ઠંડી, ગરમી કે વરસાદ હોય તો પણ તે પોતાની ફરજ નિષ્ઠા બજાવે છે. પહેલા તો માત્ર સવારના અખબારો જ હતા, ત્યારે વહેલી સવારે સાયકલ લઇને નિયમિત રીતે સમાચારો ઘર સુધી પહોંચાડતો : 1833માં એક 10 વર્ષના તરૂણે પ્રથમ વખત કાગળનો ભાર ઉઠાવ્યો હતો: વિશ્ર્વના ઘણા મહાનુભાવોએ પણ પોતાની કિશોરાવસ્થામાં આ કાર્ય કર્યુ હતું
18મી સદીથી ચાલી આવતી આ યાત્રામાં ઘણા બદલાવ આવ્યા છે. પહેલાની જુની સિસ્ટમ અને આજની નવી સદીની સિસ્ટમમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. વિશ્ર્વના ઘણા દેશોમાં આજે અખબાર વાહકનો દિવસ ઉજવાય છે. અખબાર નિર્માણ કરવામાં કે તૈયાર કરવામાં પત્રકારો સહિતની વિવિધ સમાચાર સંસ્થાના સહિયારા પ્રયાસથી અખબાર પ્રિન્ટીંગ થઇ બહાર પડયા બાદ તેને લોકોના ઘર સુઘી પહોચાડવા માટે અખબાર વાહકની ભૂમિકા મહત્વની હોવાથી આજના દિવસે તેની કર્મનિષ્ઠા અને નિયમિતતાને કરોડો સલામ, છેલ્લી શતાબ્દીથી અખબારી યુગ સતત કાર્યરત હોવાની સાથે તેની સફળતાનો શ્રેયમાં ફેરીયાને જાય છે. પહેલા તો માત્ર સવારના જ અખબારો આપતા હોવાથી માત્ર વહેલી સવારમાં દરેક ગ્રાહકોના ઘરે અખબાર પહોચાડવાનું કામ હતું. પુર-હોનારત કે કોઇ મોટી ઘટના બને ત્યારે જાહેશ ચોક વચ્ચે વધારો વધારોના અવાજો આજ અખબાર વાહક કરતો જોવા મળતો હતો.
જેમ સુરજ ઉગવાનું ચૂકતો નથી, તેમ ફેરીયો કદી અખબાર નાંખવાનું ચુકતો કે ભૂલતો નથી. બધી ઋતુઓમાં પછી મૂશળધાર વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય તે પોતાની ફરજ કયારેય ચૂકતો નથી. હમણાં કોરોના કાળમાં લોકડાઉનમાં પણ તેની પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા ઉડીને આંખે વળગી હતી. એક અખબાર વાહક (ફેરિયા) માં ચિવટ, જવાબદારી, નિયમિતતા, કર્મનિષ્ઠા, ચોકસાઇ, સમય પાંબદી જેવા વિવિધ ગુણો હોવાથી જ આપણને ટાઇમસર અખબાર મળે છે. તમને જાણીને નવાઇ લાગશે કે વિશ્ર્વમાં પ્રથમવાર એક 10 વર્ષના તરૂણે પ્રથમ વખત અખબારના કાગળનો ભાર ઉઠાવ્યો હતો. વિશ્ર્વના ઘણા મહાનુભાવોએ તેના પ્રારંભિક જીવનમાં અખબાર નાખવાનું કાર્ય કરેલ હતું.
સવારના જ અખબારોના ઇતિહાસ બાદ 1980 ના પછી ના સમયમાં સાંજના અખબારો આવતા આ ફેરિયા સવાર સાંજ અખબાર ઘેર ઘેર પહોચાડવા લાગ્યા હતા. અખબારોની વિવિધ યોજના લવાજમ વિગેરે કાર્ય પણ આજ અખબાર વાહક કરતાં હોય છે, બહાર ગામની આવૃત્તિ બસ સ્ટેન્ડ ઉપર જઇન બસમાં મોકલાયા બાદ જે તે શહેરમાં તેને કલેકટ કરીને ઘેર ઘેર અખબાર પહોચાડવાની કામગીરી પણ કરાય છે. બધા અખબારોની ડાક અને સીટી કોપી નીકળતી હોય છે. સવારનું છાપુ અડધી રાત્રે ટેકસી મારફત વિવિધ સ્થળોએ મોકલાય છે. એ જમાનામાં સોશિયલ મીડીયા કે પીડીએફનો યુગ ન હોવાથી માત્ર અખબાર વાહકો જ સમાજ અને અખબાર વચ્ચેની મહત્વની કડી હતી.
