ધારાસભ્ય જવાહર ચાવડાના ઓઝત બચાવો અભિયાનને સફળતા: પ્રજાજનોએ અભિનંદન પાઠવવાની સાથે ડુંગરપુર- બિલખા પંથક સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરી અટકાવવા માંગણી કરી
જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા અમુક સમયથી બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. આ ચોરીને અટકાવવા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ તાજેતરમાં ઓઝત બચાવો અભિયાનથી ખનીજ માફીયાઓ સામે રીતસર રણસીંગુ ફુંકયુ હતું ધારાસભ્યની આ લડાઇના પગલે ગ્રામ્ય વિસ્તારની આ પ્રજામાં ઠેર ઠેર અભિનંદનનો વરસાદ થયો હતો. સાથે સાથે આ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાંથી પણ થતી બેફામ ખનીજ ચોરી સામે પણ ધારાસભ્ય ઘ્યાન આપે તેવી ગ્રામ્ય પ્રજાઓમાંથી લાગણી તેમજ માંગણી ઉઠવા પામી છે.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ તેમજ સોરઠ પંથકની જીવાદોરીમાંની એક ઓઝત નદી ખનીજ માફીયાઓના કબજામાં હતી અને ખાણ ખનીજ વિભાગ આ લોકોના રામુના રોલમાં હતો. ત્યારે આ વિસ્તારની ગ્રામ્ય પ્રજાની વ્હારે ચડી જવાહર ચાવડાએ ઓઝત બચાવો અભિયાન શરુ કરતા ગ્રામ્ય પંથકમાંથી ધારાસભ્ય માટે આભાર સાથે અભિનંદનની વર્ષા થઇ હતી.
ઓઝત નદીમાં લીઝ કરતાં વધુ પ્રમાણમાં ખનીજ ચોરી કરી સંપતિને લુંટનારને ખાણ ખનીજ વિભાગે ‚ા ૯૮ લાખ નો દંડ ફટકાર્યો હતો. ઓઝત બચાવ અભિયાન શરુ કરનાર જવાહર ચાવડાની આ કામગીરીને પણ ગ્રામજનોએ બિરદાવી હતી ઓઝત નદીમાં ચાલતી બેફામ ખનીજ ચોરી સામે માણાવદર ના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ અભિયાન શરુ કર્યુ હતું અને અહીં થતુ ગેકાયદેસ ખનન બંધ કરાવવા અને જવાબદાર સામે પગલા ભરવા અધિકારીઓ અને પદાધિકારીઓને જણાવ્યું હતું.
આ અભિયાનને પગલે અધિકારીઓએ તપાસ આદરી હતી અને કણઝા ગામે ખાતે લીઝ કરતાં અનેક ગણી રેતી એટલે કે ૧૬૪૫૩૭ ટન રેતી માફીયાઓએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે આ લીઝ ધારકોને ‚ા ૯૮ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડની રકમ ભરવામાં વિલંબ કરનારને એક વર્ષની જેલની સજા અને ફોજદારી કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ઓઝત બનાવવા નીકળેલા જવાહરભાઇ ચાવડાને ખુબ ખુબ અભિનંદન ગ્રામજનોએ પાઠવ્યા હતા.
સાથે સાથે જુનાગઢ અને સોરઠ પંથકના અત્ય વિસ્તારોમાં પણ થતી ખનીજ ચોરી સામે ઘ્યાન આપવા આ વિસ્તારની ગ્રામ્યપ્રજાએ લાગણી સાથે માંગણી વ્યકત કરી હતી બિલખા પંથકમાં આવેલ નદી તેમજ ડેમમાંથી બેફામ ખનીજની ઉઠાંતરી થઇ રહી છે ત્યારે અમુક રાજકીય આગેવાનોની ઓથ તળે ચાલતી આ ચોરીઓનો પર્દાફાશ કરી આવા તત્વોને ઉઘાડા પાડી કહ્યાગરાના રોલમાં કામ કરતા ખનીજ ખાતાને ઢંઢોળી આ વિસ્તારમાં પણ આવી જ કંઇક કામગીરી થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.