રૂ.૭૦ લાખના રૂ.૧.૭૫ કરોડ ચૂકવી આપ્યા બાદ વ્યાજખોરોએ ઘરેણા, ફલેટ અને ડુપ્લેક્ષ લખાવી લીધા: સોની વેપારીના ભાઈનું અપહરણ કરી મારમાર્યો
જૂનાગઢના સોનાના વેપારીને ધંધામાં ખોટ જતાં ૭૦ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૭૦ લાખ મુદત તથા તેનું રૂ.૧.૭૫ કરોડ વ્યાજ ચૂકવી દીધા છતાં જૂનાગઢના વ્યાજખોરો સોનુ, ફલેટ, ડુપ્લેક્ષ જેવી સ્થાવર મિલકત લખાવી લઈ કબજે કરી લઈ વેપારીના ભાઈનું અપહરણ કરી મારમાર્યાની ૫ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરની જલારામ સોસાયટીમાં રહેતા અને છાયા બજારમાં મધુવન ગોલ્ડન નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વિનોદરાય પાટડીયાએ એપ્રીલ ૨૦૧૩માં ધંધામાં ખોટ જતાં જૂનાગઢના લખમણ ઉર્ફે બબન નાથાભાઈ રબારી, મુકેશભાઈ જીવાભાઈ કટારા પાસેથી ઉંચા વ્યાજે રૂ.૭૦ લાખ વ્યાજે લીધેલ જેનું બન્ને શખ્સોએ ૧૦ ટકા કે તેથી વધુ ટકા વ્યાજ લઈ રૂ.૭૦ લાખ મુદલ રકમ અને તેનું રૂ.૧.૭૫ કરોડ વ્યાજ પડાવી લીધું હતું.
જેમાં મુકેશભાઈ કપરાએ વ્યાજના વ્યાજ પેટે રૂ.પાંચ-પાંચ લાખના બે ચેક અને પ્રોમીસરી નોટો, ફરિયાદી વતી તેના કુટુંબીજનો પાસેથી લખાવી લીધેલ અને ૧૦ લાખનું સોનુ મળી કુલ રૂ.૨૦ લાખ વ્યાજનું વ્યાજ ગણી લીધેલ જયારે લખમણભાઈ ઉર્ફે બબન રબારીએ વ્યાજનું વ્યાજ ગણી રૂ.૧૮ લાખનો ફલેટ, રૂ.૧૨ લાખમાં લખાવી લઈ ખુટતી વ્યાજની રકમ માટે દીલાભાઈ ભગાભાઈને હવાલો આપતા તેણે ફરિયાદીનું મોટર સાયકલ બળજબરીથી લઈ જઈ સોની વેપારીના ખોડીયાર કોલોની જોશીપુરામાં આવેલ પાંચ ડુપ્લેક્ષ મકાનોનો કબજો લીલાભાઈ રબારી તથા ગોવિંદભાઈ ભારાઈને સાથે રાખીને કરી લીધેલ હતા.
આટલેથી નહીં અટકતા વ્યાજખોર લખમણભાઈ ઉર્ફે બબને દીલાભાઈ, લીલાભાઈ અને ગોવિંદભાઈને સાથે રાખીને વેપારીના ભાઈનું અપહરણ કરી લઈ જઈ વ્યાજનું વ્યાજ ગણી મિલક્ત પડાવી લેવા ગોંધી રાખી, ધોકા અને પટ્ટાથી મારકૂટ પણ કરી હતી.
છેલ્લા પાંચ વર્ષથી વ્યાજખોર લોકોના મનાસીક, શારિરીક અને આર્થિક તકલીફો અને ત્રાસથી ત્રાહિત થઈ ગયે સોની વેપારી ભાવેશભાઈ વિનોદરાય પાટડીયાએ અંતે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર લખમણ ઉર્ફે નાથાભાઈ રબારી, મુકેશભાઈ જીવાભાઈ કટારા સહિત તેમને મદદગારી કરનાર દીલાભાઈ ભગાભાઈ રબારી, લીલોભાઈ રબારી અને ગોવિંદભાઈ રબારી સામે નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.