ફેરિયાની જુના જમાનાની ઘણી યાદો આજે તાજી કરવાનો શ્રેષ્ઠ સમય છે. વાહનનું ચલણ બહુ જ ન હોવાથી માત્ર સાયકલ ઉપર 10-ર0 કિ.મી.માં છાપુ નાખવા આ ફેરીયા જ જતા હતા. સાયકલની ટ્રીન ટ્રીન વાગી એટલે આપણે બહાર ઉભા રહીને અખબાર હાથો હાથ પણ લેતા હતા. દિવાળીના તહેવારોમાં રાત્રે જાગતા હોય અને વહેલી સવાર પડે કે આ ફેરીયા આવીને અખબાર આપી જતાં
આજના યુગમાં તેના સંગઠનો થઇ જતાં તેને પડતી વિવિધ મુશ્કેલીમાં અખબારો પણ સહાયભૂત થાય છે. મોટાભાગે મઘ્યમ વર્ગના લોકો આ કામ વધુ કરતાં હોવાથી બધા જ તેના પ્રત્યે સહાનુભૂતિ રાખતા જોવા મળે છે. તેનામાં એક ક્ષમતા એવી હોય છે કે ચાલુ સાયકલે અખબારને વાળે, દોરી બાંધે અને બીજા ને ત્રીજા માળના રવેશમાં બીનચૂક છાપુ નાંખતા હોય છે. દુનિયામાં સાયકલ ઉપર આખુ વર્ષ કામ કદાચ કોઇ નહી કરતું હોય ફેરીયાઓ આજે અખબારી એજન્ટની ભુમિકા ભજવતા હોય છે, ડ્રો વખતે તેના વરદ હસ્તે પણ લકકી નંબર ખેચાવાય છે.
ન્યુયોર્ક સિટીના મ્યુઝિયમ દ્વારા અમેરિકામાં તેને માનવા આપવા માટે નેશનલ ન્યુઝ પેપર કેરિયર ડે ની રચના કરવામાં આવી હતી, અને તેને ન્યુઝ બોય તરીકે માન આપેલ હતું. જુની પેઢી કે નવી પેઢી હોય તેમાં કોઇ અપવાદ નથી. જેમ્સ કેગ્ની, આઇન્સ્ટાઇન આઇઝેક એસિમોવ કે માર્ટીન લ્યુથર કિંગ જુનીયર જેમ તેના જીવનની શરુઆત પણ સ્થાનીક પેપર સાથે થઇ હતી. ગમે તેવી ઋતુ કે પોતાનું કામ હોય પણ અખબાર પહોચાડવાની કામગીરી તેને કરવી જ પડે છે. કામ મુકે તો બીજાને બધા ગ્રાહકનું સ્થાન બતાવીને એક-બે દિવસ સાથે રહીને મુકત થઇ શકે છે.
છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયામાં અખબારોની પીડીએફ આવી જતી હોવાથી અને મોબાઇલમાં જ તાજા સમાચારો મળી જતા હોવાથી લોકો હવે ઘેર અખબરો આવતા બંધ કરવા લાગ્યા છે. પણ હજી અખબાર સવારમાં વાંચવા વાળાની સંખ્યા નાની નથી જ, વહેલી સવારે મશીન રૂમની બહાર અખબારી મેનેજમેન્ટ સુચના મુજબ આ ફેરીયા છાપાની નકલો મેળવીને સમયસમ ઘેર ઘેર અખબાર પહોચાડતા હોય છે. ઘણીવાર તો પૂર્તિ અખબારમાં નાખવાની કામગીરી પણ કરતાં હોય છે. એક પોસ્ટમેન અને એક છાપુ નાખવા વાળો ફેરીયો બન્ને આપણે ઘેર કે શેરીમાં બીનચૂક નિયમિત આવતો હતો. આ યુગ આપણા સૌનો સુવર્ણયુગ હતો, આજે તો મોડા ઉઠનારને ખબર પણ નથી હોતી કે છાપુ કયારે આવી ગયું
‘એક સલામ એ બધા ન્યુઝ બોય ને’ યાદ આ ગયા વો ગુજરા જમાના
અખબાર ઘેર ઘેર પહોચાડવાનું શ્રેષ્ઠ કર્મનિષ્ઠા અને નિયમિતતા જેવા ગુણો સાથે કરનાર ‘અખબાર વાહક’ ની પણ નિરાળી દુનિયા છે. આપણાં સૌના જીવન સાથે તેના સંસ્મરણો જોડાયેલા છે. બીજા માળના રવેશમાં બીન ચૂંક છાપુ નાખવાની તેમની સ્કિલ આજે પણ યાદ આવે છે. મહિનો પૂરો થાય અને પેમેન્ટ લેવા આવે ત્યારે તેને મળતા હતા. લવાજમની વિવિધ યોજના સમજાવાની તેની આવડત નિરાળી હતી. આપણું બચપણ, તરૂણ કે કિશોરાવસ્થા કે યુવાની સાથે વૃઘ્ધત્વ પણ તેની સાથે જોડાયેલું હતું. ઘણીવાર તો બે પેઢીનો નાતો પણ થઇ જતો હતો. આપણા જુના દિવસોની ઘણી વાતોમાં ‘અખબાર વાહક’ વાતો પણ હ્રદયના એક ખુણામાં સચવાયેલી જીવન ભર રહે છે.