જુનાગઢ સમાચાર
જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને અસુવિધા ન થાય તે માટે ગત પરિક્રમાઓની સરખામણીમાં સુવિધાઓ અને વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પીવાના પાણીના પોઈન્ટ વધારવાની સાથે પરિક્રમા રૂટ પર લાઈટની સુવિધા પણ છેલ્લી પરિક્રમા કરતા વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષે નવા અભિગમ સાથે અને વાતાવરણના બદલાવના કારણે આગ-દવના બનાવ ન બને તે માટે અગ્નિશામક યંત્ર રાખવાની શરત સાથે અન્નક્ષેત્રની પરવાનગી આપવામાં આવી છે.
આ સાથે પરિક્રમામાં સહભાગી થનાર ભાવિકોની સંખ્યાની નળપાણી અને ગિરનાર સીડી ખાતેથી ગણતરી કરવામાં આવશે. ઉપરાંત વયોવૃદ્ધ અને જરૂરિયાતમંદ ભાવિકોને પરિક્રમા સરળતાથી કરી શકે તે માટે લાકડી આપવામાં આવશે. નાયબ વન સંરક્ષક જોશીએ ભાવિકોને અનુરોધ કર્યો છે કે, લીલી પરિક્રમા નિયત સમય એટલે કે, કારતક સુદ અગિયારસના દિવસે તા.૨૩ના રોજ શરૂ કરે, જેથી શ્રદ્ધાળુઓને પૂરતી સુવિધાઓ મળી રહે.