પોલીસે દરોડો પાડી ચાર કોમ્પ્યુટર, 11 મોબાઇલ સહિત રૂ.1.80 લાખનો મુદામાલ કબ્જે કયો
અબતક, દર્શન જોશી, જુનાગઢ
જૂનાગઢમાં વેબસાઈટ દ્વારા ઓનલાઇન ચાલતા જુગારનો પડદાફાર્સ કરી, જુનાગઢ એસઓજીએ બે શખ્સોને ઝડપી પાડી ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી, તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જુનાગઢ એસ.ઓ.જીને અંગત બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, વિશાલ પ્રફુલભાઇ કારીયા તથા સંદીપ મુકેશભાઇ મકવાણા બન્ને જૂનાગઢવાળા શહેરના ચોબારી રોડ, યોગેશ્વરનગરમાં આવેલ પંકજકુમાર મોહનલાલ વેડીયાનું મકાન ભાડે રાખી, મકાનમાં ઉપરના માળે માણસો રાખી માણસો મારફતે પોતાના અંગત ફાયદા માટે કોમ્પ્યુટર પર અલગ-અલગ વેબસાઇટો દ્વારા ઓનલાઇન હાર-જીતની ગેમો પર સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ લે કરી હારજીતનો જુગાર રમી રમાડે છે.
આ બાતમી આધારે જુનાગઢ એસ.ઓ.જી. એ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઉપરોકત બન્ને ઇસમોએ પોતાના કબ્જા ભોગવટાના ભાડાના મકાનમાં અલય ફાલ્ગુનભાઇ દવે, (ઉ.વ.20), રહે. એલીસબ્રીઝ, માદરપુર ગામ અમદાવાદ, તથા જૈમીન રાજેનભાઇ સોમૈયા, (ઉ.વ.20), રહે. બીરલાચોક, રેલ્વે સ્ટેશનરોડ દ્રારકાવાળાને નોકરી પર રાખી રાઉટર તથા કોમ્પ્યુટરો તથા મોબાઇલોનો ઉપયોગ કરી અલગ-અલગ વેબસાઇટો મારફતે અલગ અલગ ગ્રાહકો સાથે બનાવી આપેલ આઇ.ડી. મારફતે ઓનલાઇન હાર-જીત ની ગેમો પર સોદાઓ કરી નાણાની હારજીત કરી ઓનલાઇન જુગાર રમી રમાડી અખાડો ચલાવતા હતા ત્યારે આ રેઇડ દરમ્યાન અલય ફાલ્ગુનભાઇ દવે તથા જૈમીન રાજેનભાઇ સોમૈયાને 4 કોમ્પ્યુટર, 1 રાઉટર, 11 મોબાઈલ, 2 મોટર સાયકલ તથા રૂ.5500 રોકડા મળી કુલ. રૂ.1,80,600 ના મુદામાલ સાથે પકડી પાડી, ચારેય શખસો સામે ગુન્હો દાખલ કરી, આરોપી વિશાલ પ્રફુલભાઇ કારીયા તથા સંદીપ મુકેશભાઇ મકવાણા બંને હાજર મળી ન આવતા તેને પકડવાની તેજવીજ હાથ ધરી છે.