે કે જો કચ્છના મહારાવના આ ફ્તેમામદ વફાદાર સેનાપતી ન હોત તો કચ્છ તે જ સમયે ધર્મ પરિવર્તન કરી કાંતો પાકિસ્તાન જેવું બની ગયું હોત અથવા કાશ્મિર જેવું તો હોત જ ! પણ જનતાને વફાદાર સેના પતિ ફતેમામદે તે સમયનાં મહારાવને ધર્મ પરિવર્તન કરતા અટકાવેલા ! બાકી હાલનો ઈતિહાસ છે ! ભૂજ શહેરનું નામ જેના પરથી પડયું છે તે ભૂજીયો ડુંગર કે જેના ઉપર ભૂજંગ દેવ (નાગદેવતા)નું મંદિર છે જે હમણા સુધી ભારતીય સેનાના તાબામાં હતો તે પૂરાણો કિલો જોયો ભૂજની મધ્યમાં આવેલુ જુના સમયનું મહારાવનું નિવાસ સ્થાન પણ હાલમાં સ્મારક સંગ્રહાલય એવો આયના મહેલ જોયો હમિર સર તળાવને ફરતા આવેલા મંદિરો જોયા અને તળાવની પશ્ર્ચિમે આવેલી ઐતિહાસીક ધૂમટીઓ કે જે સામાન્ય રીતે રાજસ્થાનમાં જોવા મળે છે. આ ધૂમટીઓ ને બહુ જાણીતી હિન્દી ફિલ્મ ‘લગાન’ મા કલાત્મક રીતે દર્શાવવામા આવેલી છે. તે પછી ભૂજ શહેરની ફરતે પરંતુ શહેર બહાર આવેલા સ્થળો જેવા કે ઉતરે આવેલી રૂદ્રાણી જાગીર કે રૂદ્રમાતાનું મંદિર જોયું ખરેખર તો આ સ્થળ વિશાળ તળાવનાં કાંઠે લીલી વનરાઈ વચ્ચે આવેલું અનેક મંદિરોનું સંકુલ અને શાંત તથા સુંદર પ્રાકૃતિક ફરવાના સ્થળ જેવું છે. તે અને ભૂજનો જૂનો શાનદાર શરદ બાગ અને આધૂનિક હીલ ગાર્ડન જોયા.
ભૂજ શહેરમાંથી લગભગ તમામ જગ્યાએથી ઉતરપૂર્વે એક પહાડ ઉપરનું કલાત્મક મંદિર અને તેના ઉપર ચઢવાના પગથીયા દેખાય છે તે જગ્યા એટલે સુરલભીટ્ટ જોઈ. અહિ પહાડ ઉપર પૌરાણીક શિવાલય આવેલું છે. શહેરની દક્ષિણે હરિપર રોડ ઉપર આવેલું પુરાણુ ટપકેશ્ર્વરી માતાનું પહાડી વિસ્તારમાં આવેલુ મંદિર સંકુલ જોયું અને છેલ્લે રાજયમાં બહુચર્ચિત પણ વિનાશક ધરતીકંપમાં નાશ પામેલ જેલ કે જે હવે નવી ખાસ જેલ પાલારા ખાતે બનાવવામાં આવી છે. તેની પણ મુલાકાત લીધી.
