સંત અને સુરાની ધરા પર ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાયો: ગુરુપુજન અર્થે ભાવિકોનો મહાસાગર ઉમટયો.
જુનાગઢ આદિ-અનાદિ કાળથી હજારો વર્ષ પહેલા જુની વેદ વ્યાસે શરૂ કરેલ ગુરુપુજનની પરંપરાનું વર્તમાન સમયમાં હિન્દુ ધર્મમાં અને મહત્વ છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનનો પ્રકાશ આપી જીવનને તારનાર ભગવાનથી પણ જેને એક ડગલું આગળ ગણી શકાય અને ખુદ ભગવાનને પોતાના સહશરીર અવતાર વખતે જેની જરૂર પડી હતી તેવા ગુરૂનો દિવસ, ગુરુ પુજવાનો દિવસ અને ગુરુને માણવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા ગઈકાલે ભવનાથ તીર્થક્ષેત્ર ગુરુ રંગમાં રંગાયું હતું. લાખો ભાવિક ભકતો વિદેશ અને દેશના ખુણે-ખુણેથી ગુરૂ પુજન માટે આવ્યા હતા. આખાય તીર્થક્ષેત્રની દરેક જગ્યાઓમાં ભજન ભકિતના રંગ સાથે ધુમાડાબંધ ભાવતા ભોજનના ભંડારા શરૂ કરાયા હતા.આ અંગે વધુ વિગત અનુસાર ગુરુપૂર્ણિમાના મહાત્મયને લઈ મોટો માનવ સમુહ ગઈકાલે ભવનાથ તીર્થક્ષેત્રમાં ભાવવિભોર થયો હતો. જુનાગઢ ભવનાથ તેમજ ગીરનાર મંડળના અનેક સાધુ-સંતોએ પોતાના ગુરુઓનું તેમજ ગુરુ ન હોય તેણે તેમની ચરણપાદુકાનું પુજન કર્યું હતું. પ.પૂ.તનસુખગીરીબાપુ (મોટા પીરબાવા) ભીડભંજન મહાદેવ ખાતે ભકતોએ ગુરુવંદના કરી હતી. દિવસભર ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા હતા. રામ ટેકરી કિસનદાસબાપુની આગેવાનીમાં દિવસભર રામટેકરી ખાતે પુજન અર્ચનના કાર્યક્રમોના આયોજન થયા હતા. ગિરનારના ૩૦ પગથિયા પર ત્રિગુણેશ્ર્વર મહાદેવ મંદિર સંતશ્રી રામગીરીબાપુના સાનિઘ્યમાં દરેક યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા દિવસભર માટે રખાઈ હતી.
ભવનાથ તીર્થક્ષેત્રમાં જેનું અદકે સ્થાન છે તેવા શેરનાથબાપુના ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે ભકતોનો સમુહ કીડીયારાની માફક ઉભરાયો હતો. લાલ સ્વામીની જગ્યા ખાતે હરીગીરી મહારાજની સીધી દેખરેખ નીચે કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર એક પંગતે મોટામાનવ સમુદાયે પ્રસાદ લીધો હતો. દામોદરકુંડ ફલાફારી બાપુની જગ્યા ખાતે ભકતોના મોટા સમુહ દ્વારા ભગવાન ગોવધનનાથનું સાંડષોપચાર વેદોકત મંત્રોથી પુજન અર્ચન કરી પૂ.અનિરૂઘ્ધદાસજીના સાનિઘ્યમાં ધુમાડાબઘ્ધ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સામવેદ સંસ્કૃત પાઠશાળા ખાતે ગુરુ શ્રી કમલકાંતજી તેમજ ગુરુ ચેતન મહારાજ શુકલના સાનિઘ્યમાં વેદપાઠથી વિદ્યાર્થીઓએ દિવસભર વેદ મંત્રોના પાઠથી વાતાવરણ પુલકિત કરી દીધું હતું. ગુરુપૂર્ણિમાની દિવસભર અનેક ધાર્મિક જગ્યાઓમાં જય ગીરનારી, જય ગુરુદત, આદેશ સહિતના જયઘોષ સાથે અલગ અલગ જગ્યાઓમાં વેદમંત્રોનો ગુંજારવ દિવસભર રહ્યો હતો.