ખાટરીયા જુથનાં ૧૯ સભ્યોનું ગીરનાં ફાર્મ હાઉસમાં રોકાણ: ભાજપ પ્રેરીત જુથમાં માંડ ૧૭ સભ્યો થયા: આવતીકાલની સામાન્ય સભામાં પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત થશે નામંજુર
જિલ્લા પંચાયતમાં આવતીકાલે સામાન્ય સભા યોજાનાર છે જેમાં અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે મતદાન કરવામાં આવનાર છે જોકે સામાન્ય સભાનાં એક દિવસ પૂર્વે જ અવિશ્વાસની દરખાસ્તનું ફટાકડુ ઓલવાઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણકે ભાજપ પ્રેરીત જુથમાં માંડ ૧૭ સભ્યો થયા છે ત્યારે ખાટરીયા જુથ કુલ ૧૯ સભ્યો સાથે ગીરનાં ફાર્મ હાઉસમાં રોકાયું છે જેથી આવતીકાલનાં રોજ યોજાનાર સામાન્યસભામાં પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપ પ્રેરીત જુથ પોતાના ૨૪ સભ્યોનું સંખ્યાબળ બતાવી શકવાનું નથી.
તાજેતરમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે વિપક્ષી નેતા ધૃપતબા જાડેજા દ્વારા ડીડીઓ સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેને બાગી જુથનાં જ એક સભ્યએ ટેકો આપ્યો હતો પરંતુ ડીડીઓએ આ અંગેનો નિર્ણય વિકાસ કમિશનર ઉપર છોડી દીધો હોય વિકાસ કમિશનરનાં આદેશ મુજબ તા.૨૪નાં રોજ સામાન્યસભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ આવતીકાલનાં રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાનાર છે જેમાં અવિશ્વાસની દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવનાર છે.
મળતી માહિતી મુજબ અવિશ્વાસની દરખાસ્તનું ફટાકડુ હાલ ઓલવાય ગયું છે. અવિશ્વાસની દરખાસ્તનાં ભાજપ પ્રેરીત જુથ દ્વારા ૨૪ સભ્યોની સાઈન દર્શાવવામાં આવી હતી પરંતુ હાલ ભાજપ પ્રેરીત જુથમાં ૧૭ સભ્યો જ હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે ખાટરીયા જુથ પાસે ૧૯ સભ્યોનું સંખ્યાબળ હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. હાલ ખાટરીયા જુથનાં તમામ સભ્યો ગીરનાં એક ફાર્મ હાઉસમાં રોકાયા છે. આ તમામ સભ્યો આવતીકાલે સીધા જ સામાન્ય સભા માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે જ પહોંચવાના છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપ પ્રેરિત જુથ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે પ્રયત્નો કરી રહ્યું હતું અંતે અવિશ્વાસની દરખાસ્ત રજુ તો થઈ ગઈ હતી પરંતુ હવે તેને મંજુર કરાવવા માટે ભાજપ પ્રેરીત જુથ પાસે ૭ સભ્યો ઘટે છે.
આમ ફરી એક વખત ખાટરીયા દંપતિએ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન જાળવી રાખવા માટે કરેલા પ્રયાસો સફળ નિવડી રહ્યા છે.