અજ્ઞાન ગુફાવાસી આદિમાનવ પણ એટલું સમજતો કે જીવન બચાવવા રકત બચાવવું જરૂરી છે, રકતમાં ઘણાં ગૂઢ રહસ્યો છુપાયા છે. સનાતન સકળ વિશ્ર્વમાં કુદરતની તમામ જીવસૃષ્ટિમાં એકમાત્ર મનુષ્ય જ સૌથી વધુ અકલમંદ અને નિર્ણય શક્તિ ધરાવતો સમજદાર ગણાય છે.વિજ્ઞાન-ટેકનોલોજી અને જ્ઞાન અભિલાષાથી માનવી ચંદ્ર સુધી પહોંચી ગયો છે , હજુ મંગળ તરફ મીટ માંડીને પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે કુદરતે હજુ ઘણી એવી ચીજો છે જે પોતાના હાથમાંથી માનવીને સોંપી નથી. આજે જીવન રેખા વધારવામાં સફળ થયેલા તબીબ વિજ્ઞાને કૃત્રિમ અંગો બનાવી લીધા છે. પરંતુ હજુ લોહીના ટીપાનું સર્જન કરવામાં માણસની અસમર્થતા પ્રવર્તી રહી છે. જેવી રીતે જળ એ પૃથ્વીનું જીવન છે એવી રીતે લોહીના ટીપાને સંજીવનીનું નાનુ એકમ ગણી શકાય. કૃત્રિમ અંગ, ઉપાંગ બનાવા લાગ્યો છે, પરંતુ હજુ માનવી માટે લેબોરેટરીમાં લોહી બનાવવું  અશક્ય છે. જ્યારે માનવી લેબોરેટરીમાં લોહી બનાવતો થઈ જશે ત્યારે કદાચ મૃત્યુદેવને પણ તેમના ટાઈમ ટેબલ બદલાવવાની ફરજ પડશે. અલબત હજુ માનવીને આ ઉપલબ્ધી પ્રાપ્ત થઈ નથી.

લેબોરેટરીમાં લોહી બનાવવું અશક્ય છે, પણ જ્યારે માનવી લોહી બનાવતો થઈ જશે ત્યારે કદાચ, મૃત્યુ દેવને પણ તેમનું ટાઈમટેબલ બદલવાની ફરજ પડશે: હજારો વૈજ્ઞાનિકોએ લોહીમાં રહેલા ગુઢ રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે

આપણા જીવનમાં આપણે અચાનક જ જીવનના સૌદર્ય પ્રત્યે જાગૃત થઇ જઇએ છીએ, વસંતના આગમન વખતે આપણા જીવનમાં એક તાજગી અને આનંદની ક્ષણોનો ઊભરો આવે છે. નવપલ્લવિત વૃક્ષો અને તેના પુષ્પગુચ્છોની જેમ માનવશરીરમાં પણ પળેપળ આવી વસંત આવે છે, જેનું કારણ છે, કુદરતની અણમોણ ભેટ-રક્ત, રૂધિર, લોહી.

અનાદિકાળથી લોહીને આપણે મંત્રમુગ્ધ બનીને જોઇએ છીએ. આશ્ર્ચર્યની વાત તો ત્યાં છે કે, રકત વિશે વધુ જાણવા આપણે કોશિશ કરીએ છીએ ત્યારે જ આપણને સમજાય છે કે રકત વિશે આપણે કેટલું થોડું જાણીએ છીએ. હજારો વૈજ્ઞાનિકોએ રકતમાં રહેલા ગૂઢ રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે. બાયોકેમિસ્ટોએ હિમોગ્લોબીન અને પ્રોટીન પદાર્થોનો અવિરત અભ્યાસ આદર્યો છે. લોહીનાં દર્દોને સમજવા તથા તેની વધુ ઉમદા સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટોલોજિસ્ટે તેમનું જીવન સમર્પિત કર્યુ છે.

આ બધા પ્રયાસોના ફલસ્વરૂપે રકતનાં રહસ્યો ઉપરથી થોડોઘણો પણ પડદો ઊપાડયો છે. તેને કારણે કુદરતના આ જટિલ છતાં જીવંત તત્વ વિશે આપણે કંઇક જાણીને અને આ જાણકારીના ચમકારામાંથી એટલું તો ચોકકસ લાગશે કે રકતનો અભ્યાસએ જીવનનો પણ અભ્યાસ છે, કેમ કે ખરેખર તો રકતએ જ જીવન છે.

રક્તએ માનવશરીરનું જીવંત ઝરણું છે. આ લાલ પ્રવાહી શરીરમાં ઘણાંબધાં કાર્યો કરે છે અને શરીરનો કોઇ પણ ભાગ તેના સિવાય જીવંત રહી શકતો નથી. શરીરના અવયવોના સંચાલન માટે જે પોષણ અને ઓક્સિજનની જરૂર પડે છે તે તત્વો રકતકોષિકાઓ દ્વારા પૂરાં પડે છે. શરીરના બિનઉપયોગી કચરાને રક્ત ખાસ અવયવો મારફત બહાર ફેંકવામાં મદદરૂપ બને છે. અથવા તો તવાં તત્વોને નિરૂપદ્રવી પદાર્થોમાં ફેરવી નાખે છે. શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો પણ રકત પ્રતિકાર કરે છે.

