કોંગ્રેસે ગઈકાલે ત્રણ ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા બાદ આજે સત્તાવાર ઉમેદવારનું નામ જાહેર કર્યુ: ભાજપે પ્રચાર શરૂ કરી દીધો
કોર્પોરેટર પદેથી નિતીન રામાણીએ રાજીનામું આપી દેતા શહેરના વોર્ડ નં.૧૩માં ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. જેમાં ભાજપના નિતીન રામાણી અને કોંગ્રેસના નરસિંહ પટોળીયા વચ્ચે સીધો જંગ જામશે. કોંગ્રેસે ગઈકાલે ત્રણ ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા બાદ આજે પોતાના સતાવાર ઉમેદવાર તરીકે નરસિંહભાઈ પટોળીયાના નામની જાહેરાત કરી છે.
બીજી તરફ ભાજપે ગઈકાલે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યા બાદ આજે પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધું છે. વોર્ડ નં.૧૩માં એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ યોજાનારી ચુંટણી માટે ગઈકાલે વિધીવત જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા હતા.
સામાપક્ષે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે નિતીનભાઈ રામાણીના નામની જાહેરાત કરી દીધા બાદ આગામી ગુરુવારે ફોર્મ ભરશે તેવી ઘોષણા કરી હતી. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતે આજે વોર્ડ નં.૧૩ માટે કોંગ્રેસના સતાવાર ઉમેદવાર તરીકે નરસિંહભાઈ પટોળીયાના નામની જાહેરાત કરી છે.
મહાપાલિકાના ઈતિહાસમાં આજ સુધી કયારેય અપક્ષ ઉમેદવાર ચુંટાયો ન હોય વોર્ડ નં.૧૩ની પેટા ચુંટણીમાં મુખ્ય જંગ ભાજપના નિતીન રામાણી અને કોંગ્રેસના નરસિંહભાઈ પટોળીયા વચ્ચે જામશે. આગામી ૧૨મી જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૧૫મી જાન્યુઆરીના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને ૧૬મી જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
૨૭મીના રોજ સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે અને ૨૯મી જાન્યુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં.૧૩ની ચાર બેઠકો પૈકી ૩ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જયારે એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા.
હાલ મહાપાલિકામાં સતાધારી પક્ષ ભાજપનું સંખ્યાબળ ૩૯ સભ્યોનું જયારે વિપક્ષ કોંગ્રેસનું સંખ્યાબળ ૩૨ સભ્યોનું છે. વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીનું પરીણામ સતાના સમીકરણો પર કોઈ જ પ્રકારની અસર કરે તેમ નથી છતાં બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.