જુનાગઢ : કાલ થી શરુ થયેલ પિતૃપક્ષમાં પિતૃઓની શાંતિ માટે અર્પણ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને મળે છે. તેમજ હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વર્ણન ગ્રંથો અને ઉપનીષદોમાં કરવામાં આવ્યું છે. પિંડનું દાન કરવું અને પિતૃઓને તૃપ્ત કરવા ખૂબ જ જરૂરી છે. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. ત્યારે આ પૂજન અર્ચન કઈ રીતે કરવું જોઈએ પિતૃઓના મોક્ષાર્થે કઈ રીતે પૂજા કરી શકાય છે અને તેની પાછળ પણ શું મહત્વ છે તે સમગ્ર બાબતોની જાણકારી જૂનાગઢના પ્રખ્યાત કથાકાર અને બ્રાહ્મણ એવા ઉત્સવભાઈ ખંભોળજાએ આપી હતી….
આવો જાણીએ શું છે આ પર્વનું મહત્વ
ઉત્સવભાઈ ખંભોળજાએ જણાવ્યું હતું કે પિતૃ તર્પણ નો અનેરો મહિમા એટલે શ્રાદ્ધ….શ્રાદ્ધ નો અનેરો મહિમા છે. પિતૃઓના મોક્ષાર્થે પૂજા કરવાનું અનેરુ મહત્વ આ ભાદરવા માસમાં કહેવામાં આવ્યું છે. સંસ્કૃત ની અંદર શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જે શ્રદ્ધા દ્વારા આપવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય… તે દ્રવ્ય હોય પૂજા હોય કે વિધિ હોય.. શ્રાદ્ધમાં મુખ્ય વસ્તુ પિતૃઓની પૂજા અને પિતૃઓનું તર્પણ હોય છે. આ સાથે બ્રાહ્મણ ભોજનનું પણ વિશેષ મહત્વ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું જે પિતૃ તર્પણ સમયે હાથમાં કુશની વીંટી પહેરી પિતૃઓ દ્વારા स्वधा , स्वधा …. इदम धरम तस्मयि स्वधा नम: બોલી અને જળ અર્પણ કરવાનું રહે છે. આ કુશ વાળા ઝડપી પિતૃઓ ને જળ અર્પણ કરવાનું થતું હોય છે.
ઉપરાંત તેઓ એ જણાવ્યું હતું કે પુરાણોમાં જે દિવસે પિતૃઓની તિથિ હોય તે દિવસે શ્રાદ્ધ કરવાનો મહિમા બતાવેલો છે. તેમાં પણ જો કદાચ કોઈ અકસ્માત , દાઝીને , ડૂબીને અથવા કોઈપણ એવી રીતે મૃત્યુ થયું હોય જે આકસ્મિક હોય તો તેના માટે ચૌદસ ની તિથિ નક્કી કરવામાં આવી છે. અને જો કોઈને ખ્યાલ નથી કે તેના પિતૃ નું નિધન ક્યારે થયું તો તેના માટે ગ્રંથોમાં અમાસનો દિવસ વિશેષ માનવામાં આવે છે. આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે જે પણ વ્યક્તિ પોતાના પિતૃ નિમિત્ત શ્રાદ્ધ કરે છે એમને પિતૃઓ પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપે છે તેવું ગ્રંથોમાં ઉલ્લેખ છે
આ સાથે તેઓએ વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, બ્રહ્મ પુરાણમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં યમરાજ દરેક પિતૃઓને ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં એટલે કે વદમાં 15 દિવસ માટે યમલોક માંથી મુક્ત કરી અને પૃથ્વી લોક પર પોતાના પરિવાર દ્વારા શ્રાદ્ધ અથવા વિધિ કરવામાં આવે તેના સ્વીકાર માટે મુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત લોભ થી , મોહથી કે ભયથી કોઈ વ્યક્તિ પિતૃ નિમિત શ્રાદ્ધ કરતો નથી તો તેના પિતૃઓ નારાજ થાય છે અને શ્રાપ આપે છે કદાચ તેને જ પિતૃદોષ કહેવાય તેવું ઉત્સવ ભાઈ ખંભોળજા એ જણાવ્યું હતું
શ્રાદ્ધ કરવાથી શું થાય છે ફાયદા
આ અંગે વાત ઉત્સવભાઈ ખંભોળજાએ જણાવ્યું હતું કે, શ્રાદ્ધ કરવાથી થતા ફાયદા વિશે ઉત્સવભાઈ જણાવે છે કે ગરુડ પુરાણમાં આ વિશે એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જે પિતૃ તર્પણ કરે છે તેમને આયુ, પુત્ર, સુખ , બળ અને ધન વગેરે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેમને પ્રાપ્ત થાય છે.
ચોખાના લોટના પિંડનું કરવામાં આવે છે દાન
આ વિશે વાત કરતા તેઓએ ઉમેર્યું હતું કે ચોખાના લોટના પીંડનું દાન કરવાનું વિશેષ મહત્વ શ્રાદ્ધ નિમિત્તે રહેલું છે. આ પિંડની અંદર પિતૃઓનું આવાહન કરવામાં આવે છે, આ પિંડ જ્યારે બને ત્યારે તેની અંદર ઘી મધ અને થોડી એવી સાકર પધરાવવામાં આવે અને તેનો પિંડ બને છે. આ પિંડ પર અલગ અલગ પ્રકારના દ્રવ્ય ચડે અને પિતૃઓનું આવાહન થાય છે…
ચિરાગ રાજ્યગુરુ
અસ્વીકરણ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.