જે ફરજને સેવા ગણે છે તેવા સેવા કર્મીઓ ખૂબ જૂજ સંખ્યામાં હોય છે. જે બેખૂબી ફરજ તો બજાવી જાણે છે, પરંતુ એ ફરજને તેઓ એક સેવાના રૂપમાં સ્વીકારી લોકોનું કેમ ભલું થાય તે માટે દિવસ-રાત સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક તબીબની અહીં વાત છે જેવો દર્દીનારાયણ માટે સતત બે વર્ષથી પોતાના બે વર્ષના બાળકથી દુર રહી રોજ 18 -18 કલાક જેટલી ફરજ બજાવી રહ્યા છે, અને એક વખત કોરોનાથી સંક્રમિત પણ થઇ ચૂક્યા છે, છતાં પણ તેમના માટે ફરજ કરતાં દર્દી નારાયણની સેવા સર્વોત્તમ છે. અહીં આપણે જેની વાત કરવી છે તે છે માણાવદર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતાં એમ.બી.બી.એસ ડોક્ટર પારૂલબેન વાળાની જેઓ છેલ્લા ત્રણ વર્ષથી માણાવદર ખાતે ફરજ બજાવે છે અને આ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી માણાવદર પંથકની સગર્ભા મહિલાઓને પ્રસુતિ માટે જુનાગઢ જવું ન પડે તે માટે તેઓ જ ગાયનેક ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે.
મહત્વની બાબતો એક છે કે, તેમણે એક સાથે 10 નોર્મલ ડીલીવરી પણ કરાવી છે. જો કે, ડો. પારૂલ વાળાના જણાવ્યા અનુસાર દરેક માતાને પોતાનું સંતાન વ્હાલ સોયું અને જાનથી પ્યારું હોય જ અને તે આંખથી દૂર થાય તે કોઈ માતાને ગમતું ન હોય, પરંતુ મારી ફરજ એક સેવાના ભાગરૂપ છે ત્યારે બીજીબાજુ પુત્રની યાદ આવવી પણ સ્વાભાવિક છે, પરંતુ મારા પુત્રની યાદ આવે ત્યારે હું તેની સાથે વિડીયો કોલ પર રાત્રે વાત કરી લઉં છું. જો કે મારા સદભાગ્યે મારા જેઠાણી અને સાસુ મારા પુત્રને માતાનો જ પ્રેમ આપી રહ્યાં છે. માણાવદરની સરકારી હોસ્પિટલમાં ડો. પારુલ વાળાની દર્દી નારાયણ માટેની અવિરત સેવાને કારણે આ વિસ્તારના લોકો માટે તેઓ એક સેવાભાવી તબીબ તરીકે પંકાયા છે અને અનેક મહિલા દર્દીઓના આશીર્વાદના હક્કદાર બન્યા છે સાથોસાથ તેમના પતિ ડો. હિરેન હદિયલ પણ માણાવદરની સરકારી હોસ્પિટલમાં જ ફરજ બજાવી રહ્યા છે તેમની કામગીરી પણ લોકો માટે સંતોષકારક હોય આમ સરકારી હોસ્પિટલમાં તબીબ દંપતીની અવિરત સેવાની ભારે પ્રશંસા થઈ રહી છે.