કોરોનાના વધુ શંકાસ્પદ લાગતા કેસથી તંત્રમાં દોડધામ : મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટિમ દ્વારા જંગલેશ્વરમાં યુવકના રહેઠાણ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે : યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ
કોરોનાના શંકાસ્પદ કેસ ઉપર જિલ્લા કલેક્ટર, મ્યુ.કમિશનર અને ડીડીઓનું સીધું મોનીટરીંગ
હજ પઢીને આવેલા જંગલેશ્વરના યુવકના કોરોનાના રિપોર્ટને વધુ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ તેના પરિવારજનો સહિતના ૧૭ લોકોને ખાસ તૈયાર કરાયેલા ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડવામાં આવ્યા છે. હજુ પણ આ યુવક કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની શોધખોળ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર અને મ્યુ.કમિશનરે જણાવ્યું છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો એક યુવક હજ પઢવા માટે મકા મદીના ગયો હતો. જયાંથી તે ગત તા. ૭ના રોજ મુંબઇ પહોંચ્યો હતો અને તા.૮ના રોજ ટ્રેન મારફતે રાજકોટ પહોંચ્યો હતો. બાદમાં ૪ દિવસ સુધી તે સતત બીમાર રહ્યો હતો. આ અંગે આરોગ્ય વિભાગને જાણ થતા તુરંત જ યુવકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને આ યુવકના જરૂરી રિપોર્ટ કરી તેને જામનગરની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જો કે આ રિપોર્ટમાં બરાબર પૃથક્કરણ ન આવ્યું હોવાનું જણાવીને આરોગ્ય વિભાગે ફરી પૂનાની લેબમાં રિપોર્ટ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં આ યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના પરિવારજનો અને તેને પ્રાથમિક સારવાર આપનાર એક તબીબ મળી કુલ ૧૭ લોકોને પથિક આશ્રમ ખાતે ઉભા કરાયેલા ક્વોરોન્ટાઇન ફેસેલિટી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. અહીં આ લોકો માટે રહેવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ લોકોને અહીંથી બહાર નીકળવા ઉપર તંત્રએ રોક પણ લગાવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે જંગલેશ્વરના યુવકને કોરોના શંકાસ્પદ જણાતા તેનો જામનગર રિપોર્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટને વધુ તપાસ માટે પુના પણ મોકલવામાં આવ્યો છે. આ કેસથી આરોગ્ય વિભાગ સતર્ક થઈને કામે લાગી ગયું છે. આ યુવકના પરિવારજનો સહિતના ૧૭ લોકોને સુરક્ષિત રીતે ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવ્યા છે. વધુમાં યુવક મુંબઇથી ટ્રેન મારફતે અહીં આવ્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં તેની સાથે કેટલા લોકો સંપર્કમાં આવ્યા અને અહીં પણ ચાર દિવસ દરમિયાન કેટલા લોકો તેના સંપર્કમા આવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે. આ તમામની ઓળખ મેળવીને તેઓને પણ ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવશે. હાલની પરિસ્થિતિ મુજબ આગોતરા આયોજનમાં પથિક આશ્રમ ઉપરાંત સમરસ હોસ્ટેલ, ત્રી મંદિર તેમજ રેન બસેરામાં ક્વોરોન્ટાઇન ફેસેલિટી ઉભી કરવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં ૧૦૦૦ લોકોને એકસાથે રાખી શકાય તેવી વ્યવસ્થા છે. જ્યારે રેન બસેરામાં ૪૦૦ જેટલા બેડ છે. અને ત્રી મંદિરમાં ૯ રૂમ તથા બે મોટા હોલ છે. મ્યુનિસિપલ કમીશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે જંગલેશ્વરમાં યુવકને શંકાસ્પદ કોરોના જણાતા આરોગ્ય વિભાગ દ્વારા ટિમ બનાવીને યુવકના રહેણાંક વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરીને ત્યાંના લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે યુવકના સંપર્કમાં આવેલા ૧૭ લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવ્યા છે. જ્યા તેઓની સતત આરોગ્ય તપાસણી થતી રહેશે. આ દરમિયાન જો તેઓમાં કોઈ શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેઓને તુરંત આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવશે.
કોરોનાથી ડરવાની નહિ, સાવચેત રહેવાંની જરૂર : જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જાહેર જનતા જોગ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. બસ સાવચેત રહેવાની જરૂર છે. કોઈએ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન દેવું નહિ. વધુમાં કોરોનાના લક્ષણ ખૂબ સામાન્ય હોય છે. જો આ લક્ષણો જણાય તો સમાજના હિતને ધ્યાને રાખીને દર્દીએ આરોગ્ય વિભાગને જાણ કરવી. ખાસ કરીને વિદેશથી પરત આવેલા લોકો પોતાના આરોગ્ય અંગે સજાગ રહે અને જો કોઈ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરે તેવી અપીલ છે.
મ્યુ.કમિશનરે ક્વોરોન્ટાઇન ફેસેલિટીની મુલાકાત લીધી, ૧૭ લોકો માટે કિચન શરૂ, ટીવીની વ્યવસ્થા પણ કરાશે
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આજે પથિક આશ્રમમાં ઉભા કરાયેલા ક્વોરોન્ટાઇન ફેસેલિટી સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ૧૭ લોકોના હાલચાલ પૂછ્યા હતા. આ મુલાકાત અંગે ઉદિત અગ્રવાલે જણાવ્યું કે આ સેન્ટરમાં રાખવામાં આવેલ ૧૭ લોકો માટે કિચન પણ શરૂ કરવામાં આવ્યું છે. અને તેઓને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ અહીં પુરી પાડવામાં આવી છે. વધુમાં અહીં ટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેથી આ લોકો સરળતાથી તેઓનો સમય પસાર કરી શકે.
૨૨ ખાનગી હોસ્પિટલોમા પણ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઈ, કુલ ૧૦૮ બેડની સુવિધા
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે પીડિયુંની સાથોસાથ ૨૨ ખાનગી હોસ્પિટલોમા પણ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં કુલ ૨૯ આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ વોર્ડમાં ૧૦૮ જેટલા બેડની વ્યવસ્થા છે. જરૂર પડ્યે ખાનગી હોસ્પિટલોની પણ મદદલેવામાં આવશે.
મોલ બંધ કરવા વિચારણા, અધિકારીઓ ચર્ચા કર્યા બાદ જાહેર કરાશે નિર્ણય
રાજકોટમાં ધમધમતા મોલમાં ભારે ભીડ રહેતી હોવાથી આ મોલ બંધ કરવાની તંત્રએ વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે તેમજ બુધવારે મોલમાં ચિક્કાર ટ્રાફિક રહેતો હોય ત્યાં ભીડ એકત્રિત થવાથી કોરોનાનો ભય રહેતો હોવાથી તંત્રએ મોલ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે કલેક્ટર અને ડીડીઓ સાથે આ મામલે ચર્ચા કર્યા બાદ તેઓ નિર્ણય જાહેર કરશે.