જૂનાગઢ મહાનગરપાલિકા માટે હંમેશા ઓરમાયા રહેલા ૬૬ કેવી વિસ્તારની મહિલાઓ ગઈ કાલે કાદવ-કીચડ અને મનપા દ્વારા ન અપાતી સુવિધાઓને લઈને વોર્ડ નંબર ૨ ના મહિલા કોર્પોરેટર સુમિતા બેન ભીમાભાઇ વાઘેલાના ઘરે પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો અને બાદમાં મનપા ખાતે સુત્રોચ્ચાર કરી મનપાના અધિકારીઓને પોતાના વિસ્તારની મુલાકાત લઈ સત્વરે યોગ્ય કરવા માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના સોમવારની છે જુનાગઢ વોર્ડ નંબર ૨ની મહિલાઓ બપોરના સમયે વોર્ડ નંબર ૨ના મહિલા કોર્પોરેટર સુમિતાબેન વાઘેલાના ઘરે પહોંચી હતી અને હલ્લાબોલ કર્યો હતો. પોતાના વિસ્તારમાં હાલમાં દોજખ જેવી જિંદગી જીવી રહેલા લોકોને કફોડી પરિસ્થિતિ માંથી ઉગારવા ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં આ મહિલાઓનું ટોળું મનપા કચેરી ખાતે રોષપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરતાં પહોંચ્યું હતું.
મનપાના અધિકારીને ઉગ્ર રજૂઆતો કરતા અધિકારીઓ વોર્ડ નંબર ૨ ના ૬૬ કેવી વિસ્તારમાં મુલાકાત લઈ સત્વરે યોગ્ય કરે તેવી માંગ કરી હતી. આ અંગે જુનાગઢ વોર્ડ નંબર ૨ માં રહેતા સામાજિક કાર્યકર સાબિરાબેન ના જણાવ્યા અનુસાર જુનાગઢ શહેરના વોર્ડ નંબર ૨ ના ૬૬ કેવી વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ માણસો રહે છે. પરંતુ વર્ષોથી વિકસેલા આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કોઇ જ ગટર કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. તે ઉપરાંત હાલમાં ચોમાસાનો સમય આવ્યો છે ત્યારે મનપા દ્વારા ગટર કરવા માટે ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે. અને પાઇપ પણ ફિટ કરવામાં આવ્યા નથી ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થતાં ૬૬ કેવી વિસ્તારમાં ભારે ચીકાશ સાથેનો કાદવ-કીચડ થવા પામ્યો છે. જેના કારણે ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વૃધ્ધ લોકો ૬૬ કેવીના એકય વિસ્તારમાં ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી.
આ સિવાય ચીકાશ ભર્યા કાદવ-કીચડના કારણે અનેક લોકો પડતા આથડતા હોવાની પણ વાત છે. અને હજુ ચોમાસુ બાકી છે ત્યારે આ વિસ્તારના લોકોને બહાર નીકળવું પણ દોહલ્યું બનશે. છતાં મનપાના આ વિસ્તારના કોર્પોરેટર કે અધિકારીઓ દ્વારા કોઇ જ કામગીરી કરવામાં આવતી નથી અને આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા વિસ્તારની મહિલાઓ દ્વારા ગઈકાલે મનપામાં રજૂઆત કરવામાં આવી હતી. અને જો મનપા દ્વારા સત્વરે આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનશે.