નજીવી બાબતે યુવાનને પોતાના જ મકાનમાં છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
જૂનાગઢમાં ઘરમાં જઈ, બોલાચાલી કરીને, યુવાનની છરીના ઘા જીકી દઈ, હત્યા કરી, ફરાર થઈ જનાર જૂનાગઢ મનપાના ભાજપના કોર્પોરેટરના પુત્રને પોલીસે થાણા પીપળી ગામેથી ઝડપી લીધો હતો.
શહેરના આંબેડકર નગરમાં રહેતા જયેશ ઉગાભાઇ પાતર (ઉ. વ. 26) ની જૂનાગઢના વોર્ડ નં. 15 ના ભાજપના કોર્પોરેટર જીવાભાઈ સોલંકીના પુત્ર હરેશે શરીરના ઘા જીકી હત્યા કરી નાખી હતી. જે અંગે મૃતકની માતાએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી મંજુલાબેન એ જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર જયેશે રાત્રે ગરબીમાં આરતી ઉતારવા માટે ચઢાવો કર્યો હતો, અને બાદમાં હત્યાનો ભોગ બનનાર જયેશ, હરેશ જીવાભાઇ સોલંકી, વિવેક ઉર્ફે ટકો વાળા તથા કિશોર સહિતના લોકો જયેશના ઘરમાં ગયા હતા અને થોડીવારમાં જયેશના ઘરમાંથી બોલાચાલી અને રાડા રાડીનો અવાજ આવ્યો હતો. અને બાદમાં મરણ જનાર જયેશ પેટ પર હાથ રાખીને ઘરમાંથી બહાર આવ્યો હતો. અને તે દરમિયાન તેની માતા મંજુલાબેન તેને સામે મળતા જયેશે પેટ પર હાથ રાખી કહ્યું હતું કે, 108 ને બોલાવો, મને હરેશ જીવા સોલંકી એ છરી મારી દીધી છે. આમ કહેતા જ જયેશ દુકાનની સામેની ગલીમાં જઈને પડી ગયો હતો. અને તે લોહી લુહાણ થઈ ગયો હતો તથા તેના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા.
ફરિયાદમાં મૃતકની માતા મંજુલાબેને વધુમાં જણાવ્યું છે કે, જૂનાગઢના ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ જીવાભાઇ સોલંકી એ તેના પુત્ર જયેશને છાતી, પેટ, વાંસા અને હાથમાં આડેધડ છરીના જીકી દીધા હતા. જેના કારણે તેના પુત્ર જયેશને તાત્કાલિક રિક્ષામાં લઈને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ફરિયાદના આધારે જૂનાગઢના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એલસીબી, એસઓજી, જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મીઓની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને હત્યાના આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ અને શોધ આદરવામાં આવી હતી. જે દરમિયાનના પોલીસે હત્યાના આરોપ આરોપી હરેશને થાણા પીપળી ગામેથી ઝડપી લીધા હોવાનું એસપી રવિ તેજા વાસમ શેટીએ જણાવ્યું હતું.