રાજકોટમાં જંગલેશ્વરે ફરી જોખમ વધાર્યું : એક દિવસમાં ૧૧ કોરોનાગ્રસ્ત
રાજ્યમાં વધુ ૩૩૫ કોરોના પોઝિટિવ , ૨૧ના વાયરસે ભોગ લીધા
સૌરાષ્ટ્રમાં ઉના, તાલાલા તાલુકા, ગીર સોમનાથ અને જામનવરમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા : ભાવનગરમાં એકનું મોત
રાજકોટમાં ગઈ કાલે એક સાથે ૬ કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને મ્હાત આપી રજા આપતા રાજકોટ ગ્રીનઝોન તરફ વળતું હતું ત્યાં શહેરમાં હોટસ્પોટ જંગલેશ્વરે ફરી જોખમ વધારતા એક સાથે ૧૧ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. અને ગ્રામ્યમાં ઉપલેટામાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૩૩૫ પોઝિટિવ કેસ અને વધુ ૨૧ દર્દીઓના મોત નિપજ્યાનું નોંધાયું છે. આ એ સૌરાષ્ટ્રમાં વધુ ઉના, તાલાલા તાલુકા, ગીર સોમનાથ અને જામનગરમાં કોરોના સંક્રમણના વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યાની ખુશી હજુ મનાવી ના હતી ત્યાં શહેરના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરે ફરી જોખમ વધાર્યું છે. ગઈ કાલે લેવામાં આવેલા ૧૨૧ સેમ્પલમાંથી ૧૧૦ નેગેટિવ ટેસ્ટ અને ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૭૪ થઈ છે. અને બે દર્દીઓના મોત નિપજ્યા છે.
જંગલેશ્વર વિસ્તારમાં ઘણા સમયથી સેમ્પલના પરિક્ષણની સંખ્યા ઘટાડવામાં આવી હતી. પરંતુ ૧૩ દિવસ પહેલા કોરોના વાયરસના શંકાસ્પદ આધારે જંગલેશ્વરના ઘણા લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં એક જ પરિવારના પાંચ લોકો સહિત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમણમાંની સંખ્યા ૭૪ થઈ છે. એક મહિલાના સંક્રમણમાં આવેલા અન્ય દસ લોકો પણ કોરોનાની ઝપટે ચડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટમાં શહેર ગ્રીનઝોન તરફ વળી રહ્યું છે ત્યાં વધુ ૧૧ કોરોનાગ્રસ્ત નોંધાતા જોખમ વધ્યું છે.
રાજ્યમાં પણ કોરોનામાં હર રોજ ૩૦૦થી વધુ પોઝિટિવ કેસની સંખ્યા નોંધાવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઈ કાલે રાજ્યમાં ૧૪ જિલ્લામાં વધુ ૩૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજાર પાસે પહોંચવા આવી છે. જ્યારે વધુ ૧૧ દર્દીઓના કોરોનાએ ભોગ લીધા છે. જે સાથે રાજ્યમાં મૃત્યુઆંક ૫૮૭ થયો છે.
સૌરાષ્ટ્રમાં પણ ઉના, તાલાલા તાલુકા, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં પણ કોરોના વાયરસે કેસની સંખ્યામાં ભારે વધારો કરતા કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૦૦ને પાર પહોંચ્યા છે. જ્યારે આજ રોજ વધુ એક ૭૫ વર્ષના વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૮ પર પહોંચ્યો છે.
ઉપલેટામાં મુંબઈથી આવેલા યુવાનની સાથે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
ઉપલેટામાં બે માસથી આરોગ્ય વિભાગ કોરોનાં સામે જંગ લડી રહ્યું હતું. અત્યાર સુધી ઉપલેટા તાલુકામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા ન હતા. પરંતુ ગઈ કાલે મુંબઈથી આવેલા અજય રમેશભાઈ દેત્રાજા નાનમો યુવાન મુંબઈથી આવ્યા બાદ તેના સેમ્પલ મેળવી તેનો રિપોર્ટ કરાવતા કોરોના સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે યુવાનના સંપર્કમાં આવેલા અન્ય સાત વ્યક્તિઓને રાજકોટ કોરેન્ટાઇન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે. ઉપલેટમાં મુંબઈથી આવેલા યુવાનની સાથે શહેરમાં કોરોના વાયરસ પણ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. પોઝિટિવ યુવાનના પત્નિ અને અન્ય પરિવારજનોને રાજકોટ ફેસિલિટી કોરેન્ટાઇન કરી સેમ્પલ મેળવવાની પ્રક્રિયા હાથધરવામાં આવી છે.
કોરોનામુક્ત પોરબંદરમાં વધુ એક પોઝિટિવ કેસ
પોરબંદરમાં અત્યાર સુધી ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેઓને પણ કોરોનાની સારવાર સફળ નિવડતા તેમને રજા આપવામમાં આવી હતી. આ સાથે પોરબંદર જિલ્લો કોરોનામુક્ત થયો હતો. પરંતુ લોકોને વતન પરત આવવાની મંજુરી મળતા મુંબઈથી પોરબંદર પરત આવેલા આધેડને કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા રાજીવનગર વિસ્તારના આધેડ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ આધેડ સાથે તેમના પત્નિ. પુત્રી, સાળો તેમજ આધેડના મિત્ર સહિત ૪ લોકોને મીની આઇશોલેસન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. વતન પરત ફરતા લોકોની સાથે પોરબંદર જિલ્લામાં હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું ના હોવાથી લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.