જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓના કોઈ ઠેકાણા ન હોવાથી એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી દ્વારા સત્વરે પરીક્ષાનું આયોજન કરવામાં આવે તે માટે કુલપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. તેમજ સત્વરે પરીક્ષાનો નિર્ણય નહી લેવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઇ છે.
એબીવીપીના કાર્યકર્તાઓએ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે, કોરોનાના કારણે સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને થયું છે. ઓનલાઇન અભ્યાસ કરી માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓને બહારની પ્રોફેશ્નલ ઇન્સ્ટિટ્યુટ સ્વિકારશે કે કેમ તે સવાલ પણ છાત્રોને સતાવી રહ્યો છે. અને યુનિ. સંલગ્ન કોલેજોની શિક્ષણ વ્યવસ્થા પણ સાવ ખોરવાય ગઈ છે.
એબીવીપીના જણાવ્યા અનુસાર દરેક યુનિવર્સિટી દ્વારા યુજીના અંતિમ વર્ષની અને પીજીની પરીક્ષાનું આયોજન થઈ ગયું છે. પરંતુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા હજુ સુધી પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે સત્વરે પરીક્ષા અંગેનું આયોજન કરવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે અને બાદમાં ઉભી થનાર પરીસ્થિતીની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેવી એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ચિમકી પણ ઉચ્ચારાઇ છે.