ગૂરૂકૃપા અને જ્ઞાન લાભ
હવે ભૂજ શહેર સિવાયનો કચ્છનો બાકીનો વિસ્તાર જોવાનો હતો કચ્છનો વિશાળ વિસ્તાર ખૂબ દૂર દૂર સુધી ફેલાયેલો હતો વળી આવા વિશાળ વિસ્તારમાં કયાં કયાં શું શું જોવાલાયક સ્થળો છે. તેનીપૂરી માહિતી તમામ લોકો પાસે ન હોય તે સહજ હતુ પરંતુ ભૂજમાં જયદેવના વિસ વર્ષ જૂના મિત્ર પણ જયદેવે તેમને મનોમન આધ્યાત્મિક અને આદર્શ ગૂરૂ માની લીધેલા તેઝાલા સાહેબ રાજય પોલીસ દળની ઈન્ટેલીજન્સ શાખાના બોર્ડર રેન્જ વિસ્તારના ડે. કમિશ્નર ઓફ પોલીસનાં ચાર્જમાં હતા. ગૂરૂનું પ્રાથમિક શિક્ષણ અને પોલીસ દળની આઈ.બી. વિભાગની સુદિર્ધ કામગીરી અહી કચ્છમાં જ થયેલ હોય તેમની પાસે પૌરાણિક સ્થાપત્યો અને ઐતિહાસીક સ્થળો અંગેનું પુરૂ જ્ઞાન અને અનુભવ હોઈ જયદેવે તેમની જોડે આ બાબતે ચર્ચા કરતા તેમણે જયદેવને પૂછયું કે તમને કચ્છ જોવાની ઈચ્છા છે ? જયદેવને તો ‘ભાવતું હતુ અને વૈધે કહ્યું’ તે પ્રમાણે થયું તેમણે જયદેવને કહ્યું તમારે રવિવારની હેડ કવાર્ટર છોડવાની રજા લઈ લેવાની દર શનિ-રવિ અમારી ઓફિસીયલ મુલાકાત માટે કચ્છના વિવિધ વિસ્તારોમાં જતા હોઈ તમને પણ સાથે લેતા જઈશું આમ કચ્છને નિરાંતે અને વિગતે જોવા માણવાનો લહાવો મળ્યો. ભૂજ સીટી પોલીસ સ્ટેશન બાદ જયદેવની બદલી ગાંધીધામ પીઆઈ અને અંજાર સીપીઆઈ કંડલા આદીપૂર, અંજાર તરીકે અને વચ્ચે છ મહિના સીપીઆઈ રાપર (સમગ્ર વાગડ વિસ્તાર)નો વધારાનો ચાર્જ મળતા ભચાઊ, સામખ્યાળી, આડેસર, રાપર અને ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારનાં અનેક સ્થળો જોયા જયદેવ ખાતામાંથી નિવૃત થયા બાદ પણ એકાદ બે વર્ષ સમયાંતરે સમય મળ્યે ઝાલા સાહેબ સાથે કચ્છ દર્શનનો આ કાર્યક્રમ ચાલુ રહેલો ટુંકમાં કચ્છના લગભગ તમામ સ્થળો નીરાંતે પૂરી માહિતી જાણકારી સાથે માણવા મળ્યા જયદેવે તો સમયાંતરે આડેધડ રીતે સ્થળોની મુલાકાતો લીધેલી પરંતુ વાંચકોની સરળતા માટે અહિ કચ્છના ભૌગોલીક ઐતિહાસીક એવા પેટા પ્રાંત મુજબ વિભાજન કરીને વર્ણન કરેલ છે.
કચ્છનો પાકિસ્તાન સરહદે આવેલ બન્ની વિસ્તાર
બન્ની વિસ્તાર: કચ્છનો ઉતરે આવેલો બન્ની વિસ્તાર મોટાભાગે ખાવડાનો રણ વિસ્તાર આવેલ છે. જેમાં ધોરડોનું સફેદ રણ જે હવે ટીવીમાં દર્શાવવામાં આવે છે તે અને રાજયના રણોત્સવનું મુખ્ય મથક અને ગુજરાત ટુરીઝમ ખાતા હસ્તક રહેલ ટેન્ટ સીટી, કાળો ડુંગર અને ડુંગર ઉપરના દતમંદિર વિગેરે જોયા આ કાળા ડુંગર ઉપરથી કચ્છનું પાકિસ્તાન તરફનું મોટું રણ દ્રશ્યમાન થાય છે. અને રણમાં ખૂબ દૂર દ્રશ્યમાન થતુ આઝાદી પહેલાનું બન્ને દેશોની સરહદ ઉપરનું ઈન્ડીયાગેટ (ભારત પ્રવેશ દ્વાર) ત્યાંથી જોઈ શકાય છે. હાલમાં તો વાયર ફેન્સીંગ અને બીએસએફની પોસ્ટો લાગી જતા સરહદો સીલ થઈ ગયેલ છે. જયદેવને ધોરડોમાં સફેદ રણમાં શરદ પૂનમના ચાંદની રાતના નજારાનો અને શામે સરહદનો લાભ પણ એક વખત કચ્છ કારનીવલ (રણોત્સવ)નો બંદોબસ્ત સાથે મળેલો.
પૌરાણિક કિલ્લાઓનો વિસ્તાર અબડાસા
અબડાસા: કચ્છના પશ્ર્ચિમોત્તર આ વિસ્તારમાં નલીયા, નખત્રાણા,. દયાપર, નારાયણ કોટેશ્ર્વર, વાયોર અને જખૌ બંદર વિગેરે આવેલા છે.
અબડાસા નામ અબડાજામ પરથી પડેલનું કહેવાય છે. આ વિસ્તારના ઐતિહાસીક સ્થળો, લખપતનો કિલ્લો, રોહાનો પર્વત ઉપરનો ગઢ, મણીયારો ગઢ વિગેરે આવેલ છે.
