વંથલી કોર્ટે મુદતે પોલીસ જપ્તામાંથી ફરાર થયો’તો : ખુન, મારામારી, ચોરી, બળાત્કાર અને દારૂ સહિત ૧૫થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે
જુનાગઢ પંથકનાં કુખ્યાત જુસબ અલ્લારખા ડફેર ગેંગનો સાગરીત અને વંથલી કોર્ટે મુદતે પોલીસ જપ્તામાંથી ફરાર થયેલા ઈસા ડફેરને જુનાગઢ એલસીબીના સ્ટાફે વંથલી તાલુકાના નાદરખી ગામેથી દેશી બદુક સાથે ઝડપી લેતા પોલીસે રાહતનો દમ લીધો છે. પોલીસે વધુ તપાસ માટે તપાસનો ધમધમાટ આદર્યો છે.
વધુ વિગત મુજબ વંથલી તાલુકાના શાપુર ગામનો અને જુનાગઢ જિલ્લામાં જેના નામે ધાક વાગતી જુસબ અલ્લારખા ડફેરની ગેંગને સાગરીત યુસુબ ઉર્ફે ઈસો જુમા ડફેર નામનો શખ્સ અમરેલી પોલીસ જપ્તામાંથી વંથલી કોર્ટે મુદતેથી નાસીને નાદરખી ગામની સીમમાં છુપાયો હોવાની જુનાગઢ એલસીબીના પીઆઈ આર.સી.કાનમીયા અને પીએસઆઈ આર.કે.ગોહિલને મળેલી બાતમીના આધારે દરોડો પાડી ઈસા ડફેરને ઝડપી લીધો હતો. પોલીસે ઈસા ડફેર પાસેથી દેશી બંદુક, નાના-મોટા છરા અને ગન પાવડર મળી રૂપિયા ૬ હજારના મુદામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા ઈશા ડફેર વંથલીમાં મારામારી અને મેંદરડામાં ચોરીના ગુનામાં વોન્ટેડ હતો અને અગાઉ વંથલી પોલીસ મથકમાં મારામારી, દારૂ, બળાત્કાર અને ચોરી સહિત ૧૨ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.