ઉર્જા સોલંકીની તમન્ના છે કે, યોગ ક્ષેત્રમાં વિશ્વ ફલક ઉપર ભારતનું અને જૂનાગઢનું નામ રોશન કરવું છે
જૂનાગઢની યોગ ગર્લ ઉર્જા કિશોરભાઇ સોલંકીએ યોગમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી યોગમાં એમ.એ. કર્યું છે. મુળ મેંદરડાનાં અને હાલ જૂનાગઢ રહેતા ઉર્જા સોલંકીનાં પિતા કિશોરભાઇ સોલંકી શિક્ષક છે. માતા કુંદનબેન સોલંકી શિક્ષિકા છે. માતા અને પિતાની પ્રેરણાથી યોગ ક્ષેત્રે ઉર્જા સોલંકીએ અનેક સિધ્ધીઓ મેળવી છે. વર્ષ 2021માં ઉર્જા સોલંકીએ 35 મિનિટ સુધી મત્સ્યેન્દ્રાસન કરી એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
ઉર્જા સોલંકી કહે છે કે, યોગ મારો પસંદગીનો વિષય છે. શાળા કાળથી યોગ કરું છું. પરંતુ મારા માતા કુંદનબેનની તિવ્ર ઇચ્છા મને આજે અહીં સુધી ખેંચી લાવી છે. તેમજ મારી અંદરની યોગ શક્તિને જગાડવામાં માતા અને પિતાનો મહત્વનો ફાળો છે. એશિયાનો નવો રેકોર્ડ બનાવી નવી ઓળખ ઉભી કરી છે. 35 મિનીટ સુધી મત્સ્યેન્દ્રાસન કરી એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમજ નેશનલ લેવલની સ્પર્ધાઓમાં અનેક મેડલ્સ પ્રાપ્ત કર્યા છે.
હાલ હું આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં યોગ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવુ છું. હાલ યોગમાં અભ્યાસ ચાલું છે. તેમ જણાવી ઊર્જા જણાવે છે કે, મારુ ધ્યેય અહીં અટકતું નથી. મારે યોગ ક્ષેત્રમાં વિશ્વ ફલક ઉપર ભારત અને જૂનાગઢનું નામ રોશન કરવું છે.
ઉર્જા સોલંકી યોગથી દૂર ભાગતા લોકોને અનુરોધ કરે છે કે, લોકોએ નિયમીત યોગ કરવા જોઇએ. યોગથી અનેક ફાયદા થાય છે. લોકો સ્વાસ્થય સારુ બની રહે છે. નિયમીત યોગ કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. મન શાંત રહે છે. તેમજ યોગ ક્ષેત્રે પણ યુવાનો માટે અનેક તક છે. સરકાર યોગને લઇ અનેક પ્રયાસ કરે છે. અને સરકારે યુવાનો માટે નવુ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તથા યુવાનોને યોગમાં જોડી રહ્યાં છે.
જો ઉર્જા સોલંકીની યોગ ક્ષેત્રની હાંસલ કરેલી સિધ્ધીઓ પર નજર કરીએ તો, વર્ષ 2021માં મત્સ્યેન્દ્રાસનમાં એશિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો, વર્ષ 2014માં મધ્યપ્રદેશમાં યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો હતો, વર્ષ 2016માં વડોદરામાં યોજાયેલી કાયાવરોહણમાં ગુજરાત રાજય યોગાસન ચે.માં બીજો નંબર અને વર્ષ 2019માં વડોદરામાં યોજાયેલી કાયાવરોહણ ઓપન ગુજરાત યોગ ચે.માં પ્રથમ ક્રમાંક ની સાથે વર્ષ 2022માં ઓપન ગુજરાત યોગ ચે.માં બીજો ક્રમાંક મેળવ્યો હતો. તે સાથે વર્ષ 2022માં ઓપન ગુજરાત યોગ ચે.માં મિસ યોગીની ઓફ ધ ગુજરાતમાં રનઅપ તરીકે સ્થાન મેળવ્યું હતું તથા તમીલનાડુની યુનિવર્સિટી ઓફ મદ્રાસ માં તથા ગુજરાત રાજય કક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર (2016), ડેરોલ સ્ટેસન (2012), જૂનાગઢ (2015), ભાવનગર (2014) સિહોર (2013) માં પણ ઉત્તમ દેવાખ કર્યો હતો.