તો ધાર્મિક સ્થળોમાં યક્ષ બોતેરા, માતાનામઢ જે દેશના લાખો લોકોનું આસ્થાનું દેશદેવી આશાપૂરા માતાજીનું મંદિર છે તે ઉપરાંત થાન જાગીર ધીરણોધણ ડુંગર, પીંગલેશ્ર્વર ખાતે દરિયા કાંઠાનું પુરાણુ શિવમંદિર અને દરિયા કાંઠે રમણીય પર્યટન સ્થળ પણ છે. પરંતુ અહીનો દરિયો ખૂબ તોફાની ગણાય છે. અને સુવિખ્યાત હાજીપીરનું સ્થાન અને નારાયણ સરોવર કોટેશ્ર્વર પણ આ વિસ્તારમાં આવેલ છે. પરંતુ નારાયણ સરોવર, કોટેશ્ર્વર અને લખપતના કિલ્લા અંગે લીધેલ મુલાકાત અને અનુભવ માટે અગાઉ પ્રકરણ ૨૭,૨૮,૨૯ના ‘ધન્ય ધરા કચ્છની’ અને ‘રણકાંધીએ રાત’મા વિગત જણાવેલ છે.
અબડાસાના વાયોર વિસ્તારમાં પ્રખ્યાત સાંધી સીમેન્ટ જેપી અને એબી સીમેન્ટ પ્લાન્ટો, જખૌ બંદર, પાનધ્રો (વર્માનગર)નું થર્મલ પાવર સ્ટેશન કોલસીની ખાણો આવેલ છે.
તો શૌર્ય સ્થળ એવું વ્યુહાત્મક યુધ્ધનું રણક્ષેત્ર એવો સરહદ પરનો ઝારાનો ડુંગર છે.
દેશના અલગ અલગ પ્રાંતોમાં જેમ અલગ અલગ પ્રેમ કથાઓ હિરા રાંઝા, લૈલા મજનુ વિગેરે છે તેમ કચ્છની સુવિખ્યાત પ્રેમ કથા હોથલ પદમણી અને ઓઢાજામની છે. જેના ઉપરથી એક જમાનામાં ખૂબ ચાલેલુ ગુજરાતી ફિલ્મ હોથલ પદમણી પણ બનેલું કચ્છના રાજ પરિવારનો યુવક ઓઢાજામ ખૂબ દેખાવડો, શૂરવીર અને શકિતશાળી યુવાન હતો. ચારિત્ર્યવાન ઓઢાનો દેશનિકાલ થયા બાદ કાનમેરના ડુંગરોમાં તેના સ્વર્ગની અપ્સરા (પદ્મણી) હોથલ સાથે એ શરતે લગ્ન થયેલા કે હોથલની સાચી ઓળખ કોઈ ને આપવી નહિ, જો વચન ભંગ થશે તો પોતે પૃથ્વીલોકમાંથી તુરત જ પાછી સ્વર્ગ લોકમાં ચાલી જશે. દેશમાં પાછા ફર્યા બાદ અમુક સમય પછી રાજવી ઓઢાજામને સંસારીક દબાણ કે નશાની અસરમાં તેની પત્ની હોથલ સ્વર્ગની ક્ધયા (પદ્મણી) હોવાનું જણાવી દેતા તેજ સમયે આ અપ્સરા એવી હોથલે સ્વર્ગમા ગમન કરેંલુ તે જગ્યા અબડાસામાં આવેલ મણીયારાના ગઢમાંથી ગમન કરેલું ‘મણીયારોગઢ હાલતો ખંડેર હાલતમાં છે. પણ ઈતિહાસ અમર છે જાણે કે હજુ પણ ત્યાં જામ ઓઢાના શબ્દો મણીયારાગઢના કિલ્લામાં ગુંજે છે કે ‘વિજલડી રે આમ મૂકી ને ચાલ્યું જવાય નહિ…’ આમ અપ્સરાઓનો સાથ જન્મોજન્મ નો નથી હોતો પરંતુ જરૂરીયાત પુરતો અને શરતી જ હોય છે !
