જુનાગઢના ચોકી (સોરઠ) પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ક્વાર્ટરમાં એક પ્રેમાંધ યુવકે છરી સાથે કવાર્ટરમાં ઘૂસી જઈ, તારા લીધે અમારો પ્રેમ સંબંધ તૂટ્યો હોવાનું કહી મહિલા તબીબો ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી, વચ્ચે પડેલ લેક્ચરર પ્રેમિકાને પણ છરીના છરકા મારી દેતા સનસનાટી મચી જવા પામી હતી. જો કે, આ બાબતે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ દ્વારા વડોદરાના આરોપી શખ્સની શોધખોળ હાથ ધરી છે.
બંને હાથમાં છરી સાથે ઘસી આવેલા વડોદરાના શખ્સે તારા કારણે જ અમારો પ્રેમ સંબંધ તુટી ગયો’ કહી હુમલો કર્યો
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના યુવક ઇન્દ્રજીતસિંહ દિલીપસિંહ રાણા ગત તા. 8 ના વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં જુનાગઢ નજીકના ચોકી સોરઠ ખાતે આવેલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના એક ક્વાર્ટરની બાલ્કનીમાં છુપાઈ ગયેલ અને બાદમાં મહિલા તબીબ એવા મોરબીના ડો. નિશાબેન કાનાણી એ દરવાજો ખોલતા તે રૂમમાં ઘૂસી ગયો હતો અને “તારા લીધે અમારા પ્રેમ સંબંધ તૂટી ગયા છે તને તો આજે મારી નાખવી છે” તેમ કહી બંને હાથમાં રહેલી છરી વડે હુમલો કરી મહિલા તબીબ નિશાબેન કાનાણીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે દરમિયાન નિશાબેને રાડારાડી કરી મુકતા રૂમમાં સૂતેલ લેક્ચરર રોશનીબેન જાગી જતા તેઓ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ છરીના છરાકા મારી ઇજા પહોંચાડી ઈન્દ્રજીતસિંહ નાસી છૂટ્યો હતો. જે અંગે મહિલા તબીબ નિશાબેન કાનાણીએ જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવવા અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મોરબીના રહેવાસી એવા ડો. નિશાબેન કાનાણી ચોકી સોરઠ ખાતે સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. અને તેમની સાથે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં લેક્ચર તરીકે ફરજ બજાવતા રોશનીબેન હાડપતી છેલ્લા ત્રણેક મહિનાથી રહેવા આવ્યા હતા. ત્યારે મહિલા લેક્ચરરના પ્રેમી ઇન્દ્રજીતસિંહ દિલીપસિંહ રાણા વડોદરા ખાતે રહેતા હોય, અને છેલ્લા એક મહિનાથી બંને વચ્ચે કોઈ કારણોસર સંબંધ ન રહેતા વાતચીત બંધ થઈ ગઈ હતી. ત્યારે મહિલા તબીબાના કારણે તેનો પ્રેમ સંબંધ તૂટ્યો હોય તેવુ આરોપીને લાગતા આ હુમલો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
દરમિયાન જુનાગઢ તાલુકા પોલીસમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વડોદરાના ઈન્દ્રજીતસિંહ રાણાની શોધખોડ હાથ ધરી છે.~