પ્રત્યેક વ્યક્તિના કદ અને સ્થિતિ-સંજોગોના આધારે પ્રત્યેક મનુષ્યમાં રકતનો જથ્થો રહેલો હોય છે. 73 કિલો વજન ધરાવતી પુખ્ય વયની વ્યક્તિમાં 4.7 લીટર રકત હોય છે. 36 કિલો વજનવાળા બાળકમાં આનો લગભગ અર્ઘો જથ્થો રકતનો હોય છે. 4 કિલો વજનવાળા બાળકના શરીરમાં ફકત 300 મિલીલીટર રકત હોય છે. ઉચ્ચ પ્રદેશોમાં રહેતા મનુષ્યોમાં મેદાન વિસ્તારમાં રહેતા લોકો કરતાં લગભગ 1.9 લીટર રકત વધુ હોય છે. તેથી શારીરિક જરૂરત પ્રમાણે વધુ રકત વધુ ઓકિસજન ગ્રહણ કરી શકે છે. આખા શરીરમાં રકતનો સંચર હૃદય દ્વારા થાય છે. હૃદયમાંથી ધમનીઓ દ્વારા રકત શરીરમાં વાહે છે અને નસો દ્વારા હૃદયમાં પાછું ફરે છે. હૃદય સાથે જોડાયેલી મોટી ધમનીઓ રકતનો નાનીનાની રકતકોષિકાઓ સુધી લઇ જાય છે. આ રકતકોષિકાઓમાં અતિસૂક્ષ્મ, વાળ જેટલી બારીક નસ કેપિલરી તરીકે ઓળખાય છે.

રકતમાં તેમજ શરીરના કોષોમાં ઓક્સિજન, પોષણ તેમજ બિનઉપયોગી તત્વની આપલે આ અતિસૂક્ષ્મ કેપિલરીની દીવાલો દ્વારા થાય છે. આ સૂક્ષ્મ કેપિલરી દ્વારા રકત મોટી નસોમાં અને છેવટે સૌથી મોટી નસ દ્વારા હૃદયમાં દાખલ થાય છે. રકતને ગતિશીલ રાખવામાં બીજા અવયવો પણ કાર્ય કરે છે. જેમકે ફેફસાં, જેના દ્વારા રકતને ઓકિસજન મળે છે, અને કાર્બનડાર્યોકસાઇડનું નિષ્કાસન થાય છે. કીડની રકતને ઝેરી તત્વોથી બચાવે છે તેમજ રકતના પ્રવાહી રૂપને મીઠાના જથ્થાને નિયમિત રાખે છે. લીવર તેમજ આંતરડાં રક્તને પોષણ પુરૂં પાડે છે. રકતના ચાર મુખ્ય વિભાગો છે,રુધિરરસ, રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ. આમાંના છેલ્લા ત્રણ વિભાગોને ચોકકસ આકાર હોવાને કારણે તેને ફોમ્ર્ડ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. લોહીના રકતકણ અને શ્ર્વેતકણ ઘણીવાર ‘કોર્પકલ્સ’ તરીકે ઓળખાય છે.

રુધિરરસ: લોહીના પ્રવાહી હિસ્સાને રુધિરરસ કહેવામાં આવે છે. આ પીળાશ પડતું પ્રવાહી સમગ્ર લોહીના જથ્થાના લગભગ 55થી 65% હોય છે. રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ ઘન પદાર્થો હોઇ રુધિરરસમાં તરતા રહે છે. રૂધિરરસમાં મહદ્ અંશે પાણી હોય છે. આમ છતાં, તેમાં અસંખ્ય બીજા પદાર્થો હોય છે. જેવા કે પ્રોટીન, પાચન થયેલ ખોરાક, બિન ઉપયોગી તત્વો.

