શિવરાત્રીના મેળાને લઘુ કુંભનો દરજજો અપાયો છે, મેળો આમ જન અને જનજનનો છે છતાં અમુક કહેવાતા સાધુસંતો ગીરનારની અસ્મિતાને લાંછન લાગે તેવા કાર્યો કરતા હોવાની ચર્ચા

શિવરાત્રીના લઘુકુંભ મેળાની ગ્રાન્ટ વીઆઈપી કલ્ચર માટે વેડફાશે તો ઉતારા અને અન્નક્ષેત્રો બંધ કરી દેવાની ધગધગતી ચીમકી

સંતોની પાવન ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો યોજાય છે જેને રાજય સરકાર દ્વારા મીની કુંભમેળાનો દરજજો આપવામાં આવ્યો છે. ગુજરાતની શાન ગણાતા આ શિવરાત્રીના મેળાને ચાર ચાંદ લાગે તે માટે રાજય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

આમ જન અને જન-જનના મેળામાં યાત્રિકોની સુવિધા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાના બદલે વહિવટીતંત્ર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ વીઆઈપી કલ્ચર પાછળ વેડફી નાખવામાં આવતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અમુક કહેવાતા સાધુ-સંતો પણ ગિરનારની પાવન અસ્મિતાને લાંછન લાગે તેવા કાર્યો કરતા હોવાથી ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે જો લઘુકુંભ મેળાની ગ્રાન્ટ વીઆઈપીઓની સગવડતા માટે વેડફી નાખવામાં આવશે તો ઉતારા અને અન્નક્ષેત્ર બંધ કરી દેવામાં આવશે તેવી ધગધગતી ચીમકી મંડળો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

જુનાગઢમાં દર વર્ષે ગરવા ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનું અલગ જ મહાત્મય છે છતાં છેલ્લા ઘણા વર્ષોથી બની બેઠેલા સાધુ-સંતોની કાર્યશૈલી મેળાની ગરીમા અને ગિરનારની અસ્મિતાને લાંછન લાગે તેવું કામ કરી રહ્યા છે. લઘુકુંભ મેળો યાત્રિકો માટે સગવડતાભર્યો બની રહે તે માટે રાજય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટની દર વર્ષે ફાળવણી કરવામાં આવે છે.

પરંતુ વહિવટીતંત્ર આ ગ્રાન્ટ ભાવિકોની સુવિધામાં વધારો કરવાને બદલે વીઆઈપી લોકોને સગવડતા આપવા માટે વેડફી નાખતા હોય છે. લઘુકુંભ મેળો એ સાધુ-સંતો કે વીઆઈપીનો નહીં પરંતુ આમ જનતા અને જન-જનનો છે છતાં અમુક લોકોને જ મેળામાં મહત્વ આપવામાં આવે છે જેનાથી મેળો ખરેખર શોભે ઉઠી છે અને દીપી ઉઠે છે તેવા સામાન્ય લોકોને લઘુકુંભ મેળામાં અગવડતાથી વિશેષ કશું જ મળતું નથી. બીજી તરફ કહેવાતા સાધુ-સંતો અને વીઆઈપીઓ મેળામાંથી લાખો રૂપિયાની મલાય તારવી લેતા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

પરંપરાગત મહાશિવરાત્રી મેળાને સરકાર દ્વારા લઘુ કુંભ મેળાનો દરજજો મળી ગયો છે અને આ મેળા માટે સરકારે ‚પિયા ૧૫ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી આપી છે ત્યારે આ ગ્રાન્ટ તાયફાઓ અને વીવીઆઈપી લોકોમાં વપરાતી દેખાતા જ્ઞાતી, સમાજ અને ટ્રસ્ટોના ઉતારા મંડળે આક્ષેપ સાથે ગ્રાન્ટને લોકહિત અને ઉતારા અન્નક્ષેત્રોની સગવળતા માટે વાપરવા અનુરોધ કર્યો હતો. તેમજ જો આ પ્રમાણે નહીં થાય તો ઉતારા અન્નક્ષેત્રો મેળા દરમ્યાન બંધ રાખવા ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર લગભગ છેલ્લા ચાર વર્ષ જેટલા સમયગાળાથી લગાતાર પરંપરાગત આયોજીત મહાશિવરાત્રી મેળાને લઘુ કુંભ મેળાનો દરજજો આપી તેમને ગ્રાન્ટ ફાળવવા માંગ કરાતી હતી. આ વર્ષે સરકાર દ્વારા મહાશિવરાત્રી મેળાને લઘુ કુંભ મેળાનો દરજજો આપી ૧૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રવર્તી જવા પામી હતી ત્યારે જ્ઞાતી સમાજ અને ટ્રસ્ટીના ઉતારા મંડળના ભાવેશ વેકરીયા દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ બિનઆયોજન રીતે ખર્ચ થઈ રહી હોવાની વાત ઉચ્ચારી છે.

આ ગ્રાન્ટમાંથી ફકત વીવીઆઈપી લોકોની સગવડતા જ સચવાતી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, મંડળે માંગ લોકહિત તેમજ અન્નક્ષેત્રો અને ઉતારાની સગવડતા માટે વપરાય તેવી તેમની માંગણી હતી ત્યારે તેનાથી વિપરીત આયોજનો થઈ રહ્યા છે. સરકારમાંથી આવેલ ગ્રાન્ટથી લોકહિતના કાર્યો થાય પ્રજાની સગવડતા માટેના કાર્યો થાય તે અત્યંત જ‚રી છે અને જો આવું નહીં થાય તો દાયકાઓથી ચાલતા ઉતારા અન્નક્ષેત્રો બંધ રહેશે તેમજ આનાથી જે કાઈ અવ્યવસ્થા સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી વહિવટીતંત્ર તેમજ સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.