માત્ર સોળ વર્ષની સગીરા બિહારના એક ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં પડી અને બાદમાં ફેસબુક ફ્રેન્ડ માટે ઘર છોડી છેક દિલ્હી સુધી પહોંચી, પરંતુ સદભાગ્યે શંકાસ્પદ હાલતમાં આ સગીરા દિલ્હી પોલીસના હાથમાં આવી હતી અને જૂનાગઢ પોલીસ આ સગીરા ને જૂનાગઢ લાવી, દીકરી જેટલું વ્હાલ કરી, સગીરાને સમજાવી, તેના માતા-પિતાને સોંપતા, નાસી ગયેલ દીકરીના માતા પિતાની ચોધાર આંસુએ રડતી આંખોમાં ખુશીની લહેર દોડી હતી.
કુમળી વયના બાળકો અને વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી બિહારના ફેસબુક ફ્રેન્ડના સંપર્કમાં આવી હતી, અને બાદમાં બિહારના પ્રેમમાં પડતાં, ઘરમાંથી જરૂરી રકમ લઇ તેના ફેસબુક ફ્રેન્ડને મળવા બિહાર જવા ઘરેથી ભાગી નીકળી ગઈ હતી. પરંતુ સદભાગ્યે આ સગીરા દિલ્હી રેલવે સ્ટેશન ખાતે શંકાસ્પદ હાલતમાં નજરે પડતાં, દિલ્હી પોલીસે આ યુવતીને પૂછપરછ કરતા સગીરા જૂનાગઢની હોવાનું જાણમાં આવ્યું હતું અને બાદમાં જુનાગઢ પોલીસને જાણ કરી હતી.
જુનાગઢ પોલીસને જાણ થતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ શેટ્ટીની સુચના બાદ ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સી પોલીસ દિલ્હી ખાતે પહોંચી હતી અને બાદમાં સગીરાને જૂનાગઢમાં લાવવામાં આવી હતી.
દિલ્હીથી સગીરાને લગાવ્યા બાદ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા બાળાને દિકરીની જે માથે હાથ ફેરવી વાત્સલ્ય સાથે અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવી સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું જણાવતા સગીરાને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને એક પોલીસ અધિકારીની વહાલભરી સલાહ સાથે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને હવે તે અભ્યાસમાં ધ્યાન આપશે તેવી ખાતરી આપી હતી.બાદમાં સગીરાને તેના માતા-પિતા સાથે મિલન કરતા છેલ્લા કેટલાય દિવસોથી દીકરીની ચિંતામાં ચોધાર આંસુએ રડતા માતા-પિતા અને પરિવારજનોની સોજી ગયેલી આંખોમાં હર્ષના આંસુ આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.