આલ્યુમિન, ફાઈબ્રીનોજન અને ગ્લોબ્યુલીન એ રુધિરરસનાં મુખ્ય પ્રોટીન તત્વો છે. આલ્યુમીન રકત-કોપિકાઓમાં રુધિરરસને જાળવવામાં મદદ કરે છે. જ્યારે આલ્યુંમીનનું પ્રમાણ ઘટે છે ત્યારે રૂધિરરસનું પ્રવાહી આજુબાજુના સેન્દ્રિય પદાર્થમાં ઘુસી જાય છે, જેના પરિણામે સોજો ઉત્પન્ન થાય છે. ફાઈબીનોજન લોહીનો ગઠ્ઠો બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરે છે, જે પ્રક્રિયા દ્વારા ઘા ઉપર લોહી થીજી જાય છે. ગ્લોબ્યુલીન પ્રોટીન, ખાસ કરીને ગામાં ગ્લોબ્યુલીન, રોગોના ચેપનો પ્રતિકાર કરે છે. આ પ્રોટીનની ઊણપ જે ‘અંગોમાં ગ્લોબ્યુલીનેમિયા’ તરીકે ઓળખાય છે. તે વારંવાર ગંભીર ચેપી રોગો ઉત્પન્ન કરે છે. પાચન થયેલો ખોરાક આંતરડા દ્વારા રુધિરરસમાં આવે છે. રક્ત દ્વારા આવો ખોરાક રક્ત-કોશિકાઓમાં જાય છે અને આ પ્રકિયાધારા શક્તિ અને નવા સેન્દ્રિય પદાર્થો બને છે. બિનઉપયોગી તત્ત્વો રક્તકોષોમાંથી લોહી દ્વારા ખેચાઈ જાય છે.

યુરિયા અને એમોનિયા જેવા કેટલાય બિનજરૂરી પદાર્થો રધિરરસમાં હોય છે અને રૂધિરરસમાંથી આવા પદાર્થોનો નિકાલ કીડની અને લીવર દ્વારા થાય છે. કોષિકા દ્વારા ઉત્પન્ન થયેલ બાયકાર્બોનેટ કણો જ કાર્બનડાયોક્સાઈડનું રૂપાંતર કરે છે. તે ધિરરસ ફેફસાંમાં રહેલ સૂક્ષ્મ નળીઓમાં પહોંચાડે છે, જ્યાં બાયકાર્બોનેટ કણો પાછા કાર્બન ડાયોક્સાઈડમાં બદલાઈ જાય છે. આ કાર્બન ડાયોક્સાઈડ નળીઓની દીવાલ મારફત ફેફસાંમાં દાખલ થાય છે અને ત્યાંથી શ્વાસ દ્વારા શરીર બહાર ફેંકાઈ જાય છે. રુધિરરસની અંદર ઘણી જાતના પીગળેલા વાયુઓ તેમજ ખનિજતત્ત્વો હોય છે.

આ ઉપરાંત તે હોર્મોન્સ તરીકે જાણીતા રાસાયણિક દ્રવ્યોને શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી લઈ જવાનું કાર્ય કરે છે. રક્તકણો: આકૃતિજન્ય તત્ત્વોમાં અતિ સંખ્યા ધરાવતું તત્ત્વ રક્તકણો છે, જે એરીથ્રોસાઈટ તરીકે પણ ઓળખાય છે. લોહીના પ્રત્યેક માઈક્રોલીટર જથ્થામાં 40 થી 60 લાખ રક્તકણો છે. રક્તના પ્રવાહમાં રક્તકણો અવિરત પરિભ્રમણ કર્યા કરે છે. આ રક્તકણોનું મુખ્ય કાર્ય ફેફસાંમાંથી ઑક્સિજન સેન્દ્રિય પદાર્થોને પહોંચાડવાનું તેમજ સેન્દ્રિય પદાર્થોમાંથી કાર્બન ડાયોક્સાઈડ ખેંચી ફેફસાંમાં પહોંચાડવાનું છે.

સંરચના અને કામગીરી: પરિપક્વ રક્તકણ છેદ વગરની નાની કેકના આકારના હોય છે. રક્તકણો સપાટ ગોળાકાર તકતી જેવા, જાડી અને વાળેલી બાજુવાળા તથા પાતળા અને ખાંચાવાળા કેન્દ્રવાળા હોય છે. મોટા ભાગના રક્તકણોમાં એક મધ્યસ્થ સંરચના હોય છે, જે ન્યુક્લીયસ તરીકે ઓળખાય છે અને આ ન્યુક્લીયસ રક્તકણોની ઘણી બધી કાર્યવાહીને નિયંત્રણમાં રાખે છે. પરંતુ પરિપક્વ રક્તકણને આ ન્યુક્લીયસ હોતું નથી. આના ત્રણ આધારભૂત વિભાગો છે: (1) કોપની અંતર્વચા (2) હિમોગ્લોબીન અને (3) રાસાયણિક દ્રવ્યોનો સમૂહ.

રક્તકણોની અંતર્વચા એક આવરણ જેવું કામ કરે છે, તેથી હિમોગ્લોબીન તથા અન્ય પદાર્થો કોપિકામાં સચવાય છે. આ અંતર્વચા ઘણી નરમ અને લચકવાળી હોય છે. રક્તકણોનો વ્યાસ લગભગ 7 માઈક્રોન જેટલો હોય છે, પરંતુ આ રક્તકણો એટલા નરમ અને વળી શકે તેવા હોય છે કે 1 અથવા 2 માઈક્રોન વ્યાસ ધરાવતી સૂક્ષ્મતમ નળીઓમાંથી પણ તે પસાર થઈ જાય છે. એક માઈક્રોન=મીલીમીટરનો 0:1000મો ભાગ અથવા એક માઈક્રોન=0-000039 ઈંચ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.