લગ્ન પ્રસંગોએ અને તહેવારોમાં માંડ ક્યારેક પહેરાય પણ જ્યારે પણ એનો ઉપયોગ થાય ત્યારે તેની આભા તમારા વ્યક્તિત્વને શોભાવી દે તેવી હોવી જોઈએ. મોંઘાંમાયલાં ઘરેણાં આપણે રોજરોજ ખરીદતાં નથી. કે તેને વારંવાર પહેરવાનો પણ અવસર આવતો નથી. આવાં ઘરેણાં પહેરવા પહેલાં થતું એવું હોય છે કે તેને ખરીદ્યા પછી જ્યારે પહેરવાનો વારો આવે છે ત્યારે તે ક્યાં તો થોડાં ઝાંખાં લાગવા માંડ્યાં હોય છે ક્યાં તો તેની કોઈ નકશીકામ કે ઘૂઘરી મોતી ખરી પડીને તેની ડિઝાઈનમાં ખોટ સાલવા લાગે છે. અને તૈયાર થતી વખતે આપણો આખો મૂડ બગડી જાય છે. જે પહેરવાની ઇચ્છા થાય તેની બદલે મન મનાવીને કંઈ જુદું` જ પહેરી લેવું પડે છે.
મહેનતની કમાણીથી ખરીદેલ આ મોંઘેરી જણસ તમારા વ્યક્તિત્વની ઓળખ બને છે. પ્રસંગોને દીપાવવાનું એક કારણ બને છે. જ્યારે મોંઘાં રત્નો કે સોનું – ચાંદી ખરીદાય છે ત્યારે પરિવારમાં બરકત આવી એવું મનાય છે. ઘરેણાંની ખરીદીને શકન મનાય છે તેથી દિવાળી જેવા તહેવારો કે લગ્ન પ્રસંગે સૌથી પહેલાં આપણે આભૂષણોની ખરીદી કરવાનું વિચારીએ છીએ. ઘરેણાંની ખરીદીને જીવનના લાંબાગાળાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવાય છે. સ્ત્રી ધન પણ કહેવાય છે અને એવું મનાય છે કે જો ક્યારેક નાણાંકીય કટોકટી આવે તો આ સ્ત્રી ધન જ મુશ્કેલીમાંથી બચાવી શકે છે.
આવા કિંમતી ઘરેણાંને ફકત ઘરની તિજોરીમાં તો સંઘરીને રાખી મૂકવાના નથી તેને પહેરીને ઠાઠ પણ જમાવવાનો છે અને વળી પ્રસંગો પછી ફરી તેને સાચવીને મૂકી દેવાના રહે છે. આવા સમયે આ ઘરેણાંની કાળજી કઈ રીતે રાખવી, તેને પહેરતી કે ઉતારતી વખતે શું ધ્યાનમાં લેવું અને તેની સફાઈ અંગે કેવી તકેદારી રાખવી એ જાણીએ.
મોંઘાં અભૂષણોની કાળજી માટે અનેક એકસપર્ટ અને જ્વેલરી ડિઝાઈનરોના મત લઈને કેટલાક સૂચનો અહીં નોંધીએ છીએ જે આપને આપનાં કિંમતી ઘરેણાં સાચવવા ચોક્કસ ઉપયોગી થશે.
– મેકઅપ લાગાવી, હેરસ્ટાઈલ કરીને અને અંતે પર્ફ્યુમ છાંટ્યા બાદ જ હાર, બંગડી, બુટિયાં પહેરવાં જોઈએ. ધ્યાન રહે પર્ફ્યુમ સીધું ઘરેણાં પર છંટાય નહીં. તે ભલે સાચાં હોય પણ તેની કેમિકલ અસર પડે છે, કાળાં પડી જવાની શક્યતા રહે છે.
– કુંદન કે અનકટ ડાયમંડ જેવા પત્થર પણ ખૂબ કિંમતી હોય છે, વળી તેમની ચમક જ આખા આભૂષણની શોભાને વધારનાર હોય છે તેથી તેના સેટને સ્પંજ કે વેલવેટના પેડવાળા બોક્સમાં અલગથી જ સાચવીને રાખી મૂકવા જોઈએ.
– પન્નો ખૂબ જ નાજૂક રત્ન છે, એજ રીતે મોતી અને અન્ય રત્નો પણ ખૂબ જ રેર મળતા હોય છે જેને શાંતિથી બેસીને જ પહેરવું જોઈએ. ઉતાવળે કે ગાડીમાં બેસીને કે ઓછા પ્રકાશમાં બેસીને પહેરવું ન જોઈએ. આ પ્રકારના કિંમતી રત્ન રહેને પડી જાય તો તૂટી જઈ શકે છે અથવા તેમાં સેટના હારમાંથી એકાદ નંગ પણ નીકળી જાય તો આખા સેટની રોનક ખરાબ કરી શકે છે.
– હીરા સિવાયના આભૂષણોને સાબુના પાણીથી ધોવાં ન જોઈએ. સોના, ચાંદી કે પ્લેટિનમના ઘરેણાંને સોની પાસેથી જ સાફ કરાવવા દેવા જોઈએ જેથી તેની યોગ્ય રીતે માવજત થાય અને તેની અસલ ચમક કાયમ રહે.
– જ્યારે પ્રસંગોપાત કિંમતી ઘરેણાં પહેરવાના હોય ત્યારે સૌથી પહેલાં એ પ્રસંગે પહેરવાના કપડાં પહેરી લેવાં જોઈએ. જેથી ઘરેણાં કપડાંની ઝરી, ઘૂઘરી, લેસ કે એમ્બ્રોઈડરીમાં પહેરતી વખતે ફસાય નહીં. નહીં તો ઘરેણાં યા તો કપડાંને નુકસાન થઈ શકે છે.
– બસરા, અસલ મોતી પણ ખૂબ જ નાજૂક રત્ન છે. તેની પર પર્ફ્યુમ ન પડે એ જોવું. તેને સાચવવા સૂતરાઉ કાપડમાં જ લપેટીને રાખવા જોઈએ. તેને સોના, ચાંદી કે પ્લેટિનમ સાથે જડવામાં આવે ત્યારે તેની કિંમત ઔર વધી જાય છે ત્યારે તેને પહેરતી વખતે ગરમીમાં પરસેવાથી સેટ કાળો ન પડે તેની કાળજી રાખવી જોઈએ.
– આભૂષણોને મલ્ટીપલ ખાનાવાળા પેકેટ કે બોક્સમાં રાખવા જોઈએ. એક સાથે એક જ બોકસમાં ખીચોખીચ બધાં ઘરેણાં ભરીને ન રાખવાં. એકબીજાં સાથે અથડાઈને ઘસાઈને તેનું નકશીકામ બગડી જઈ શકે છે. તેના ઘાટ અને ચમકમાં ફરક પડી શકે છે.