તલવાર, ફરસી, પાઇપ અને ધોકાથી સામસામે હુમલો છ મહિલા સહિત ૧૯ સામે નોંધાતો ગુનો
જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં મોડીરાતે છેડતીના પ્રશ્ને પાડોશી પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામ થતા તલવાર, ફરસી, લાકડી અને પાઇપથી સામસામે હુમલો થતા બે મહિલા સહિત સાત ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સાત મહિલા સહિત ૧૯ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કડીયાવાડમાં રહેતા ચુનિલાલ દેવજીભાઇ સોંદરવાએ અનિલ ઉર્ફે અનીયો કોળી, વિજય ઉર્ફે ભુરો, કિશોર દરબાર અને પાંચ અજાણ્યા શખ્સો તલવાર, પાઇપ અને લાકડીથી હુમલો કરી ચુનિલાલ સોંદરવા અને અલ્કાબેનને માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જ્યારે અનિલ ઉર્ફે અનીયો બાબુ સોલંકીએ પ્રદિપ દેવશી સોંદરવા, દક્ષિત મેઘજી, સાગર અશોક, ધીરૂ દેવા, લીલા દેવા, મંજુ દેવશી, નયના મેઘજી, અલ્કા સુરેશ, સુરેશ, પાલુબેન, પ્રદિપનો ભાઇ, કાજલ, દર્ષિતની પત્ની અને પ્રદિપની પત્નીએ પાઇપ, ફરસી અને લાકડાના ધોકાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કડીયાવાડ વિસ્તારમાં મોડીરાતે પાડોશી પરિવાર વચ્ચે છેડતીના પ્રશ્ને સશસ્ત્ર અથડામણ થતા નાસભાગ મચી ગઇ હતી. અથડામણમાં બે મહિલા સહિત સાત ઘવાતા તમામને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં પણ પોલીસની હાજરીમાં હોસ્પિટલમાં ફરી બઘડાટી બોલતા પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડયો છે. જિલ્લા પોલીસ વડા સૌરંભસિંહ અને ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા.