રેપિડ રિસ્પોન્સ ફોર્સ, એસઆરપી અને પોલીસનો કાફલો ખડેપગે: બે કિલોમીટરના વિસ્તારમાં હિલચાલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ: ૧૫ હજાર લોકોને ભોજન પૂરૂ પાડવા રસોડું ધમધમ્યું

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી સતત સામે આવી રહેલા કોરોનાના પોઝિટીવ કેસોએ સમગ્ર શહેરને જોખમમાં મુકી દીધું છે. જેથી ગઈકાલે રાજ્ય સરકારે જંગલેશ્ર્વરમાં કફર્યુની જાહેરાત કર્યા બાદ મધરાતથી કફર્યુ લાદી દેવામાં આવ્યો છે.

DSC 0842

કફર્યુને પગલે બે કિલોમીટર જેટલા વિસ્તારમાં હિલચાલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈનિ, એસીપી પૂર્વ એચ.એલ.રાઠોડ સહિતના અધિકારીઓ પણ જંગલેશ્વરમાં ફિલ્મમાં ઉતર્યા છે. આ સાથે પોલીસની ટુકડીઓ, એસઆરપીની ૩ કંપની, રેપીડ રિસ્પોન્સ ફોર્સની ટીમો તેમજ ૮ ઘોડે સ્વાર પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહ્યાં છે.

DSC 0887

જંગલેશ્વરની સાથો સાથ તેને લગત આવેલા એકતા કોલોની, સીયાણીનગર, અંકુર પાર્ક, મહેશ્ર્વરી, વિવેકાનંદ નગર, નિલકંઠ પાર્ક, નિલમ પાર્ક, ગાંધી સ્મૃતિ સોસાયટી, પટેલ નગર સહિતના વિસ્તારોમાં પણ અવર-જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સોરઠીયાવાડી સર્કલથી લઈ કોઠારીયાના નાલા સુધીનો મેઈન રોડ પણ બંધ કરી દેવાયો છે. વધુમાં આજી નદી પાછળના પટ પાસે પણ આડસ મુકી ત્યાંથી કોઈ વ્યક્તિ પ્રવેશી ન શકે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત અહીં રહેતા લોકોને જમવાનું પૂરું પાડવાનું બિડુ પોલીસે ઝડપ્યું છે. ટ્રાફીક પીઆઈ એસ.એન.ગડુએ દાતાના સહયોગથી ૧૫ હજાર લોકો માટે રસોડુ ધમધમાવ્યું છે.  હાલ જંગલેશ્વરમાં થયેલો કોરોના વિસ્ફોટ શહેરના અન્ય વિસ્તારોને જોખમમાં ન મુકે તે માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ રહી રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યો છે.

DSC 0852

સ્થાનિકોમાં સોશિયલ ડિસ્ટન્સની સમજણ ઓછી

જંગલેશ્વરમાં થયેલા કોરોના વિસ્ફોટ પાછળ મુખ્ય કારણ એ જવાબદાર છે કે, સ્થાનિકોમાં સોશિયલ ડિસ્ટન્સની સમજણ ઓછી છે. અહીંના બે થી પાંચ ટકા જેટલા બેદરકાર લોકોના કારણે બાકીના બધા લોકોને કફર્યુનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજુ પણ અહીં છાની છુપી રીતે ગલીઓમાં નીકળી લોકો એકત્ર થઈરહ્યાં છે. આમ સોશિયલ ડિસ્ટન્સની સમજણ ઓછી હોવાના કારણે હજુ પણ આ વિસ્તારમાં કોરોનાના પોઝિટીવ કેસો સામે આવ્યે જ રાખશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

DSC 0852

જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાની અસર ઘટે તે માટે તંત્ર પુરેપુરી કમરકસી રહ્યું છે પરંતુ સામે સ્થાનિકો પણ તંત્રની વાત માનીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે અને અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરશે તો જ કોરોનાને મહાત આપવામાં સફળતા મળશે.

કફર્યુના માહોલના ‘અબતક’ના લાઈવ પ્રસારણને બહોળો પ્રતિસાદ

DSC 0805

જંગલેશ્વરમાં લાગુ કરવામાં આવેલા કફર્યુના માહોલનું ‘અબતક’ ચેનલ અને ડિજીટલ મીડિયા ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. હજ્જારોની સંખ્યામાં લોકોએ આ લાઈવને નિહાળીને ઢગલાબંધ કોમેન્ટો પણ કરી હતી. ઘણા જાગૃત લોકોએ પોત-પોતાના મંતવ્યો પણ કોમેન્ટ બોક્ષમાં ઠાલવ્યા હતા. કોરોનાગ્રસ્ત આ વિસ્તારની હાલની સ્થિતિ લોકો સુધી પહોંચે તે માટે  ‘અબતક’ દ્વારા ખાસ લાઈવ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જે નિહાળી લોકો જંગલેશ્વરની કફર્યુના હાલના માહોલથી અવગત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.