જૂનાગઢથી ભેસાણ રોડ પર ફાર્મ હાઉસ જતાં નડયો જીવલેણ અકસ્માત: ભાજપ અગ્રણીઓ હોસ્િપટલ દોડી ગયા: વકીલોએ શોકાજંલી આપવા કાર્યવાહીથી અલિપ્ત રહેશે
જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ મેયરની કાર દેરવાણ ચોકડી પાસે ટ્રક સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ મેયરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તેમના પત્નીને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જૂનાગઢના પૂર્વ મેયર અને એડવોકેટ જીતુભાઇ હીરપરા પોતાની પત્ની ભાવનાબેન સાથે ભેસાણ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ખાતે કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે દેરવાણ ચોકડી પાસે ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા જીતુભાઇ હીરપરાનું ઘટના સ્થળે મોત નીપજ્યાની રાજકીય અગ્રણીઓને જાણ થતા તેઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયા હતા.
મુળ વલાડ ગામના વતની અને વર્ષો જૂનાગઢ સ્થાયી થઇ વકીલાતનો વ્યવસાય કરતા જીતુભાઇ વલ્લભભાઇ હીરપરા જી.જે.૧૧એબી. ૧૫૪૬ નંબરની કાર લઇને પત્ની ભાવનાબેન સાથે ભેસાણ રોડ પર આવેલા ફાર્મ હાઉસ પર જવા વહેલી સવારે નીકળ્યા હતા. કાર દેરવાણ ચોકડી પાસે પહોચી ત્યારે પુર ઝડપે ઘસી આવેલા જી.જે.૧ટી. ૬૯૮૧ નંબરના ચણા ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જીતુભાઇ હીરપરાનું પુસ્કર લોહી વહી જતા મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ભાવનાબેનની હાલત ગંભીર હોવાથી જૂનાગઢ હોસ્પિટલથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા જૂનાગઢ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે. જૂનાગઢના રાજકીય આગેવાન અને વકીલો ઘટના સ્થળે પહોચી ગયા હતા. મૃતક જીતુભાઇ હીરપરા એડવોકેટ હોવાથી જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા તેઓને શોકાજંલી આપવા કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહેવાનો ઠરાવ કર્યો છે.
મૃતક જીતુભાઇ હીરપરા જૂનાગઢ મહાપાલિકના મેયર તરીકે રહી ચુકયા છે. તેમજ તેઓ ભાજપ અને સંઘના સનિષ્ટ કાર્યકર હોવાથી રાજકીય નેતાઓ દ્વારા તેમના પરિવારને દિલોસોજી પાઠવી હતી.
મૃતક જીતુભાઇ હીરપરાના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે.