દેવ દિવાળી એટલે કે, કારતક સુદ-11થી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ માટે મોટાભાગની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટના માર્ગનું મરામત પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશા સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે.
પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશાસૂચક સાઈન બોર્ડ, ઠેર-ઠેર મોટી કચરા પેટી, પીવાના પાણી ટાંકીઓ મુકાઈ
જેમાં પ્લાસ્ટિક કચરો જંગલમાં ન ફેકવો, ડિટરજન્ટ કે સાબુનો ઉપયોગ કરીને કુદરતી જળ સ્ત્રોતને પ્રદૂષિત કરવું નહીં, ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું ઉપરાંત પાણી પોઈંટ કેટલા અંતરે આવેલા તેના બોર્ડ મૂકવામાં આવ્યા છે. લીલી પરિક્રમા અભયારણ્ય વિસ્તારમાં થતી હોવાથી વન્ય સૃષ્ટિ અને પ્રકૃતિની વિશેષ કાળજી લેવી આવશ્યક છે. ખાસ કરીને લાખો ભાવિકો પરિક્રમા અર્થે આવે ત્યારે કચરાનો યોગ્ય નિકાલ થાય તે ખૂબ જરૂરી છે. આ માટે પરિક્રમાના રૂટ પર ઠેર-ઠેર મોટી કચરા પેટી લગાવવામાં આવી છે.
પરિક્રમાના રૂટ ઉપર રાવટીઓ ઉભી કરવાની સાથે પાણી ટાંકીઓ મૂકવામાં આવી છે. તેમજ લાઇટ સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આમ, જિલ્લા પ્રશાસન અને વન વિભાગ દ્વારા યાત્રિકોને મુશ્કેલીઓ ન પડે તે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સંતો, મહંતોએ અધિકારીઓ સાથે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું
ગિરનાર લીલી પરિક્રમા માટે આવતા ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લા પ્રશાસન અને વન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સાધુ-સંતોએ પરિક્રમા રૂટ અને જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ભવનાથ તીર્થક્ષેત્રના હરિગિરીબાપુએ જણાવ્યું કે, 15 થી 20 લાખ ભાવિકો લીલી પરિક્રમા માટે આવશે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પરિક્રમાર્થી માટે પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. લોકો ઈમરજન્સીમાં પરિક્રમા માર્ગ પર આરોગ્ય માટે સુવિધાઓ ડોળીવાળા પણ રહેશે. આમ, તેમણે આ વર્ષની ગિરનાર લીલી પરિક્રમા અને ઐતિહાસિક અને સંકલ્પન્ય બની રહેશે. તેમ તેમણે ઉમેર્યું હતું.
મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદગીરીજી મહારાજે ગિરનારી મહારાજની પરિક્રમા કરીને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માટે ભાવિકોને આમંત્રણ પાઠવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ખૂબ સુંદર અને વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું. શનિવારે ગિરનાર લીલી પરિક્રમા રૂટના નિરીક્ષણમાં ઈન્દ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ સહિતના વિભાગના અધિકારીઓ જોડાયા હતા.