પોલીસે નાકાબંધી કરી લૂંટનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યા પ્રૌઢાએ લુંટારૂ સામે હિંમત દાખવી વધુ લૂંટ થતા રોકી: જાણભેદુ હોવાની શંકા
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢના ભરચક એવા આંબાવાડી વિસ્તારમાં સમી સાંજના બે ઈસમોએ એક મહિલાના ઘરમાં ઘૂસી, મોઢું દબાવી, છરીની અણીએ ધમકી આપી, મહિલાને માર મારી, રૂ. બે લાખ રોકડા તથા સોનાના દાગીના મળી કુલ રૂ. 5.26 લાખની લૂંટ થયાની ઘટના સામે આવતા જોષીપરા સહિત સમગ્ર શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. જો કે જૂનાગઢ પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢના જોશિપુરા, આંબાવાડી વિસ્તારમાં સાંજના સમયે બનેલ આ સનસનીખેજ લૂંટની ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જયાબેન પ્રકાશભાઇ ભુરાભાઇ બાલસ (ઉ.વ.55) પોતાના આંબાવાડી વિસ્તારમાં તુલસી પાનની બાજુમાં આવેલ બાલસનગર ખાતેના રહેણાંક મકાને હતાા ત્યારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઈસમો જયાબેનના રહેણાંક મકાનમાં ઘુશી આવ્યા હતા અને જયાબેનનું મોઢું દબાવી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, જયાબેનને શરીરે જાપટ તથા ઢીકાથી માર મારીી, જયાબેન એ કાનમાં પહેરેલ સોનાની બુંટી તથા કબાટમાંથી રોકડ રકમ રૂપિયા બે લાખ તથા સોનાના બે ચેઈન, સોનાના બે હાર તથા સોનાની વીંટી મળી કુલ રૂ. 5,26,000 ના મત્તાની લુંટી ચલાવી નાશી ગયા હતા..
બાદમાં મહિલા દ્વારા રાડારાડ કરી મૂકતા આસપાસના લોકો પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં લુટારુઓ નાસી છૂટયા હતા. જે અંગેની જાણ પોલીસને જાણ કરવામાં આવતા, જૂનાગઢના એસ.પી. રવિ તેજા વાસમ શેટી, જુનાગઢ વિભાગીય ડી.વાય.એસ પી. પ્રદિપસિંહ જાડેજા, જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઈ. ભાટી, એસઓજી તથા જુનાગઢ બી ડિવિઝન પીઆઈ પટેલ સહીતના ઉચ્ચ અધિકારી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ લુંટ અંગે ઝીણવટભરી પ્રાથમિક તપાસ પણ હાથ ધરી દેવામાં આવી હતી, બાદમાં જયાબેન પ્રકાશભાઇ ભુરાભાઇ બાલસ દ્વારા જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે રોકડા રૂપિયા બે લાખ સહિત સોનાના દાગીના મળી કુલ રૂ. 5,26,000 ની લુપ્ત થયા હોવાની પોલીસમાં ફરિયાદ થતાં જુનાગઢ બી-ડિવીઝન પી.આઇ. એન.આર.પટેલ દ્વારા તપાસ હાથ ધરાય છે.
આ અંગે જૂનાગઢના વિભાગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા એ અબતક સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસ દ્વારા સેવાય રહી છે તથા જૂનાગઢ એલસીબી એસઓજી ટેકનિકલ બ્રાન્ચ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુનંદા સ્ટાફની ચાર જેટલી ટીમો બનાવી આ લૂંટનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સાથે ઘટના સ્થળની આસપાસના અને શહેરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા એ અબતક ને આપેલ વધુ વિગતો મુજબ જે ઘરમાં લૂંટ થઈ છે તે જોષીપરામાં રહેતા જયાબેન પ્રકાશભાઇ ભુરાભાઇ બાલસનું પરિવાર શિક્ષિત છે અને જયાબેનના પતિ નિવૃત્ત સર્વેયર હોવાની સાથે તેમના એક દીકરા ડોક્ટર તથા અન્ય એક પુત્ર જૂનાગઢ ખાતે નોકરી કરી રહ્યા હોવાની વાત છે ત્યારે આ શિક્ષિત અને આર્થિક રીતે સંપન્ન પરિવારના ઘરે લુંટ થઈ છે ત્યારે આમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસ દ્વારા શંકા સેવાઇ રહી છે અને શંકાસ્પદ લોકોની પુછપરછ પણ હાથ ધરાય છે.
આ સાથે લોકચર્ચા અનુસાર લૂંટારૂઓએ અન્ય એક થેલીની પણ લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ મહિલાએ હિંમત કરી, લાખો રૂપિયાના મતા ભરેલી થેલી ઝૂંટવી લેતાં લૂંટારુઓ જે હાથમાં આવ્યુ તે લઈને નાસી છૂટયા હતા અને મહિલાએ આચકી લીધેલી થેલીમાં રહેલા લાખો રૂપિયાની રકમ મચી જવા પામી હતી. આમ એક મહિલાએ પોતાની હિંમત બતાવતા લાખો રૂપિયાની મતા બચી જવા પામી હતી.