સાઇકલ ટુ વર્ક અપનાવવા મેયર, સ્ટે.ચેરમેન, મ્યુનિ.કમિશનર અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનનો અનુરોધ

આગામી તા.3-જુનનાં રોજ વિશ્વભરમાં “વર્લ્ડ સાઈકલ ડે” ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ શહેર પણ જન સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણની સુરક્ષા અને જાળવણીનાં સંકલ્પને વધુને વધુ  દ્રઢ બનાવવાના આ અવસર પર પોતાનું યથોચિત યોગદાન આપે તેવી અપેક્ષા સાથે રાજકોટ મહાનગરપાલિકાએ સૌ નાગરિકોને આ દિવસે પોતાની ઓફિસ વ્યવસાય સ્થળ, શાળા કોલેજ કે પછી અન્ય કોઈ કામ સબબ આવવા જવા માટે સાઈકલનો ઉપયોગ કરે તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જાહેર હાર્દિક અપીલ કરી છે.

સાઈકલનાં ઉપયોગને મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે વખતોવખત સાઈકલ રેલી / સાઈક્લોથોન જેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું રહયું છે. સાથોસાથ સાયકલનાં ઉપયોગનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્ય સારુ રહે તેવા શુભ હેતુથી સાઈકલની ખરીદી પર લોકોને રૂ.1000/-ની સબસિડી પણ આપવામાં આવી રહી છે.

વિશેષમાં, આગામી તા.3-જુનનાં રોજ વિશ્વભરમાં “વર્લ્ડ સાઈકલ ડે” રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઈકલ રેલીનું સંયુક્તરીતે આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં વધુ ને વધુ રાજકોટવાસીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે.

ભારત સરકારના પ્રતિષ્ઠિત સાયકલ ફોર ચેન્જ અભિયાનમાં રાજકોટને લેવલ-2 માં સ્થાન મળેલ છે. આ ઉપરાંત વિશ્વની પ્રતિષ્ઠિત આઇટીડીપી સંસ્થા દ્વારા શરૂ કરાયેલ ગ્લોબલ કોહોર્ટમાં ભારતના પાંચ શહેરોનો સમાવેશ કરાયેલ છે, તે પૈકી રાજકોટનો પણ સમાવેશ થયેલ છે. રાજકોટ શહેર માટે આ ગર્વની બાબત છે. શહેરીજનોના સાનુકૂળ પ્રતિસાદને કારણે જ આ બાબત શક્ય બનેલ છે.

રાજકોટ મહાનગપાલિકા દ્વ્રારા રાજકોટના શહેરીજનોને એન્ડ ટુ એન્ડ કનેક્ટીવીટી મળી રહે તે ઉદેશને ધ્યાને રાખી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત થતી આધુનિક સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ રેસકોર્ષ ખાતે શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને સાયકલ ફોર ચેન્જ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ મળેલ રૂ. 1 કરોડ ની રકમ પણ આ અગાઉ મળી ચુકી છે.

આ અગાઉ પણ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત” અભિયાન હેઠળ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સાઈકલોથોન” આયોજન કરવામાં આવેલ હતું અને એ ઇવેન્ટને રાજકોટવાસીઓનાં સાથસહકાર સાથે ભવ્ય સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.