ચાલુ કલાસે પાન-માવા ખાઈ અભ્યાસ કરાવતા શિક્ષક સામે યોગ્ય તપાસ થાય તેવી ગ્રામજનોમાં ઉઠતી માંગ
જુનાગઢનાં વિજાપુરમાં એક શિક્ષકને ન છાજે તેવું શિક્ષણ વિભાગમાં કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી વિજાપુરની માધ્યમિક શાળાને શિક્ષણ વિભાગે એવા તો શિક્ષક બટકાવ્યા છે કે સ્થાનિક વિજાપુરનાં વર્તમાન વિદ્યાર્થીઓને આ શિક્ષક જીવનભર યાદ રહે. અપુરતા જ્ઞાનને કારણે ઓબીસી કોટામાંથી આ હાઈસ્કુલને મળેલા આ શિક્ષકને ભણાવતા તો નથી જ આવડતું પરંતુ છોકરાવને ભણાવતી વખતે પાન-મસાલા ચાવવા, ચાલુ કલાસે હાઈસ્કુલમાં ભણતી દિકરીઓના ખોટી રીતે અને એમને પુછયા વગર તેમના વિડીયો ઉતારવા તેમજ ફોટા પાડવા, કોઈ સામાજિક આગેવાન સમજાવટથી કામ કરવા તૈયાર થાય તો તેમને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપવા સહિતની કુટેવોથી ભરપુર શિક્ષણ ક્ષેત્રને ન છાજે તેવા આ શિક્ષક વિરુઘ્ધ અનેક રજુઆતો પછી પણ શિક્ષણ વિભાગનું ભેદી મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ તાબેના વિજાપુર ગામના છેલ્લા ત્રણેક વર્ષ પહેલા શિક્ષણ વિભાગમાંથી ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક તરીકે કે.આર.ડોડિયા નામના શિક્ષક મળતા માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગામનાં સ્થાનિક આગેવાનો તેમજ જેમના બાળકો હાઈસ્કુલમાં ભણતા તેમના વાલીઓ અત્યંત ખુશ થયા હતા. ધો.૧૦માં અભ્યાસ કરતા પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા તેમને હળવી થતી લાગી હતી પરંતુ આ બધી આશાઓ આ શિક્ષક કે ગણતરીના દિવસોમાં દેખાડી હતી કે તેમને જોયેલી આશાઓ ઠગારી છે. નિયમિત સ્કુલના સમયે સ્કુલમાં ન આવવું મન ફાવે તેવા સમયે ફરજ ઉપર હાજર થવું આ ઉપરાંત ફરજ દરમિયાન ભણાવતી વખતે મોઢામાં ચડાવેલા પાન-માવાઓથી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ થુક ઉડાડવા ઉપરાંત વિદ્યાર્થીઓની મરજી વિરુઘ્ધ તેમના વિડીયો રેકોર્ડીંગ કરવા ઉપરાંત ફોટા પાડવા સહિતના ગંભીર આક્ષેપો હાલ આ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ કરી રહ્યા છે. આ ઉપરાંત સૌથી મોટી વાત કહી શકાય તેવી આ શિક્ષક ભણાવવામાં સાવ ડફોળ હોય તેવા આક્ષેપો તેમની પાસે ભણતા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
હાઈસ્કુલના પ્રિન્સીપાલ પલેજા સાથે આ અંગે ચર્ચા કરતા તેમણે પણ જણાવેલું કે આ શિક્ષક અગાઉ નાલંદા સ્કુલમાં અભ્યાસ કરાવતા હોય ત્યાં પણ તેમને ફાજલ શિક્ષક તરીકે રાખવામાં આવેલ હાઈકોર્ટની લડત બાદ આ શિક્ષક અમારી સ્કુલમાં આવેલ અહીં પણ શિક્ષણ મંડળે તેમને સસ્પેન્ડ કરેલ પરંતુ નિયમો પ્રમાણે સસ્પેન્ડ ન થયેલ હોય ઉચ્ચકક્ષાએથી ફરી તેમનું સસ્પેન્શન રદ થયેલ સ્થાનિક સામાજિક આગેવાન પરેશભાઈ મોરવાડિયાએ પણ આ શિક્ષક માટે અનેક લડતો ચલાવી. તેમના કહેવા પ્રમાણે સ્થાનિક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ૩૦ થી વધુ વખત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરેલી હોવાનું તેમણે ઉચ્ચાર્યું હતું. આ ઉપરાંત સ્કુલના સ્ટાફથી લઈ સ્કુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એક પણ આ વ્યકિત એટલે કે આ શિક્ષક માટે એક શબ્દ સારો બોલવા તૈયાર નથી. ભુતકાળમાં એમને સુધારવા માટે પ્રયત્ન કરી રહેલ સ્કુલના પ્રિન્સીપાલ પલેજા તેમજ સામાજીક આગેવાન પરેશભાઈ મોરવાડીયા સામે લાંચ આપી હોવાના ગંભીર આક્ષેપો તેમણે કરેલા આની સામે શિક્ષણ વિભાગે તપાસ આદરતા આવુ કાંઈ ન બન્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીને સોગંદનામું પણ આપેલ. કુટેવોથી ભરપુર અને વિદ્યાર્થીઓને ભણાવવામાં ડબલાડુલ આ શિક્ષકથી વિદ્યાર્થીઓ સ્કુલનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીના વાલીઓ તેમજ સામાજીક આગેવાનો બધા ગળે આવ્યા છે.