ગૌરક્ષકો અને પોલીસે પાળીયાદનાં દંપતી સહિત ત્રણને પકડ્યા
શહેરનાં સંવેદનશીલ વિસ્તાર એવા જંગલેશ્વરમાં કતલખાને લઈ જવાતા ૧૩ અબોલા જીવને ગૌરક્ષકોએ પોલીસની મદદથી બચાવી લીધા હતા. પોલીસે પાળીયાદનાં દંપતી સહિત ૩ની ધરપકડ કરી અબોલા જીવને પાંજરાપોળ મોકલી આપ્યા છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા હાઈવે પરથી એક વાહનમાં ક્રુર રીતે અબોલા જીવને બાંધી કેટલાક શખ્સો શહેર તરફ કતલખાને લઈ જતા હોવાની વાવડી ગામના ગૌરક્ષક મિલનભાઈ ધર્મેશભાઈ સોલંકી અને તેમના દળનાં સભ્યોને માહિતી મળી હતી જેથી તુરંત ગૌરક્ષકોએ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી મદદ માંગી હતી. કુવાડવા પોલીસ મથકમાં જાણ થતાં પીએસઆઈ વી.પી.આહિર સહિતનાં સ્ટાફે ગત ૨૯મીનાં કુચિયાદડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી બોલેરો પિકઅપ વાન શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરતા પાછળની તરફ ક્રુર રીતે ૧૩ પાડાઓ મળી આવ્યા હતા. પોલીસે પીકઅપ વાન અને બે મહિલા સહિત ત્રણને પોલીસ મથકે લઈ જઈ પુછતાછ કરી હતી.
પુછતાછમાં ચોટીલાનાં પાળિયાદ ગામે રહેતા રાયધન હકુભાઈ સાડમિયા, તેમની પત્ની ગોવુ અને લાખણકા ગામની શોભના રમેશ ઝાખણિયાની હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ લાખણકાથી ૧૩ પાડાઓ લઈ જઈ જંગલેશ્ર્વરમાં કતલખાને વેચવા જતા હોવાની કબુલાત આપી હતી. પોલીસે મિલનભાઈની ફરિયાદ પરથી દંપતી સહિત ત્રણની ધરપકડ કરી છે જયારે ૧૩ અબોલા જીવને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે.