જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં લાંબા સમયથી ગટરનું કામ ટલે ચડેલુ હોય સ્થાનિકોએ મનપાના અધિકારીઓને મૌખિક અનેક રજુઆતો કર્યા બાદ પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોય પ્રજાએ ગઈકાલે સવારના સમયમાં વિસ્તાર સજજડ બંધ કરી ચકકાજામ સર્જી દીધો હતો. સ્થાનિક ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમીપરાની મધ્યસ્થી બાદ કમિશનરે આપેલી ખાતરીના પગલે મામલો થાળે પડયો હતો.
આ અંગે વિશેષ વિગત અનુસાર આ મામલે સમયાંતરે વેપારીઓ દ્વારા મનપામાં ૨૦થી વધુ વખત અરજી કર્યા બાદ પણ મનપા દ્વારા કાર્યવાહીના નામે મીડું જોવા મળી રહ્યું છે અને તેના લીધે વેપારીઓનો રોષ ફાટી નિકળતા સુખનાથ ચોકની ૨૦થી વધુ દુકાન બંધ કરાવવામાં આવી હતી અને જયાંથી પાણી રોડ પરથી જઈ રહ્યું હતું ત્યાં વાહન રાખી રોડને બંધ કરી ચકકાજામ કરવામાં આવ્યો હતો. જેથી રોડ પરથી નીકળતા અસંખ્ય વાહનો રોડ પરથી પરત ફરી જવાની ફરજ પડી હતી.
જોકે આ વચ્ચે ચકકાજામ કરનારા વેપારી અને વાહન ચાલકો વચ્ચે હળવી બોલાચાલી થઈ હતી પણ આખરે આ વાહન ચાલકોએ પણ ત્યાંથી ચાલતી પકડી હતી. વેપારીઓની જીદ હતી કે જયાં સુધી મનપાનો કોઈ જવાબદાર અધિકારી કે આગેવાન આવી ખાતરી ન આપે ત્યાં સુધી તેઓ ચકકાજામ યથાવત રાખશે. જોકે આ ચકકાજામ કુલ ૩૦ મીનીટ પણ નહતો ચાલ્યો સ્થાનિક ધારાસભ્ય અને શહેર કોંગ્રસ પ્રમુખ અમીપરાની મધ્યસ્થી બાદ કમિશનરે ખાતરી આપતા આખો મામલો થાળે પડયો હતો.