રોહા-લાઠી કવિ કલાપીના સંબંધો
એજ રીતે પ્રેમી કવિ અને લાઠીના રાજવી કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું સાસરૂ પણ અબડાસામાં આવેલા રોહામાં છે. રોહા ડુંગર ઉપરનો ગઢ અને કિલ્લો છે. ધરતીકંપમાં તેને ખૂબજ નુકશાન થયું છે. પીઆઈ જયદેવે રોહાનો કિલ્લો ખાસ એટલા માટે બારીકાઈથી જોયેલો કે તે કવિ કલાપીનો બચપણથી ચાહક હતો. પરંતુ તેણે અગાઉ લાઠી પોલીસ સ્ટેશનમાં પણ ફોજદારી કરેલી. જુઓ પ્રકરણ ૧૨૫ ‘કલાપીનું લાઠી’ આ રોહા કવિ કલાપીના મહારાણી રમાબાનું તો પીયર હતુ તે ઉપરાંત તેમની પ્રેમીકા શોભનાનું પણ જન્મ સ્થાન હતુ. કલાપીના લગ્ન થયેલા ત્યારે શોભના ચૌદ-પંદર વર્ષની ક્ધયા હતી અને રોહાના રાજવીએ રમાબાના લગ્ન સમયે સાથે વડારણ તરીકે શોભનાને મોકલેલી બાકીતો ઈતિહાસ તમામને સુવિદીત હશે જ. જયદેવે રોહાનો સમગ્ર કિલ્લો અને ખાસ તો મહેલના ખંડેરો વિગતે ગૂરૂ સાથે ફરી ને જોયેલા જનતાના રહેણાંક વિસ્તારોમાં ધરતીકંપમાં માત્ર એક જ જગ્યા બચી છે તે મંદિર (રાધા-કૃષ્ણ), જેલ, ન્યાયની અદાલત, રાજમહેલ, તેના ગુપ્તક રસ્તાઓ અને રાજ મહેલના જે ખંડમાં કલાપીનો ઉતારો થતો તે ઓરડો કવી કલાપીએ કેટલીક ગદ્ય-પદ્ય રચનાઓ પણ અહિં કરેલી તે ખંડની બારીઓમાંથી કચ્છ અબડાસાના સુંદર દ્રશ્યો આજની તારીખમાં પણ જોવા મળે છે, જે દ્રશ્યો જોઈને કોઈ પણ કવિ હૃદય વ્યકિતને આજે પણ નવી રચના કરવા પ્રેરે તેવા છે. જયદેવ પણ મનોમન વિચારતો હતો કે તે સમયે આ કિલ્લામાં કવિ કલાપી સહિતના લોકોના માનસીક વ્યવહારીક અને વાસ્તવિક સંજોગો માહોલ અને વાતાવરણ કેવા હશે?
થાનજાગીર ધીરણોસર ડુંગરનો ઘૂણો નખત્રાણા નજીક આવેલા છે. આ જગ્યાનાથ સંપ્રદાયની છે. એમ કહેવાય છે કે ગૂરૂ ગોરખનાથનું આ પ્રિય સ્થળ હતુ. પર્વત ઉપરની જગ્યા ઘૂણો વિગેરે હજુ એવા જ માહોલ વાળા છે જે જોતા આપણે સદીઓ પહેલાની દૂનિયામાં પ્રવેશી જઈએ છીએ, ડુંગર નીચે તળેટીમાં થાન જાગીર છે. જયાં ત્રણ મોટી ધાતુની દેગુ (વિદેશમાં કિંમતી ચીજો અને અનાજ વિગેરે મોકલવાના તે સમયનાં કંટેનર) પડેલી છે જેને ગંગા જમના સરસ્વતી નામ આપેલ છે. તે દેગુ દિલ્હીના શહેનશાહે અરબસ્તાનમાં મોકલવા સાત નંગ દેગુ રવાના કરેલી જે તે વખતના પશ્ર્ચિભ ભારતના પ્રખ્યાત લખપત બંદરેથી રવાના કરવાની હતી પરંતુ આ થાન જાગીરના એક શકિતશાળી અવધૂતે સાત પૈકી ત્રણ દેગુ અહી ઉતારી લીધેલી તે આ ત્રણ છે તેમ કહેવાય છે.
દેશલપર ગામે રોડ ઉપર જ વિર માંગડા વાળાનું સ્થાન આવેલ છે. સૌરાષ્ટ્રની રસધારમાં પ્રેમ કથાઓમાં ભૂત રૂએ ભેંકારના પ્રકરણમાં વિર માંગડાવાળો અને નગર શેઠની ક્ધયા પદમાની પ્રેમ કથા ઝવેરચંદ મેઘાણીએ રૂંવાડા ખડા કરી દે તેવી વર્ણવેલ છે.
વિરમાંગડા વાળાનું મૂળ અને વિશાળ સ્થાનક તો જામનગર-ભાણવડ પાસે આવેલ ભૂતવડની જગ્યાએ છે તે ઉપરાંત એક બીજુ વિર માંગડા વાળાનું સ્થાનક અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં નીલવડાથી લાલકા જતા રસ્તામાં બે ડુંગરો વચ્ચેના ગાળામાં પણ આવેલું છે.