બન્ને ભાઇઓ પર ફાયરીંગ કરી લાકડી વડે માર મારતા સારવારમાં ખસેડાયેલ: બન્ને શખ્સો વિરૂઘ્ધ હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
બન્ને શખ્સો વિરૂઘ્ધ 2019માં ખંડણી માંગી ધમકી આપતા ફરીયાદ નોંધાય હતી
જૂનાગઢના સરગવાડા ગામે ખેતીની જમીન પચાવી પાડવાના ઇરાદે બે ભાઈઓએ શાસ્ત્રો સાથે ઘસી જઈ, જમીનના માલિકને માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડી તેના ભાઈ ઉપર બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દેતા, જૂનાગઢ પંથકમાં ચકચાર મચી પામી છે. તો બીજી બાજુ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ સરગવાડા ગામના અને હાલમાં હીરપરા વાડી, ધોરાજી ખાતે રહી, જેતપુર હાઇવે ઉપર મધુર ફૂડ ઝોન નામે હોટલ ધરાવતા અને ખેતી કરતા શંભુભાઇ કરમશીભાઇ ચોવટીયા (ઉ.વ.58) ની માલીકીની જમીન સરગવાડા ગામે આવેલી છે, તે વાડીએ ગઈ તા.11/03/23 સાંજના 7 વાગ્યાના આરસામા શંભુભાઇ તેમજ તેમના ભાઈ ગોપાલભાઈ કામકાજ પુરૂ કરી ઘરે જતા હતા, દરમ્યાન આ જમીન ઉપર કબ્જો કરવા તેમજ ખંડણીના પૈસા પડાવવા માંગતા સરગવાડા ગામના જીતુભાઇ નારૂભાઇ બઢ તથા જયદીપભાઇ નારૂભાઇ બઢ બુલેટ લઈને પહોંચ્યા હતા. અને બન્ને આરોપીઓએ લાકડીઓ તથા અગ્નીશસ્ત્ર હથીયાર સાથે રાખી, જમીનમા ગુનો કરવાના ઇરાદે, આ જમીન ઉપર નહી આવવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી, શંભુભાઈને મારી નાખવાના ઇરાદે આડેધડ મુંઢ માર મારી, લાકડી વડે માથામા તથા હાથમાં જીવલેણ લોહીયાળ ઇજાઓ કરી હતી.
આ દરમિયાન શંભુભાઈને છોડાવવા તેમનો ભાઈ ગોપાલ આવતા તેમને પણ મારી નાખવાના ઇરાદે આરોપી જયદીપભાઇ બઢ પાસે રહેલ અગ્નીશસ્ત્ર બંધુકથી ગોપાલ ઉપર બે થી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જો કે, ફાયરીંગથી સદનશીબે કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ બન્ને આરોપીઓએ સાહેદને લાકડીઓ વડે શરીરે માર મારી, હાથમા લોહીયાળ ઇજા કરી દીધી હતી. તેવા સમયે પોલીસ આવી તેવી રાડો પાડતા બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. આ હુમલા બાદ શંભુભાઇ કરમશીભાઇ ચોવટીયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.