એક મણનો ભાવ રૂ.1400 થી 1800ને પાર પહોચ્યો
ઉનાળાના પ્રારંભે જ સોરઠમાં લીંબુના ભાવમાં ભડકો થયો છે. એક સપ્તાહથી સતત લીંબુની આવક ઘટતા, અને માંગ વધતા, જૂનગઢ માર્કેટિંગ યાર્ડમાં લીંબુનો એક મણનો ભાવ રૂ. 1400 થી 1800 ની પાર પહોંચ્યા છે. જેને લઈને રસોડાની રાણીને હવે લીંબુનો ખાટો સ્વાદ કડવો ભાંસી રહ્યો છે.
હજુ ઉનાળાના દિવસો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, તે સાથે જ લીંબુ શરબત, શેરડીનો રસ અને લીંબુ સોડા, અને વિવિધ પીણાં માટે લીંબુની માંગ વધી છે. તો બીજી બાજુ છેલ્લા એકાદ અઠવાડિયામાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવકમાં 25 % થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ સાથે પરપ્રાંતીય લીંબુની આવક હજુ સુધી શરૂ થઈ નથી. ત્યારે એક અઠવાડિયામાં લીંબુના મણના ભાવમાં રૂ. 500 થી વધુનો વધારો ઉછડયો છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે 31 ક્વિન્ટલ લીંબુની યાર્ડમાં આવક થઈ હતી. અને 20 કિલોના ભાવ 1400 થી 1800 રહેવા પામ્યા હતા. જે સ્થિતિ આજે પણ યથાવત રહી હતી. જેના કારણે માર્કેટમાં લીંબુના છૂટક 1 કિલો ના ભાવ 150 થી વધુ થઈ જવા પામ્યા છે.
એક તરફ કાળઝાળ મોંઘવારી, અને બીજી બાજુ ઉનાળાના પ્રારંભના ઉકળતા દિવસોમાં જ લીંબુના ભાવમાં ભડકો બડતા મહિલાઓ મુંજાઈ છે અને રસોઈ સાથે રોજિંદા વપરાશમાં લીંબુની જરૂરિયાત પર કેમ કાપ મુકવો ? અને રસોડાના ખર્ચાને કેમ બેલેન્સ રાખવું તેની ચિંતામાં અત્યારેથી લાગી ગઈ છે