તલાટીઓ સરકારને આવેદન પત્ર આપીને અચોકકસ મુદતની હડતાલ પર ઉતર્યા
અબતક, દર્શન જોશી, જુનાગઢ
આજથી જુનાગઢ જિલ્લાના તલાટી મંત્રીઓ અગાઉની પડતર માંગો ન સ્વીકારતા આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. અને તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા તથા ડિઝાસ્ટ મેનેજમેન્ટ સિવાયની તમામ કામગીરી નહીં કરે તેવું રણસિંગુ ફૂંક્યું છે.
જુનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેકટર અને ડીડીઓને એક આવેદનપત્ર આપી જણાવાયુ છે કે, અગાઉની અમારી અનેક માંગો સરકાર અને તંત્ર સુધી કરવામાં આવી છે, પરંતુ અગાઉની પડતર માંગો અંગે યોગ્ય કરવામાં ન આવતા અને સ્વીકારવામાં નહિ આવત આજ તા. 2 ઓગષ્ટથી જુનાગઢ જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે અને જ્યાં સુધી નિવાડો ન આવે ત્યાં સુધી જુનાગઢ જિલ્લાના તલાટી મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડશે.
જો કે તા. 13 થી 15 ઓગસ્ટની હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તથા ડિઝાસ્ટ મેનેજમેન્ટની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે. તેમ જુનાગઢ જિલ્લા તલાટી કમ પંચાયત મંત્રી મંડળના પ્રમુખ જે જે ડાંગર અને મંત્રી એ બી વશિયર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.