સરગવાડાની પાણી સમસ્યા મુદે  કોર્પોરેશનના પટાંગણમાં લેવાયા છાજીયા

જુનાગઢ મનપા સામે ગઈકાલે બે વોર્ડની મહિલાઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. હાઉસિંગ બોર્ડ કોલોનીમાં ગંદકી મુદ્દે મહિલાઓ અને કિન્નરોએ ચક્કાજામ કરી, “નીંભર નેતાઓ હાય હાય” ના નારા લગાવ્યા હતા. તો સરગવાડા ગામની મહિલાઓએ પાણી મુદ્દે મનપા કચેરી ખાતે હોબાળો મચાવી ધરણા પર બેસી ગયા હતા.

જૂનાગઢમાં હજુ ઉનાળાની સાચી ઝલક પણ જોવા મળી નથી. ત્યારે જ વોર્ડ નંબર 1 માંથી પાણીના પોકારો ઉઠવા પામ્યા છે. ગઈકાલે સરગવાડા વિસ્તારની 50 જેટલી મહિલાઓ ધૂમ ધખતા તાપમાં મનપા કચેરી ખાતે પહોંચી હતી. અને રોષ ભેર ધરણા પર બેસી ગઈ હતી. મહિલાઓના જણાવ્યા મુજબ ટેક્સ ભરવા છતાં મનપા દ્વારા તેમના વોર્ડમાં પાણી સહિતની પૂરતી સુવિધાઓ મળતી નથી. અમારા વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી આવતું નથી અને માલઢોર પણ પાણી વગર તરસે રહે છે. આ માટે કોર્પોરેટરને પણ રજૂઆત કરી છતાં નીવાડો આવતો નથી. ત્યારે આજે કચેરી આવીને અમારે ધરણા પર બેસવું પડ્યું છે.

બીજી બાજુ જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે દસકાઓ થઈ ગયા છતાં હજુ જુનાગઢ શહેરમાં આવેલ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો ખૂબ જ અભાવ છે. અને શહેરની મધ્યમાં આવેલ હાઉસિંગ સોસાયટીમાં ખુલા ગટરના જોખમી ખાડાઓની સાથે માથાફોડ ગંદકીનું સામ્રાજ્ય છે. જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં મનપા દ્વારા કોઈ નકર કાર્યવાહી કરવામાં ન આવતા ગઈકાલે હાઉસિંગ બોર્ડની મહિલાઓ તથા કિન્નરો રોડ ઉપર આવી ગયા હતા અને ચકાજામ કરી નીંભર નેતાઓ હાય હાય ના નારા લગાવ્યા હતા. તે સાથે તેમનો પ્રશ્ન હલ નહીં થાય તો મનપા કચેરી ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.